પાકિસ્તાની ટીમમાં જૂથબંધી છે: વસીમ અક્રમે બે સિનીયર ખેલાડીઓના નામ કહ્યા
11 જૂન, ન્યૂયોર્ક: સહુથી પહેલા યુએસએની છોકરડાંઓ ધરાવતી ટીમ સામે અને પછી ભારત સામે એક સાવ ઓછો સ્કોર ચેઝ ન કરવાને કારણે પાકિસ્તાને હાલમાં ચાલી રહેલા ICC T20 World Cupમાં એક પછી એક બે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર પાછળ પાકિસ્તાની ટીમમાં જૂથબંધી પણ એક કારણ છે તેવો ઘટસ્ફોટ પાકિસ્તાની દિગ્ગજ વસીમ અક્રમે કર્યો છે.
વસીમ અક્રમે એક પાકિસ્તાની યુટ્યુબ ચેનલને આપેલી મૂલાકાતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની ખેલાડીઓમાં ક્રિકેટની બેઝિક જાણકારી જ નથી. ખાસ કરીને મેચ સિચ્યુએશનમાં કેવી રીતે રમવું તેની તેમને ખબર જ નથી. વસીમ અક્રમે ઉદાહરણ આપતાં કહ્યું હતું કે જ્યારે રોહિત શર્માએ જસપ્રીત બુમરાહને એક ઓવર કરવા માટે બોલાવ્યો ત્યારે કોઇપણ અનુભવી ખેલાડીને ખબર પડી જાય કે બુમરાહને વિકેટ લેવા માટે ખાસ બોલિંગ આપવામાં આવી છે.
પરંતુ, પાકિસ્તાની ટીમના સિનીયર ખેલાડી અને વિકેટ કીપર મુહમ્મદ રિઝવાને શું કર્યું? તેણે બુમરાહની ઓવર શાંતિથી કાઢી નાખવાને બદલે તેના પહેલા જ બોલે એક એવો મુર્ખામીભર્યો શોટ રમ્યો કે તે આઉટ થઇ ગયો. અક્રમે ગુસ્સાથી કહ્યું હતું કે શું હવે સિનીયર ખેલાડીઓને ચમચીથી ખોરાક ખવડાવવો પડશે? એટલેકે શું તેમને હવે સમજાવવું પડશે કે કઈ મેચ સિચ્યુએશનમાં કેવી રીતે રમાય?
આટલું જ નહીં વસીમ અક્રમે હાલમાં પોતાના દેશની ટીમની જે સ્થિતિ છે તેના પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે પાકિસ્તાની ટીમમાં જૂથબંધી છે. એક તરફ કેપ્ટન બાબર આઝમનું જૂથ છે તો બીજી તરફ શાહીન શાહ આફ્રીદીનું જૂથ છે. યાદ રહે કે હજી ગયે વર્ષે જ પચાસ ઓવર્સના વર્લ્ડ કપમાં હાર મળતાં બાબરને સ્થાને આફ્રિદીને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
પરંતુ ન્યૂઝીલેન્ડ સામે ફક્ત એક T20I સિરીઝ હાર્યા બાદ આફ્રિદીને કપ્તાન પદેથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને બાબરને ફરીથી કેપ્ટન બનાવી દેવામાં આવ્યો હતો. વસીમ અક્રમનું કહેવું છે કે મેદાનમાં અને મેદાનની બહાર બાબર આઝમ અને શાહીન શાહ આફ્રિદી એકબીજા સાથે વાત પણ નથી કરતા.
યુએસએ સામેની મેચ હાર્યા બાદ પૂર્વ પાકિસ્તાની કેપ્ટન અને શાહીનના સસરા શાહિદ આફ્રીદીએ પણ આ બાબતે જરા જુદી રીતે ઈશારો કર્યો હતો. પરંતુ શાહિદ આફ્રિદીએ વધુ કશું કહેવાનો ઇનકાર એટલા માટે કર્યો હતો કારણકે તેઓ શાહીન શાહ આફ્રિદીના સસરા છે એટલે તેમના નિવેદનને લોકો અન્ય રીતે સમજશે.