

ઉનાળો શરૂ થતાં જ પાણીની બૂમ શરૂ થઈ જાય છે. બનાસકાંઠા જિલ્લામાં ઘેરા બની રહેલા જળસંકટને નિવારવા જન આંદોલનના મંડાણ થયા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ,લાખણી, કાંકરેજ સહિતના 5 તાલુકાના ખેડૂતોએ જિલ્લામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે જળ આંદોલન શરુ કર્યું છે.
ગામેગામ બેઠકો થયા બાદ આજે હજારો ખેડૂતો દિયોદરના સણાદર ખાતે એકઠાં થશે. જે બાદ સણાદરથી રેલી યોજી હજારો ખેડૂતો દિયોદર પહોંચશે. જ્યાં નાયબ કલેકટર કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પાણી છોડવા રજૂઆત કરશે. અને પાણી નહીં છોડાય ત્યાં સુધી નાયબ કલેકટર કચેરી પ્રાંગણમાં ધરણાં કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. અગાઉ ખેડૂતોએ ગામેગામ બેઠકો યોજી જળ નહીં તો વોટ નહીંના બેનરો લગાવી વિરોધ પ્રદર્શનો કર્યા હતા.
ભૂગર્ભ જળના સ્તર ઉંડા થતા પાણીની સમસ્ય વિકટ બની
બનાસકાંઠા ગામોમાં ભૂગર્ભ જળ સ્તર ઉડા જઇ રહ્યા છે જેના પગલે સિંચાઇ અને પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે.ત્યારે આ પંથકમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે મલાણા ગામના તળાવમાં પાણી નાખવાની માંગમાં છેલ્લા ૩૦ વર્ષથી રાજકીય નેતાઓ લોલીપોપ આપી રહ્યા હોય આ પંથકમાં જળ સંકટ ઘેરું બનું રહ્યું હોય જળ સંકટની સમસ્યાના કાયમી નિરાકરણ માટે ખેડૂતોએ જળ આંદોલનનું હથિયાર ઉગામ્યું છે.

સિંચાઈનો પ્રશ્ન મોટો
વડગામ અને પાલનપુર તાલુકામાં પાણીના તળ નીચા છે. 1000થી 1200 ફૂટ સુધી પણ પાણી નથી, ત્યારે સિંચાઈનો મોટો પ્રશ્ન છે. પીવાના પાણીનો પ્રશ્ન પણ વિકટ છે અને કરમાવદ તળાવ ભરાય તો આ પ્રશ્નો મહદઅંશે હલ થઇ શકે છે. તેથી હવે ખેડૂતોની માંગણી છે કે સરકાર નર્મદાના નીરથી આ તળાવને ભરે, જેથી ખેડૂતોને ફાયદો થાય અને જો આ તળાવમાં પાણી નાખવામાં નહિ આવે તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં જળ આંદોલન કરવાની પણ તેમના દ્વારા ચીમકી આપવામાં આવી હતી.
125 જેટલા ગામોને પાણીનો લાભ મળે
પાલનપુર તેમજ વડગામ તાલુકાના ગામડાઓમાં નદી, નાળામાં પાણી નથી. જેથી પાણીના તળ ઉંડા જઇ રહ્યા હોઇ બોર ફેઇલ થઇ રહ્યા છે. આગામી સમયમાં સિંચાઇ અને પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાય તેવી ભિતી સેવાઇ રહી છે. જો કરમાવત તળાવમાં પાણી ભરાય તો પાલનપુ- વડગામના 125 જેટલા ગામોમાં પાણીની સમસ્યાનો અંત આવે તેમ છે.
પાણી નહીં તો વોટ નહીં
ખેડૂતોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતુ કે, તળાવ ભરવામાં રાજકારણ રમાઇ રહ્યું છે. પાલનપુર અને વડગામમાં સત્તાધારી પક્ષના ધારાસભ્યો ચૂંટાતા નથી. જેથી તળાવ ભરવામાં આવતું નથી. આ પ્રશ્ન વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક ધારાસભ્યોનું કોઇ સાંભળતું જ નથી.