મુક્તેશ્વર ડેમમાં વધી પાણીની આવક,200 ક્યુસેક પાણી નદીમાં છોડાયું
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાનો દાંતીવાડા ડેમ છલકાયા બાદ વધુ એક ડેમ છલકાયો છે. વડગામ તાલુકામાં આવેલો મુક્તેશ્વર ડેમ પણ ઓવરફ્લો થયો હતો. જેના પગલે સોમવારના સવારે વહેલી સવારે 4:00 વાગે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. જેમાંથી હાલમાં ૨૦૦ ક્યૂસેક જેટલું પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે હાલમાં મુક્તેશ્વર ડેમ 96% ભરાયો છે.
ડેમની હાલની પાણીની સપાટી 660.50 ફૂટ થઈ છે. થોડા દિવસ અગાઉ મુક્તેશ્વર ડેમના ઉપરવાસના વિસ્તાર એટલે કે દાંતા તેમજ અંબાજીના પર્વતીય વિસ્તારોમાં થયેલા ભારે વરસાદને લઈને મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક થઈ હતી. જેથી મુકતેશ્વર ડેમની પાણીની સપાટીમાં વધારો થતા સોમવારે વહેલી સવારે ડેમનો એક દરવાજો ખોલવાની ફરજ પડી હતી. તે અગાઉ નદી કાંઠાના તેમજ નદીના નિચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામડાઓના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
આ નદીમાં છોડાઇ રહેલા પાણીથી વડગામ તાલુકાના આજુબાજુના વિસ્તારના ભૂગર્ભ જળ ઊંચા આવવાની ખેડૂતોમાં આશા બંધાઈ છે. જ્યારે આ સરસ્વતી નદીનું પાણી પાટણ જિલ્લાના સરસ્વતી બેરેજમાં આવે છે. જેથી આગામી દિવસોમાં સરસ્વતી બેરેજની પાણીની સપાટી પણ વધવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.