ભાવનગર નજીક પૂરના પાણીમાં ફસાયેલી બસને બચાવવા NDRFનું દિલધડક રેસ્ક્યૂ, જૂઓ
- 29 મુસાફરોથી ભરેલી બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી
ભાવનગર, 27 સપ્ટેમ્બર: ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ જારી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે શુક્રવારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ વરસાદને કારણે ગત રાત્રે કેટલાક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. હકીકતમાં, ભાવનગરના કોળિયાક ખાતે માલેશ્રી નદીમાં ભારે ઘોડાપૂર આવ્યું હતું. જેને કારણે મુસાફરોથી ભરેલી બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, જ્યારે બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ ત્યારે તેમાં 27 શ્રધ્ધાળુઓ સહિતઓ 29 લોકો સવાર હતા જેમનો જીવ જોખમમાં મુકાયો હતો. પરંતુ રાહતની વાત એ છે કે, સખત મહેનત બાદ હવે NDRFએ બધાને બચાવી લીધા છે.
જૂઓ વીડિયો
#Newsupdate
एनडीआरएफ (@NDRFH) ने 2 घंटे से अधिक चले ऑपरेशन में भावनगर के पास बाढ़ के पानी में फंसी बस के सभी यात्रियों को बचाया https://t.co/TeCb2uyml8 pic.twitter.com/F7oKgYIAwQ— Nirnay Kapoor (@nirnaykapoor) September 27, 2024
બસમાં મુસાફરી કરતાં તમામ મુસાફરો તમિલનાડુના હતા
ઉલ્લેખનીય છે કે, માલેશ્રી નદીનું જળસ્તર વધ્યા બાદ 29 મુસાફરો સાથેની બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. મોડી રાત્રે બસ વહેતા પાણીમાં ફસાઈ જતાં તમામ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો તમિલનાડુના હતા. આ માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમને ટ્રક સાથે ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ત્યાં રેસ્ક્યુ ટીમે તમામ લોકોને બસમાંથી ઉતારીને ટ્રકમાં ભરી લીધા હતા, પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધારે હતો કે ટ્રક પણ પાણીમાં ફસાઈ ગઈ હતી.
NDRFનું 2 કલાકથી વધુ સમય માટે ચાલ્યું ઓપરેશન
મુસાફરો અને તેમને બચાવવા ગયેલી રેસ્ક્યુ ટીમ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ જતાં NDRFએ બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઓપરેશનમાં લગભગ 2 કલાકનો સમય લાગ્યો હતો પરંતુ રાહતની વાત એ છે કે, NDRFએ તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા. ઉલ્લેખનીય છે કે, પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે લોકોને બચાવવા માટે NDRFએ માનવ સાંકળ બનાવી અને તેના દ્વારા દરેકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.