અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

નર્મદા ડેમમાંથી ઉત્તર ગુજરાતના તળાવોમાં પાણી પહોંચાડાશેઃ મુખ્યમંત્રીએ નિર્ણય લીધો

ગાંધીનગર, 12 ઓગસ્ટ 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે. તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ 952 તળાવોને જુદીજુદી 13 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. હાલ આ પાઈપ લાઈનો દ્વારા 1 હજાર ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ તળાવોમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે તે ક્રમશ: વધારીને 2400 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને ઉત્તર ગુજરાતના આ તળાવોમાં આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે.

નર્મદા જિલ્લાનો ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો
ઉપરવાસમાં સતત પડતા વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી આજે 11:35 વાગ્યે 9 દરવાજા 2.10 મીટર ખોલવામાં આવશે. એને કારણે નર્મદા ડેમના નીચલા વિસ્તારમાં 1 લાખ 35 હજાર ક્યૂસેક પાણી વહેશે. નર્મદા ડેમના 9 દરવાજામાંથી 1,35,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને લઈ નર્મદા નદીમાં પાણીના વહેણમાં સતત વધારો થયો છે. જેથી નર્મદા જિલ્લાનો ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ગરુડેશ્વર વિયર ડેમમાં પાણીની સપાટી વધતા અદભૂત દૃશ્યો સર્જાયા હતા.

મહત્તમ સપાટીથી નર્મદા ડેમ હવે માત્ર 3 મીટર દૂર
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા વધારો થયો છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 43,861 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. તેમજ કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,433 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 9 ગેટ દ્વારા 90,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમ માંથી કુલ 1,52,294 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે મહત્તમ સપાટીથી નર્મદા ડેમ હવે માત્ર 3 મીટર દૂર છે.

ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામ પણ એલર્ટ પર
નર્મદા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. જેમાં ડભોઈના ચાંદોદ, કરનાળી, નંદિરેયા ગામ અને શિનોરના અંબાલી, બરકાલ, દિવેર ગામ તથા શિનોરના માલસર, દરિયાપુરા, મોલેથા ગામને એલર્ટ કરાયા છે. શિનોરના ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશઆળ ગામ તથા કરજણના પુરા, આલમપુરા, કરજણના રાજલી, લીલાઈપુરા, નાનીકોરલ ગામ એલર્ટ પર છે. તેમજ કરજણના મોટી કરોલ, જુના સાયર, સાગરોલ તથા ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામ પણ એલર્ટ પર છે.

આ પણ વાંચોઃગુજરાત: સરદાર સરોવર નર્મદા ડેમ 90 ટકા ભરાતા વિવિધ ગામોને એલર્ટ કરાયા

Back to top button