ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું રોહિત વેમુલા દલિત ન હતો? તમામ આરોપીઓને મળી ક્લીન ચિટ: પોલીસનો ક્લોઝર રિપોર્ટ

  • હૈદરાબાદ પોલીસે વિદ્યાર્થી રોહિત વેમુલાના મૃત્યુની તપાસ પૂર્ણ કરી

નવી દિલ્હી, 4 મે: હૈદરાબાદ પોલીસે વિદ્યાર્થી રોહિત વેમુલાના મૃત્યુની તપાસ પૂર્ણ કરી છે. પોલીસે આ મામલે તેલંગાણા હાઈકોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે, જેમાં એક મોટી વાત બહાર આવી છે. પોલીસની ક્લોઝર રિપોર્ટ મુજબ, રોહિત વેમુલા દલિત ન હતો, તેની જાતિ બહાર આવી જવાના ડરથી તેણે આત્મહત્યા કરી છે. પોલીસ દ્વારા દાખલ કરાયેલા આ ક્લોઝર રિપોર્ટ સિકંદરાબાદના સાંસદ બંડારુ દત્તાત્રેય, વિધાન પરિષદના સભ્ય એન. રામચંદર રાવ, વાઇસ ચાન્સેલર અપ્પા રાવ, ABVP નેતાઓ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સહિત અનેક અગ્રણી રાજકીય વ્યક્તિઓની નિર્દોષતા પણ સાબિત કરે છે. જેથી કોર્ટ દ્વારા તમામ આરોપીઓને કલીનચિટ આપવામાં આવી છે.

 

જાતિની ઓળખ છતી થવાના ડરથી કરી આત્મહત્યા?

કેસની તપાસ બંધ કરતી વખતે, પોલીસે તેલંગાણા હાઈકોર્ટમાં દાવો કર્યો છે કે, રોહિત જાણતો હતો કે તે દલિત નથી અને તેણે પોતાની જાતિની ઓળખ છતી થવાના ડરથી આત્મહત્યા કરી હતી. જાન્યુઆરી 2016માં આત્મહત્યા દ્વારા રોહિત વેમુલાના મૃત્યુથી યુનિવર્સિટીઓમાં દલિતો સાથેના ભેદભાવ સામે દેશવ્યાપી વિરોધ શરૂ થયો હતો.

પોલીસ તપાસમાં શું બહાર આવ્યું?

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રોહિત વેમુલાએ તેની સાચી જાતિ ખુલ્લી થવાના ડરથી આપઘાત કર્યો હતો. તેણે પોતાને અનુસૂચિત જાતિ કેટેગરીના હોવાનું જાહેર કર્યું ન હતું. પોલીસને તેમની તપાસમાં જાણવા મળ્યું છે કે, રોહિત વેમુલાને ડર હતો કે તેની જાતિનું સત્ય બહાર આવશે, કારણ કે તે અનુસૂચિત જાતિનો નથી. પોલીસે તેનો રિપોર્ટ તેલંગાણા હાઈકોર્ટમાં રજૂ કર્યો છે અને કહ્યું છે કે, રોહિત જાણતો હતો કે તેની માતાએ તેને અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મેળવી આપ્યું છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રોહિત વેમુલાએ આ સર્ટિફિકેટ દ્વારા પોતાની શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરી હતી અને તે સતત આગળ વધી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, રોહિત વેમુલાને ડર હતો કે જો તેની જાતિ વિશે સત્ય બહાર આવશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર, રોહિત વેમુલા સતત આ ડરથી પરેશાન રહેતો હતો.

ભાજપે શું વાત કહી?

ક્લોઝર રિપોર્ટ બહાર આવ્યા બાદ, બીજેપી પ્રવક્તા રચના રેડ્ડીએ કહ્યું કે, તેલંગાણાના ગૃહ વિભાગે 2016ના વિવાદાસ્પદ રોહિત વેમુલા આત્મહત્યા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો છે. આ કેસની તપાસમાં મોટા નેતાઓ સહિત ભાજપના નેતાઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસે માર્ચમાં વિગતવાર ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે, SC-ST એટ્રોસિટી એક્ટ (SC અને ST (અત્યાચાર નિવારણ) એક્ટ)નું કોઈ ઉલ્લંઘન થયું નથી. રોહિત વેમુલાની આત્મહત્યા દુર્ભાગ્યપૂર્ણ હતી, પરંતુ અહેવાલો કહે છે કે, આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કોઈ સક્રિય કેસ બહાર આવ્યો નથી અને તપાસ બંધ કરવામાં આવી છે.

રોહિત વેમુલાનો કેસ શું હતો?

17 જાન્યુઆરી, 2016ના રોજ રોહિત વેમુલાએ હૈદરાબાદ યુનિવર્સિટીમાં તેના હોસ્ટેલ રૂમમાં આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા બાદ દેશભરની યુનિવર્સિટીઓમાં વિરોધ શરૂ થયો હતો. રોહિત વેમુલા આંબેડકર સ્ટુડન્ટ્સ એસોસિએશન નામની સંસ્થાનો સભ્ય હતો. તે હૈદરાબાદ યુનિવર્સિટીના તે પાંચ વિદ્યાર્થીઓમાં સામેલ હતો જેમને હોસ્ટેલમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા.

રોહિત સહિત આ પાંચ વિદ્યાર્થીઓ પર 2015માં ABVPના સભ્ય પર હુમલો કરવાનો આરોપ હતો. યુનિવર્સિટીએ તેની પ્રારંભિક તપાસમાં પાંચ વિદ્યાર્થીઓને ક્લીનચીટ આપી હતી, પરંતુ બાદમાં પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.

આ પણ જુઓ: કેનેડાએ ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં શંકાસ્પદોની કરી ધરપકડ: રિપોર્ટ

Back to top button