ગુજરાત

રાજકોટના સેન્ટ્રલ ઝોનના બે વિસ્તારમાં આજે પાણીકાપ, 3 લાખ લોકોને હાલાકી

Text To Speech

રાજકોટઃ 600 કરોડના ખર્ચે 24 કલાક પાણીની યોજના દસ વર્ષથી કાગળ પર છે, તેવામાં દૈનિક 20 મિનિટ પણ પાણી નિયમિત અપાતું નથી. તેટલું જ નહીં વારંવાર પાણીકાપ મૂકવામાં આવે છે. ત્યારે આજે ફરી એક વખત માત્ર લાઈન તૂટ્યાંના કારણ સાથે ઢેબરરોડ અને ગોંડલરોડ પરના સેન્ટ્રલ ઝોનમાં 3 લાખ લોકોને ઉનાળાના આકરા તાપ વચ્ચે પાણીકાપનો ડામ દેવામાં આવ્યો છે.

બે વિસ્તારમાં પાણીકાપ મૂકાયો
રાજકોટના ગુરૂકુળ ઝોનમાં જ્યાંથી પાણી આવે છે ત્યાંની મુખ્ય પાઈપલાઈન ભાદર ડેમ નજીક નવાગામ-લિલાખા ગામ વચ્ચે ભંગાણ થયું છે. જેના કારણે ભાદર ડેમથી પાણી મળે તેમ ન હોવાથી ગુરૂકુળ અને વાવડી ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં પાણીકાપ મૂકવામાં આવ્યો છે.

સરકાર પાસે નક્કર યોજના નથી
રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના મારફતે આજી અને ન્યારી ડેમમાં ચોમાસા સુધી ચાલે એટલું પાણી ઠાલવી દીધું છે. ભાદર ડેમમાં આરામથી ચાલે એટલું પાણી સંગ્રહિત છે અને છતાં આ પાણી લોકો સુધી પહોંચાડવા નક્કર આયોજન સાથે વ્યવસ્થા કરવાને બદલે છાશવારે પાણીકાપ મૂકવામાં આવે છે.

મનપાએ કાર્યવાહી કરી
રાજકોટમાં ટેન્કર યુગનો અંત આવ્યો છે અને પાણીના પ્રશ્નમાંથી લોકોને મુક્તિ મળી છે. તેવી વાતો કરતા કદી નેતાઓ થાક્યા નથી. પરંતુ વાસ્તવિકતા એ છે આજે પણ શહેરમાં 25,000 લોકો ટેન્કર પર આધારિત છે. મતલબ કે ટેન્કર યુગ હજુ પૂરો થયો નથી. ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા પાણીચોરીનું ચેકીંગ કરી ગઇકાલે 23 ડાયરેક્ટ પમ્પિંગના કેસો પકડી પાડી રૂ. 21,250ના દંડની વસૂલાત કરી હતી અને ફળિયું ધોવા પાણી બગાડતા લોકોને પણ દંડ કરાયો હતો.

Back to top button