જૂઓ વીડિયોઃ બાંગ્લાદેશમાં તોફાનીઓ PM હાઉસમાં ઘૂસ્યા, વાસણો-વસ્ત્રો ચોર્યાં
ઢાકા, 5 ઓગસ્ટ, 2024: બાંગ્લાદેશમાં મોટી રાજકીય કટોકટી ઊભી થઈ ગઈ છે. શેખ હસીનાની સેક્યુલર સરકારને છેવટે ઉદ્દામવાદીઓએ ઊથલાવી પાડી છે. વડાંપ્રધાન શેખ હસીનાએ ઉતાવળે રાજીનામું આપી દઈને જીવ બચાવવા ભાગી જવું પડ્યું છે. તેઓ ચોક્કસ ક્યાં ગયાં છે અથવા જવાના છે એ વિશે હજુ સ્પષ્ટતા થતી નથી. પરંતુ એ દરમિયાન બાંગ્લાદેશના તોફાનીઓએ વડાપ્રધાન આવાસમાં ઘૂસીને ચોરી અને લૂંટફાટ કરી હોવાનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
પીએમ શેખ હસીના તેમનાં બહેનની સાથે હેલિકોપ્ટર મારફત ભાગી છૂટ્યા બાદ ઉદ્દામવાદીઓ પીએમ હાઉસનો મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા. કેટલાક લોકો પીએમના બેડરૂમમાં તેમની પથારી પર સૂઈ જઈને વીડિયો બનાવતા જોવા મળ્યા હતા, તો અન્ય કેટલાક વાસણો અને કપડાં ચોરીને ભાગતા જોવા મળ્યા હતા.
આ અગાઉ બાંગ્લાદેશમાં આજે હિંસક ઘટનાઓએ અચાનક નાટ્યાત્મક સ્વરૂપ લીધું હતું અને વડાંપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી ભાગવું પડ્યું હોવાના અહેવાલ છે.
આજે સોમવારે બપોરે હજારોની સંખ્યામાં સરકાર વિરોધી તત્વોએ વડાપ્રધાન નિવાસસ્થાનને ઘેરી લીધું હતું. એટલું જ નહીં પરંતુ બિનસત્તાવાર અહેવાલ મુજબ બાંગ્લાદેશના સૈન્યે પણ વડાંપ્રધાન શેખ હસીનાને પદ છોડી દેવા આદેશ કર્યો હતો. જેને પગલે શેખ હસીના હેલિકોપ્ટર મારફત રવાના થઈ ગયા હતા. એવું સમજાય છે કે, શેખ હસીના ભારતમાં શરણ લઈ શકે છે. કેમ કે હાલના સંજોગોમાં એકમાત્ર ભારત જ તેમના માટે સલામત જણાય છે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલાં બાંગ્લાદેશમાં ચૂંટણી યોજાઈ અને પરિણામો શેખ હસીનાની તરફેણમાં આવ્યા ત્યારે અમુક દેશો, ખાસ કરીને અમેરિકાને પસંદ પડ્યું નહોતું. અમેરિકાએ સત્તાવાર રીતે બાંગ્લાદેશનાં ચૂંટણી પરિણામો વિશે આશંકા વ્યક્ત કરી હતી. અને ત્યારથી બાંગ્લાદેશમાં અશાંતિ ફેલાયેલી છે.
દરમિયાન ગયા મહિને સરકારી નોકરીઓમાં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામના સગાસંબંધીઓની અનામતની ટકાવારી વધારવાની તરફેણમાં ત્યાંની એક અદાલતે ચુકાદો આપ્યો ત્યારથી આ હિંસા ચરમસીમાએ પહોંચી હતી. જોકે, બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના અનામત અંગેના ચુકાદાને સ્થગિત કરી દીધો ત્યારે એમ લાગતું હતું કે, હવે દેશમાં શાંતિ સ્થપાશે. પરંતુ થોડા દિવસની શાંતિ બાદ બે દિવસથી હિંસા વધી ગઈ હતી અને ઓછામાં ઓછા 300 નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચોઃ પરિવારની હત્યા; 2 વખત મૃત્યુને આપી મહાત; આવી રહી શેખ હસીનાની રાજકીય સફર