શું પહેલી હોળી દેવલોકમાં રમાઈ હતી? કેમ છે ગીત-સંગીતનું મહત્ત્વ?
- હોળીનો તહેવાર ફાગણની પૂનમે ઉજવવામાં આવે છે. આ વખતે 24 માર્ચે હોળી અને 25 માર્ચે ધૂળેટી ઉજવાશે, પરંતુ શું તમે જાણો છો પહેલી તિલક હોળી દેવલોકમાં રમાઈ હતી.
હોળીનો તહેવાર બાળકો, યુવાનો, વડીલો બધાને ખૂબ જ પ્રિય હોય છે. તેની સાથે ધાર્મિક મહત્વ પણ જોડાયેલું છે. હોળીના ધાર્મિક મહત્વમાં ભક્ત પ્રહલાદ અને હોલિકાનો ઉલ્લેખ કરવામાં આવે છે. હોળીનો તહેવાર ફાગણની પૂનમે ઉજવવામાં આવે છે. આ વખતે 24 માર્ચે હોળી અને 25 માર્ચે ધૂળેટી ઉજવાશે, પરંતુ શું તમે જાણો છો કે આ તહેવાર સાથે જોડાયેલી કેટલીક પૌરાણિક કથાઓ પણ છે. અહી આજે દેવલોકમાં રમાયેલી હોળી વિશે વાત કરીશું.
દેવલોકમાં રમાઈ હતી પ્રથમ તિલક હોળી
હોળીના તહેવારની પૌરાણિકતા ભગવાન શિવ અને વિષ્ણુ સાથે જોડાયેલી છે. હરિહર પુરાણની કથા પ્રમાણે વિશ્વની પ્રથમ હોળી દેવોના દેવ મહાદેવે રમી હતી જેમાં પ્રેમ દેવતા કામદેવ અને તેની પત્ની રતિ પણ હતી. આ કથા અનુસાર જયારે ભગવાન શિવ કૈલાશ પર્વત પર સમાધિમાં લીન હતા ત્યારે તારકાસુરનો વધ કરવા માટે પ્રેમ દેવતા કામદેવ અને પત્ની રતિએ ભગવાન શિવને ધ્યાનમાંથી જગાડવા માટે નૃત્ય કર્યું હતું.
કામદેવ અને રતિના નૃત્યથી ભગવાન શિવની સમાધિ ભંગ થઇ તો કોપાયમાન ભગવાન શિવે ક્રોધની અગ્નિથી કામદેવને ભસ્મ કરી નાખ્યો. રતિએ પ્રાયશ્ચિત માટે વિલાપ કર્યો તો અત્યંત દયાળુ ભગવાન શિવે કામદેવને પુન: જીવિત કર્યો. તેનાથી પ્રસન્ન થઈને કામદેવ અને રતિએ વ્રજમંડળમાં બ્રહ્મભોજનું આયોજન કર્યું જેમાં બધા દેવી દેવતાઓએ ભાગ લીધો. રતિએ ચંદનનું તિલક કરીને ખુશી વ્યક્ત કરી. એવું કહેવાય છે કે આ દિવસ ફાગણ પૂનમનો દિવસ હતો.
ફાગણી પૂનમે ગીતો ગાવાની પ્રથા ક્યારે થઈ શરૂ?
હરિહર પુરાણ અનુસાર બ્રહ્મભોજમાં આનંદિત ભગવાન શિવે ડમરું વગાડ્યું તો ભગવાન વિષ્ણુએ વાંસળી વગાડી હતી. માતા પાર્વતીએ વીણા પર સુરો લહેરાવ્યા તો માતા સરસ્વતીએ વસંતના રાગોમાં ગીત ગાયા. એવું કહેવાય છે કે ત્યારથી દર વર્ષે ફાગણની પૂનમે ગીત, સંગીત અને રંગો સાથે હોળી ઉજવવામાં આવે છે.
પહેલા રમાડો શિવજીને હોળી
અબીલ-ગુલાલથી હોળી રમતા પહેલા ભગવાન શિવને હોળીનો રંગ લગાવવો જોઈએ. હોલિકા દહનની રાખ (ભસ્મ) લઈને શિવલિંગ પર અભિષેક કરવાથી પણ સારા ફળ મળે છે. ત્યારબાદ તમે રંગોથી હોળી રમી શકો છો. આ તહેવારથી લોકોમાં પરસ્પર પ્રેમ વધે છે.
આ પણ વાંચોઃ હોલિકા દહનના શુભ મુહૂર્ત જાણી લો, ક્યાં સુધી રહેશે ભદ્રાનો પડછાયો