ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વાયનાડ ભૂસ્ખલન: મૃત્યુઆંક 100ને પાર, મોટા પાયે બચાવ કામગીરી ચાલુ, અનેક લોકો હજુ પણ ગુમ

વાયનાડ, 30 જુલાઈ: કેરળના વાયનાડ જિલ્લામાં મંગળવારના વિનાશક ભૂસ્ખલનથી મૃત્યુઆંક 100ના આંકને પાર કરી ગયો છે, જેમાં 108 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને 116 લોકો ઘાયલ થયા છે. વાયનાડના મેપ્પડીના પહાડી વિસ્તારોમાં 30 જુલાઈની વહેલી સવારે શ્રેણીબદ્ધ મોટા ભૂસ્ખલન થયા હતા, જેના કારણે વ્યાપક વિનાશ સર્જાયો છે. કેરળના મુખ્ય સચિવ વી. વેણુએ ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલુ હોવાથી 107 થી વધુ મૃતદેહોને બહાર કાઢવાની પુષ્ટિ કરી હતી. વધુમાં, મલપ્પુરમમાં ચાલિયાર નદીમાંથી 16 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

આજે અને આવતી કાલે રાજ્યવ્યાપી શોકની જાહેરાત

આ દુર્ઘટનાના જવાબમાં, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને મંગળવાર 30 જુલાઈ અને બુધવાર, 31 જુલાઈના રોજ બે દિવસના રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરી છે. કેરળના મહેસૂલ પ્રધાનના કાર્યાલયે અહેવાલ આપ્યો હતો કે તાજેતરના ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને 108 થઈ ગયો છે, 116ને ઇજાઓ થઈ હોવાનું પુષ્ટિ થઈ છે.

હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેરળમાં 31 જુલાઈ સુધી અતિ ભારે વરસાદ માટે ‘રેડ એલર્ટ’ જારી કર્યું છે. રેડ એલર્ટ હેઠળના જિલ્લાઓમાં ઇડુક્કી, થ્રિસુર, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડનો સમાવેશ થાય છે. પથનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમ માટે ઓરેન્જ એલર્ટ અમલમાં છે. મંગળવારે વહેલી સવારે ભારે વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલનથી વ્યાપક વિનાશ થયો છે. ભૂસ્ખલનને કારણે અસરગ્રસ્ત વિસ્તારો જેમ કે મુંડક્કાઈ, ચૂરમલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામડાંનો સંપર્ક તૂટી ગયો છે.

મળેલા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલાયા

કેરળના મુખ્ય સચિવ ડૉ. વી. વેણુએ વાયનાડ જિલ્લાની સ્થિતિને ‘ગંભીર’ ગણાવતા તેમણે કહ્યું કે, “બચાવ કામગીરી દરમિયાન લગભગ 70 થી વધુ મૃતદેહો મળી આવ્યા છે, જે ને હોસ્પિટલોમાં પહોંચાડ્યા છે. તપાસ અને પોસ્ટમોર્ટમ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.” હવામાન વિભાગે આપેલા રેડ એલર્ટને કારણે બચાવ માટે હેલિકોપ્ટર ટેકઓફ કરવામાં અસમર્થ હોવાથી હવાઈ બચાવ મુલતવી રાખ્યું છે.

બીજી બાજુ મુખ્ય પ્રધાને નેવી રિવર ક્રોસિંગ ટીમને રવાના કરવાના ઓડર કર્યા છે અને ટીમને બચાવકામગીરી માટે મોકલી દેવામાં આવી છે અને લશ્કર અને હવાઈ દળને ચોરલમાલામાં બચાવ કામગીરી માટે એકત્ર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ફ્લાઈટ, સ્કૂલ અને હોસ્પિટલ પછી હવે ટ્રેનમાં મળી બોમ્બની ધમકી, ફિરોઝપુરમાં રોકવામાં આવી સોમનાથ એક્સપ્રેસ

Back to top button