ટીમ ઈંડિયા જો પાકિસ્તાનમાં રમી હોત તો…ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ પાકિસ્તાનના પૂર્વ ખેલાડીએ મોટી ટિપ્પણી કરી

Wasim Akram on Indian Team : ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે શાનદાર રમતા બતાવી અને 4 વિકેટ મેચ જીતવામાં સફળ રહી. ભારતે ત્રીજી વાર ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ફાઈનલમાં ભારતના કપ્તાન રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા. રોહિતે પોતાના દમ પર ભારતને જીતાડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. રોહિતે આ મેચમાં 76 રન બનાવ્યા હતા. અહીં ઉલ્લેખનિય છે કે, ભારતની આ શાનદાર જીત પર વસીમ અકરમે રિએક્ટ કર્યું છે.
ટેન સ્પોર્ટ્સ પર વાત કરતી વખતે, વસીમે ભારતીય ટીમને જીત માટે શુભકામનાઓ પાઠવી. ‘સ્વિંગના સુલતાન’ તરીકે પ્રખ્યાત વસીમ અકરમે ભારતની જીત બાદ કહ્યું હતું કે “ટીમ ઈન્ડિયા અજેય છે. હું ભારતના ચાહકોને આ જીત માટે અભિનંદન આપવા માંગુ છું. આ જે ભારતીય ટીમ છે તે ગમે ત્યાં રમી હોત જીતી જ જાત. જુઓ, દુબઈમાં ભારત રમવાની ઘણી ચર્ચા થઈ હતી, લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી, પરંતુ જો આ ટીમ પાકિસ્તાનમાં રમી હોત, તો તે આવી મેચ જીતી શકત અને ખિતાબ જીતવામાં સફળ રહી હોત”.
પાકિસ્તાનના મહાન બોલર વસીમ અકરમે વધુમાં કહ્યું, “ભારતે એક પણ મેચ હાર્યા વિના 2024 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો, હવે એક પણ મેચ હાર્યા વિના ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો, આ બતાવે છે કે ભારતીય ક્રિકેટમાં કેટલી મજબૂત છે. આ ભારતીય ટીમનું નેતૃત્વ દર્શાવે છે”.
વસીમ અકરમે આગળ કહ્યું, “જો તમને યાદ હોય કે ભારતીય ટીમ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટમાં હારી ગઈ હતી, તો ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર સિરીઝ હારી ગઈ હતી. તેઓ શ્રીલંકા સામે વનડે પણ હારી ગયા હતા. ભારત પર કોચને હટાવવા, કેપ્ટનને હટાવવાનું ઘણું દબાણ હતું, પરંતુ આ જીતે બધી બાબતો પર મલમ લગાવી દીધો. BCCI એ કહ્યું કે આ અમારો કેપ્ટન છે, આ અમારો કોચ છે. તે આમ જ રહેશે. અને હવે તમે જુઓ, ભારતીય ટીમ ચેમ્પિયનનો ચેમ્પિયન છે.”
ભારતની જીત ઉપરાંત, વસીમે રોહિત શર્માની કેપ્ટનશીપ વિશે પણ વાત કરી અને કહ્યું, “રોહિત ચોક્કસપણે એક મહાન કેપ્ટન છે. આટલી મોટી મેચમાં, તમારે શાંત રહેવું જોઈએ અને રણનીતિ બનાવવી જોઈએ, રોહિતે બરાબર તે જ કર્યું. ફાઇનલમાં તેણે કેટલી અદ્ભુત ઇનિંગ રમી. રોહિત એક મહાન કેપ્ટન છે”.












