વોટર આઈડી સ્લીપ નથી આવી, તો આ રહી તેને મેળવવાની સરળ રીત
ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં બીજા તબક્કાના મતદાનને હવે 24 કલાકથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે દરેક વ્યક્તિ મતદાનને લઈને ઉત્સાહિત હોય છે પરંતુ ઘણી વખત મતદારો પાસે વોટિંગ સ્લીપ ન હોવાથી મતદારો મત આપવાથી વંચિત રહી જતા હોય છે. મતદારો પાસે મત સ્લીપ ન હોવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને તેમને મતસ્લીપ વગર મતદાન મથક વિશે જાણ રહેતી નથી. પરંતુ ચૂંટણીપંચે આ માટે પણ એક મહત્વની સેવા પુરી પાડે છે અને અમે તમને જણાવીશું કે મતદાન સ્લીપ વગર તમે કેવી રીતે તમારા મતદાન મથક વિશે જાણી શકો છો ?
આ પણ વાંચો : તમારા એક વોટ પાછળ સરકાર કરે છે આટલા રુપિયાનો ખર્ચ !
બે રીતે મેળવી શકો છો વોટર આઈડી સ્લીપ
તમારી વોટર આઈડી સ્લીપ મેળવવા માટે તમારે ચૂંટણી પંચની વેબસાઈટ https://electoralsearch.in/ પર જવું પડશે. ત્યાં તમે બે વિકલ્પોથી તમારી મતદાન સ્લીપ ડાઉનલોડ કરી શકો છો. પહેલા વિકલ્પમાં તમારે તમારું નામ,ઉંમર તથા મતવિસ્તાર સહિતની વિગતો ભરવી પડશે, તે બાદ સર્ચ પર ક્લિક કરતાં તમને તમારી વોટર આઈડી સ્લીપ મળી જશે, જેને તમે PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.
બીજા વિકલ્પમાં તમે તે જ વેબસાઈટ પર તમારા વોટર આઈડીનાં એપિક નંબરની મદદથી આઈડી સ્લીપ મેળવી શકો છો. આમ, બંને રીતે તમે વોટર આઈડી સ્લીપ ડાઉનલોડ કરી શકો છો, જેમાં તમે તમારું નામ, વિધાનસભા મતવિસ્તાર, મતદાન મથક, બુથ નંબર, ક્રમ, બુથનું સરનામું અને મતદાનની તારીખ અને સમય જેવી વિગતો જોઈ શકો છો.
2.51 કરોડ જેટલા લોકો કરશે મતદાન
અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાવા જઈ રહ્યું છે અને તેમાં 833 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. બીજા તબક્કાનાં આ મતદાનમાં 25 હજારથી વધુ મતદાન મથકો પર 2.51 કરોડ જેટલી ગુજરાતની જનતા મતદાન કરવા જઈ રહી છે.