BCCIનાં નિવેદન પર ગુસ્સે થયાં વસીમ અકરમ : જય શાહને કહી દીધા આ શબ્દો
બીસીસીઆઈના સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પ્રમુખ જય શાહે તાજેતરમાં સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય ટીમ એશિયા કપ 2023 માટે પાકિસ્તાન નહીં જાય. આવી સ્થિતિમાં બીજા કોઈ તટસ્થ સ્થળે આ એશિયા કપનું આયોજન કરવાની વાત થઈ રહી છે. જય શાહના આ નિવેદન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સહિત તેમના ઘણાં પૂર્વ ક્રિકેટરો નારાજ છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાનમાં તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પાછું આવ્યું છે અને ઘણી ટીમોએ આ દેશનો પ્રવાસ કર્યો છે. જ્યારે પાકિસ્તાનનાં ઘણા પૂર્વ ક્રિકેટરોએ ભારતનો બહિષ્કાર કરવાની સલાહ આપી હતી, તો કેટલાકે કહ્યું હતું કે પાકિસ્તાને પણ આગામી 2023 વર્લ્ડ કપ માટે ભારત ન જવું જોઈએ. ત્યારે જય શાહના આ નિવેદન બાદ પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર વસીમ અકરમ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Asia Cup અંગેના ભારતના નિવેદન બાદ પાકિસ્તાને પણ આપી આ ચીમકી
BCCI એક બેઠક યોજી ચર્ચા કરી શકી હોત : વસીમ અકરમ
પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમનું નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાનના આ ભૂતપૂર્વ સ્ટાર ફાસ્ટ બોલરનું કહેવું છે કે જય શાહે આ નિવેદન આપતા પહેલા પાકિસ્તાનના અધ્યક્ષ સાથે વાત કરવી જોઈતી હતી અને સાથે જ આ મુદ્દો એક બેઠકમાં ઉકેલી શકાયો હોત. આ ઉપરાંત વસીમ અકરમે કહ્યું હતું કે,પાકિસ્તાનમાં પણ 10-15 વર્ષ બાદ ક્રિકેટની શરૂઆત થઈ છે. હું ભૂતપૂર્વ સ્પોર્ટ્સપર્સન અને સ્પોર્ટ્સ પર્સન છું, મને ખબર નથી કે રાજકીય મોરચે શું થઈ રહ્યું છે. પરંતુ લોકો સાથે વાત કરવી જરૂરી છે. જય શાહ સાહેબ, જો તમારે આ મુદ્દે કશું કહેવું હતું, તો તમે એશિયન કાઉન્સિલની બેઠક યોજીને અમારા પ્રમુખને ત્યાં બોલાવી તમે તમારા મંતવ્યો આપી શક્યાં હોત અને તેની ચર્ચા કરી શક્યાં હોત.
પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરી શકે છે
બંને દેશોના રાજકીય સંબંધો હજુ એટલા સારા નથી કે દ્વિપક્ષીય શ્રેણી યોજી શકાય, તેથી ભારત અને પાકિસ્તાને એકબીજા સામે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. જોકે, બંને ICC ટૂર્નામેન્ટમાં એકબીજાનો સામનો કરે છે. જો ભવિષ્યના કાર્યક્રમની વાત કરીએ તો એશિયા કપ 2023 પાકિસ્તાનમાં યોજાવાની છે, જેની ચર્ચાઓ હાલ થઈ રહી છે. સાથે જ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી પણ પાકિસ્તાનમાં યોજાવાની છે. જ્યારે 2023માં ભારતમાં ODI વર્લ્ડ કપ યોજાવાનો છે, ત્યારે પાકિસ્તાને આ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરવાનું કહ્યું છે.