પંચમહાલઃ જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે પાણીની આવક વધતા હાલોલ તાલુકામાં આવેલા દેવ નદી પરના દેવ ડેમના 6 દરવાજા ખોલવામાં આવતા દેવ નદીમાં પૂરની સ્થિતી સર્જાઇ છે. હાલમાં ગેટ નંબર 2, 3, 6 અને 7ને 1.2 મીટર અને 4 અને 5ને 1.5 મીટર જેટલા ખુલ્લા રાખીને 24,504 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દેવ નદીમાં સર્જાયેલી પૂરની સ્થિતીના પગલે દેવ નદીના કાંઠા વિસ્તારમાં આવેલા વાઘોડિયા તાલુકાના 19 અને ડભોઇ તાલુકાના 7 ગામો મળી 26 ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
વાઘોડિયાના 19 ગામો અને ડભોઈના 7 ગામના લોકોને એલર્ટ કરાયા
સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષમાંથી મળેલી માહિતી પ્રમાણે હાલોલ ખાતે આવેલા દેવ નદી ડેમના 6 દરવાજા આંશિક રીતે ખોલવામાં આવ્યા છે. પરિણામે દેવ નદીમાં પૂરની સ્થિતી સર્જાઇ છે. દેવ નદી આગળ જઈને ઢાઢર નદીને મળે છે. જેને અનુલક્ષીને દેવ અને ઢાઢર નદીમાં પણ પૂરની સ્થિતી સર્જાય તેવી શક્યતા છે. તંત્ર દ્વારા દેવ નદીના કાઠા વિસ્તારમાં આવેલા વાઘોડિયા તાલુકાના ફલોડ, વેજલપુર, અલવા, ઝવેરપુરા, ગોરજ, માધવપુરા, ધાનખેડા, અંબાલી, પાટીયાપુરા, મુનીઆશ્રમ, મુવાડા, જયાપુરા, અંટોલી, વાનકૂવા, ઘોડાદરા, વ્યારા ધોલાર, કાગડીપુરા અને અકાડીયાપુરા અને ઢાઢર નદીના કાંઠે આવેલા ડભોઇ તાલુકાના બનૈયા, અબ્દુલપુરા, કડાદરા, કરાલી, ગોજાલી, કડાદરાપુરા અને વણાદરા ગામના લોકોને એલર્ટ રહેવા અને સલામત સ્થળ પર ખસી જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વસાહતના લોકોને કરમાલીયાપુરા પ્રાથમિક શાળામાં આશરો અપાયો
ભારે વરસાદને પગલે વાઘોડિયા તાલુકાના કરમાલીયાપુરા ગામના પેટાપરા તામસીપુરા પાસેથી પસાર થતી મિની નદીમાં પાણીની આવક વધી જતાં તામસીપુરા વસાહતના 17 મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. પરિણામે વસાહતમાં રહેતા 50 લોકોને ગામના સરપંચ અને ગામ લોકો દ્વારા કરમાલીયાપુરા ગામની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. આ માહિતી વાઘોડિયાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષને આપવામાં આવી હતી.
તુલસીપુરા-ચાંપાનેર રોડ ઉપર કોઝવેની ઉપર પાણી ફરી વળ્યા
સ્થાનિક પૂર નિયંતત્ર કક્ષમાંથી એવી પણ માહિતી મળી છે કે, સાવલી તાલુકામાં આવેલ ધનતેજ તુલસીપુરા ચાંપાનેર રોડ ઉપર આવેલી ગોમા નદીમાં ઉપરવાસના પાણીની આવક વધવાના કારણે પાણી કોઝ વે ઉપર થઈને પસાર થઈ રહ્યું છે. જેની મામલતદારે સ્થળ મુલાકાત લઈ સ્થાનિક પોલીસની મદદથી કોઝ વેના બંને છેડે બેરેક મૂકી પોલીસ બંદોબસ્ત ગોઠવી તમામ પ્રકારના વાહનો તથા લોકો માટે અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો હતો. આ ગામોને જોડતો મેવલી – ચારણપુરા – શેરપુરાનો વૈકલ્પિક રસ્તો ચાલુ છે.
મામલતદારોને કાંઠા વિસ્તારના ગામોનું નિરીક્ષણ કરવા તાકીદ કરાઇ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દેવ અને ઢાઢર નદી જ્યાંથી પસાર થાય છે એ વિસ્તારના પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને જિલ્લા કલેકટર અતુલ ગોર દ્વારા તકેદારીના તમામ પગલાં લેવા અને નદી કાંઠાના વિસ્તારોની નિરીક્ષણ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરવા સૂચના આપી છે. નદી કાંઠાના રહીશોને સાવધ કરવા અને અસરગ્રસ્ત થવાની શક્યતાવાળા તમામ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા જણાવવામાં આવ્યું છે. લોકોને પણ ઢાઢર નદી કાંઠે ન જવા, તટમાં ઉપસ્થિત ન રહેવા, ઢોર ન ચરાવવા અને ભય જણાય તો સલામત સ્થળે ખસી જવા જણાવાયું છે અને તંત્રને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.