આ કંપનીના સ્કૂટરમાં આટલી બધી ફરિયાદો કેમ આવે છે? શું દર મહિને 80 હજાર ગ્રાહકો થાય છે હેરાન?
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બરઃ સ્કૂટર બનાવતી ઓલા ઇલેક્ટ્રિક હાલમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. ખાસ કરીને આ બાબત એ સમયે સૌના ધ્યાનમાં આવી જ્યારે એક વ્યક્તિએ તેની ફરિયાદ ન સંભળાતા કંપનીના શો રૂમને આગ ચાંપી દીધી હોવાની ઘટના બની હતી. એવી જ રીતે અન્ય એક વ્યક્તિ અન્ય એક શો રૂમની બહાર માઈક સાથે બેસી ગયો હતો અને આ કંપનીના સ્કૂટર નહીં ખરીદવા લોકોને કહી રહ્યો હતો. મળતા અહેવાલો મુજબ ઓલા ઈલેક્ટ્રિકને દર મહિને સ્કૂટરમાં ખામી અંગેની 80 હજારથી વધુ ફરિયાદો મળી રહી છે અર્થાત દરરોજ 2666 ફરિયાદો આવે છે. ક્યારેક ફરિયાદોની સંખ્યા એક દિવસમાં 6000-7000 હજાર સુધી પહોંચી જતી હોવાનું જાણવા મળે છે.
ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરને લગતી રોજની હજારો ફરિયાદો મળી રહી છે જેના કારણે તેના વેચાણમાં ફટકો પડ્યો હોવાનું બજારનાં સૂત્રોનું કહેવું છે. ઓગસ્ટમાં ઓલા ટુ વ્હીલરના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. એક મહિનામાં કંપનીએ તેનો બજાર હિસ્સો પણ આઠ ટકા જેટલો ગુમાવ્યો હોવાનું કહેવાય છે. આ કંપનીના સ્કૂટરમાં વારંવાર બ્રેકડાઉન, સોફ્ટવેરની સમસ્યા વધારે જોવા મળે છે. સમયસર ગ્રાહકોની સમસ્યાનું નિરાકરણ ન કરવાને કારણે કંપની ગ્રાહકોના રોષનો પણ સામનો કરી રહી છે.
ઓલા સ્કૂટર રિપેર ન કરાયું તો ઓલાના શોરૂમમાં આગ લગાવી
બેંગલોર સ્થિત ઈલેક્ટ્રિક સ્કૂટર બનાવતી કંપની ઓલા માટે હમણાં દેશભરમાં મુસીબત પેદા થઈ રહી છે. ઓલા સામે ફરિયાદોની સંખ્યા વધતી જાય છે. સમયસર ગ્રાહકોની સમસ્યાનું નિરાકરણ ન કરવાને કારણે કંપની ગ્રાહકોના રોષનો પણ સામનો કરી રહી છે. જ્યારે કંપની તેના ગ્રાહકનું સ્કૂટર રિપેર ન કરી શકી ત્યારે કર્ણાટકના એક વ્યક્તિએ ઓલાના શોરૂમમાં આગ લગાવી દીધી હતી. એ ગ્રાહકે એક મહિના પહેલા ₹1.40 લાખનું સ્કૂટર ખરીદ્યું હતું, પરંતુ તેનું સ્કૂટર થોડા દિવસોમાં જ સમસ્યા થવા લાગી હતી. તેમજ ગુજરાતમાં એક ગ્રાહક પોતાનું સ્કૂટર શોરૂમની બહાર વાહન પર લઈને આવ્યો હતો અને માઈક પર ગીત ગાઈને લોકોને તેની વ્યથા કહી હતી.
સમગ્ર ભારતમાં કંપનીના 430 સર્વિસ સેન્ટર છે. પરંતુ સ્કૂટર્સમાં ઘણી બધી ખામીઓને કારણે કંપની સમયસર સ્કૂટર રિપેર કરવામાં અને ગ્રાહકોને પરત કરવામાં નિષ્ફળ રહી છે. સ્કૂટરની સર્વિસમાં ઘણો વિલંબ થતો હોવાથી સેલ્સને અસર થઈ છે. પોતાના સ્કૂટર સામે વધતા જતા નેગેટિવ રિવ્યૂના કારણે કંપની પણ ચિંતિત છે.
આ પણ વાંચો…સસ્તા Flip ફોનની રાહ પૂરી! આ કંપનીએ Samsung અને Motorolaને આપી ટક્કર