શું મુખ્તાર અંસારીને જેલમાં ઝેર આપવામાં આવ્યું હતું? વિસરા રિપોર્ટમાં થયો ખુલાસો
- બાહુબલી મુખ્તાર અંસારીનો વિસરા રિપોર્ટ ન્યાયિક ટીમને સોંપવામાં આવ્યો
લખનઉ\બાંદા, 23 એપ્રિલ: બાહુબલી મુખ્તાર અંસારીના મૃત્યુને લઈને એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મુખ્તાર અંસારીના વિસરાની તપાસ કરવામાં આવી હતી, જેમાં કોઈ ઝેર મળ્યું નથી. વિસરા રિપોર્ટ હાલ ન્યાયિક ટીમને સોંપવામાં આવ્યો છે. હવે તપાસ ટીમ સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ અધિકારીઓને સુપરત કરશે. મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ પરિવારજનોએ એવો આરોપ લગાવ્યો હતો કે, તેને જેલમાં ઝેર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મામલે વિસરા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ રિપોર્ટમાં મુખ્તારના મૃત્યુનું કારણ બહાર આવ્યું છે. અગાઉ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ઝેરની પુષ્ટિ થઈ ન હતી.
અગાઉ, મુખ્તાર અંસારીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ હાર્ટ એટેકના કારણે મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી, તેમ છતાં જેલમાં ઝેરના આરોપોને કારણે વિસરાને તપાસ માટે લખનઉ મોકલવામાં આવ્યા હતા.
મુખ્તાર અંસારીનું 28 માર્ચે થયું હતું મૃત્યુ
ઉલ્લેખનીય છે કે, બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીની તબિયત 28 માર્ચના રોજ લથડી ગઈ હતી. આ પછી તેને બાંદા મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ પરિવારજનોએ ઝેર આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ પછી, 29 માર્ચે, મુખ્તારના મૃતદેહને મોડી રાત્રે ગાઝીપુર પૈતૃક ઘરે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં 30 માર્ચની સવારે કાલીબાગ કબ્રસ્તાનમાં તેને દફનાવવામાં આવ્યો હતો.
મુખ્તાર સામે 60થી વધુ કેસ નોંધાયેલા હતા
મુખ્તાર અંસારી વિરુદ્ધ 60થી વધુ કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, છેતરપિંડી, ગુંડા એક્ટ, આર્મ્સ એક્ટ, ગેંગસ્ટર એક્ટ, CLA એક્ટ અને NSAનો સમાવેશ થાય છે. જેમાંથી 8 કેસમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
વિસરાની તપાસ કેવી રીતે કરવામાં આવે છે?
કોઈના મૃત્યુ પછી, જો પોલીસ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરે છે, તો તે દરમિયાન, મૃતકના શરીરમાંથી આંતરડાના ભાગો એટલે કે આંતરડા, હૃદય, કિડની, લીવર વગેરેના સેમ્પલ લેવામાં આવે છે, જેને વિસરા કહેવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થાય છે. જો પોલીસ કે પરિવારને તેના મૃત્યુ પાછળ કોઈ પ્રકારની શંકા હોય તો આવા કિસ્સાઓમાં મૃત્યુનું કારણ જાણવા માટે વિસરાની તપાસ કરવામાં આવે છે. વિસરાની તપાસ કેમિકલ એક્ઝામિનર દ્વારા કરવામાં આવે છે. વિસરાની તપાસ કરીને તેઓ એ જાણવાનો પ્રયાસ કરે છે કે મૃત્યુ કેવી રીતે થયું અને મૃત્યુનું કારણ શું હતું? વિસરા રિપોર્ટ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યો છે.
આ પણ જુઓ: કેજરીવાલની વધુ એક અરજી કોર્ટે ફગાવી, હવે નહીં લઈ શકે પર્સનલ ડૉક્ટરની સલાહ