
અમદાવાદ, 23 ઓગસ્ટ 2024, શહેરના પાલડી વિસ્તારમાં જલારામ અંડરબ્રિજની કામગીરીને લઈને સવાલો ઊભા થયા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત રીતે રૂપિયા 82 કરોડના ખર્ચે બનાવેલા અંડરબ્રિજમાં ભ્રષ્ટાચાર પ્રકાશ્યો છે. 5 મહિના પહેલાં ઉદ્ઘાટન કરવામાં આવેલા અંડરબ્રિજમાં રોડ તૂટી જતાં સળિયા દેખાવા લાગ્યા છે. હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.અંડરબ્રિજ પર જ્યાં રોડ તૂટ્યો છે ત્યાં કાંકરીઓ ઊખડે છે.
AMCએ કહ્યું મેટ્રો રેલ સાથે સંકલન કરી જાણ કરાશે
શહેરના પાલડી વિસ્તારમાં લો ગાર્ડન કલગી ચાર રસ્તાથી પાલડી તરફ જવાના રોડ ઉપર રેલવે બ્રિજ બાદ રોડ તૂટેલો છે અને સળિયા દેખાવા લાગ્યા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઢાળના ભાગની ઉપર તરફ રોડ તૂટ્યો છે અને સળિયા દેખાવા લાગ્યા છે. આ અંગે કોર્પોરેશનના અધિકારીઓ મીડિયાને એવું જણાવી રહ્યાં છે કે, પાલડી અંડરબ્રિજને મેઇન્ટેન કરવાની અને રોડ રિપેરિંગ કરવાની જવાબદારી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની છે. આ મામલે મેટ્રો રેલ સાથે સંકલન કરી જાણ કરાશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના પીઆરઓ અંકુર પાઠકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાલડી જલારામ અંડરપાસમાં ચોમાસાના કારણે કામગીરી કરાઈ નથી. વરસાદ બંધ થયા બાદ રોડ રીપેરીંગની કામગીરી કરાશે.
82 કરોડના ખર્ચે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત રીતે રૂ.82 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા અંડરબ્રિજમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટ જણાય છે. જલારામ મંદિર પાસે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો ત્યારબાદ પાલડી તરફ બહાર નીકળતા ચાર રસ્તા અનેક નાના ટ્રાફિક સર્કલ આવતાં હતાં જે નડતાં હતાં. જેના કારણે ત્યાં ડિવાઇડરમાં થોડો ઘણો ફેરફાર કરવો પડ્યો હતો. પાણીના નિકાલની પણ યોગ્ય રીતે વ્યવસ્થા કરવામાં આવેલી નહોતી. જેના કારણે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાદમાં અંડરબ્રિજમાં કામગીરી કરવામાં આવી હતી. આમ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા અંડરબ્રિજ મામલે ખુદ મુખ્યમંત્રી તપાસના આદેશ આપે તો અનેક બાબતો સામે આવી શકે તેમ છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં રખડતાં ઢોર, ગેરકાયદે પાર્કિંગ મુદ્દે હાઇકોર્ટ આકરા પાણીએ