ગુજરાતટોપ ન્યૂઝ

કારમાં મુસાફરી દરમિયાન સીટબેલ્ટ ના બાંઘતા લોકો માટે ચેતવણી રૂપ સમાચાર

  • ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારના લોકો દોડી આવ્યા
  • પુત્રીને સાથે લઈ દંપતી અને મિત્ર નવસારી ફરવા ગયાં હતાં
  • ડાયમંડ બુસ પાસે ટ્રક પાછળ કાર ભટકાતાં ત્રણને ઇજા, એકનું મોત

કારમાં મુસાફરી દરમિયાન સીટબેલ્ટ ના બાંઘતા લોકો માટે ચેતવણી રૂપ સમાચાર સામે આવ્યા છે. જેમાં સુરતના ખજોદ ડાયમંડ બુર્સ પાસે આગળ ચાલતી ટ્રકની પાછળ પુરઝડપે દોડી આવતી એક કાર ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે મૃતક મહિલાના પતિ-પુત્રી અને પતિના મિત્રને શરીરે ગંભીર ઇજાઓ થતા સિવિલમાં ખસેડાયા હતા.

આ પણ વાંચો: ભારતની G20 અધ્યક્ષતાને નોંધપાત્ર સફળતા અપાવવામાં ગુજરાતની મહત્વપૂર્ણ ભૂમિકા 

પુત્રીને સાથે લઈ દંપતી અને મિત્ર નવસારી ફરવા ગયાં હતાં

રાંદેર રામનગર સ્થિત ઝુલેલાલ મંદિર પાસે આવેલા ગુરુકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા અમિત હરેશભાઈ સવલાણી (ઉં.વ. 25) ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અમિત પત્ની ભાવિકાબેન પુત્રી દિશાના અને મિત્ર ઇન્દ્રજિત ગુલાબદાસ ટેલર સાથે નવસારી ફરવા ગયો હતાં. રાત્રીના તેઓ કારમાં ઘરે આવી રહ્યા હતા. ત્યારે સાડા નવેક વાગ્યાના અરસામાં ખજોદ ડાયમંડ બુર્સ પાસે તેમને અકસ્માત નડયો હતો. પોલીસના કહેવા મુજબ આગળ એક ટ્રક ચાલી રહી હતી ત્યારે રસ્તા વચ્ચે બમ્પર આવતા ટ્રકચાલકે બ્રેક મારી હતી. દરમિયાન પાછળથી પૂરઝડપે દોડી આવતી અમિતની કાર ટ્રકની પાછળ ધડકાભેર ભટકાઈ હતી. જેમાં ચારેય જણાને ગંભીર ઇજાઓ થવા પામી હતી.

ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારના લોકો દોડી આવ્યા

ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારના લોકો દોડી આવ્યા હતા અને ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલમાં ખસેડાયા હતા. જેમાં ભાવિકાબેનને તબીબોએ મૃત ઘોષિત કરી હતી. જ્યારે અન્ય ત્રણને દાખલ કરાયા હતા. જોકે, ઇન્દ્રજિત જાતે રજા લઈને જતો રહ્યો હતો. ભાવિકાબેનના અકાળે મોતથી આઠ મહિનાની દિશાનાને માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

મૃતક ભાવિકાબેને સીટબેલ્ટ બાંધ્યો ન હોવાનું જાણવા મળ્યું

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ દરમિયાન અને ઘટનાસ્થળે હાજર લોકોની પૂછપરછમાં મૃતક ભાવિકાબેને સીટબેલ્ટ બાંધ્યો ન હોવાનું જાણવા મળ્યું છે. જેથી તેણીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મોતને ભેટી હતી. જ્યારે તેણીના પતિ અમિતે સીટબેલ્ટ બાંધ્યો હતો. જેથી અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર સાઈટમાં વધુ ડેમેજ થયું હોવા છતાં તેનો બચાવ થયો હતો. પરંતુ અકસ્માતને પગલે તેને પણ ઇજાઓ થઈ હોય સિવિલમાં દાખલ કરવો પડયો હતો. બનાવ અંગે અલથાણ પોલીસ તપાસ કરી રહી છે.

Back to top button