ગુજરાત

રાજકોટમાં સોમવારે 6 વોર્ડમાં પાણીકાપ, ભાદરની લાઈન તૂટતાં 50 હજાર લોકોને અપાતું પાણી વહી ગયું

Text To Speech

રાજ્યભરમાં ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. 44 ડિગ્રી સુધીનું ટેમ્પરેચરના કારણે એસીની ઠંડકમાં પણ ગરમીનો અહેસાર થાય છે. આવી વિકટ સ્થિતિમાં પાણીની જરૂરિયાત સ્વભાવિક રીતે વધુ રહેતી હોય છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને પાણીકાપ ઝીંકવાનું શૂરાતન ચડ્યું છે. રાજકોટમાં 9મી મેનાં રોજ એટલે કે સોમવારે શહેરના 6 વોર્ડમાં પાણીકાપની તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરાઈ છે. તંત્રના આ નિર્ણયથી પ્રભાવિત વિસ્તારમાં દેકારો બોલી ગયો છે.

ભરઉનાળે પાણીકાપ
રાજકોટમાં ભરઉનાળામાં પાણીકાપ મુકવામાં આવ્યો છે. પાણી પુરવઠાની લાઇન રિપેરીંગની કામગીરીને લઈને પાણીકાપ થોપવામાં આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. 9મી મેનાં રોજ રાજકોટના વોર્ડ નંબર 7, 8, 12, 13, 14 અને 17 મળી  કુલ 6 વોર્ડને પાણી વિતરણથી બાકાત રાખવામાં આવશે. જેને લઈને રાજકોટની આશરે 60 જેટલી સોસાયટીઓના રહેવાસીઓ પાણી વગર તરસ્યા રહે તેવી સ્થિતિ સર્જાઇ છે.

વોર્ડ નં.7ના  ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વોર્ડ નં. 12 ના વાવડી ગામ, વિશ્વકર્મા સોસા., મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્ન, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે સોસાયટીનો સમાવેશ થાય છે. વધુમાં વોર્ડ નં.14 ના  વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક વિસ્તારો પાણી વગરના રહેશે.

આ ઉપરાંત વોર્ડ નં.17 ના નારાયણ નગર ભાગ-1,2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1,2,3, હસનવાડી ભાગ-1,2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1,2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગમાં પાણી વિતરણ અટકાવાયુ છે.

ભાદરની લાઈન તૂટતાં, 50 હજાર લોકોને અપાતું પાણી વહી ગયું
રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા ભાદર ડેમની 900મીમીની મુખ્ય લાઈનમાં લીલાખા પાસે ભંગાણ સર્જાયું છે તેથી તેના રિપેરિંગ માટે 8મી મેનાં રોજ વોર્ડ નં. 13માં ગુરૂકુળથી ગોંડલ રોડ હેડવર્કસના તમામ વિસ્તારો તેમજ બીજા દિવસે ગુરૂકુળ ઢેબર રોડ હેડવર્કસમાં આવતા વોર્ડ નં. 7, 14, 17 તેમજ વાવડી હેડવર્કસમાં આવતા વોર્ડ નં. 11 અને 12ના વિસ્તારોમાં પાણીકાપ રહેશે તેવું મનપાએ જાહેર કર્યું છે.

લાઈન લિકેજના કારણમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે લાઈન 30 વર્ષ જૂની છે અને તળિયાના ભાગે કટાઈ જવાથી લિક થઈ હશે. લિકેજ તો જૂનું હશે પણ પાણી સપાટી પર આવ્યું અને રોડની બાજુમાં જ વહેણ ચાલુ થયા તો મનપાને ખ્યાલ આવ્યો હતો. દરરોજ આશરે 7 લાખ લિટર પાણી વહી જવાથી કુલ 50 લાખ લિટરનો બગાડ થયાનો અંદાજ છે. આ લાઈન રિપેર કરવા સૌથી પહેલા મુખ્ય લાઈન બંધ કરી જ્યાંથી પાણી નીકળ્યું છે તે ખાડામાંથી પાણી બહાર કાઢવું પડશે.

લાઈન 1 મીટર ઊંડે છે તેથી 2.5 જેટલું ખોદીને લાઈનના તળિયામાં વેલ્ડિંગ કરાશે જે કામ 12 કલાક જેવું ચાલશે. પાણીકાપ સિવાય વિકલ્પ શા માટે નથી તે માટે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભાદર ડેમમાંથી રોજ 4 કરોડ લિટર પાણી આવે છે અને તે પણ ઘટે છે અને તેટલો જથ્થો બીજે ક્યાંયથી મનપા ઉપાડીને પહોંચાડી શકે તેમ નથી આ કારણે પાણીકાપ લાદવો પડ્યો છે.

Back to top button