બાળકોને મોબાઈલ આપતા માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, મોબાઇલ પર ગેમ રમવા મામલે નારાજ થઇને મોટા ભાઇએ નાના ભાઇની હત્યા કરી દીધી હતી. ખેડાના ગોબલેજ ગામમાં મોબાઈલમાં ગેમ રમવાને લઈ ભાઈએ જ ભાઈની હત્યા કરી દીધી હતી. મોબાઇલમાં ગેમ રમવાના વારાને લઈ પિતરાઈ ભાઈ અને નાનાભાઈ વચ્ચે મનદુઃખ થયું હતું. જેને ધ્યાનમાં રાખીને મોટાભાઈએ નાના ભાઈના માથામાં પથ્થર મારી હત્યા કરી નાખી હતી. બાદમાં હાથ-પગ બાંધી નજીકમાં આવેલ કૂવામાં ફેંકી દીધો હતો.
જો કે બાદમાં મૃતક બાળકની પરિવારજનોએ શોધખોળ કરી હતી અને આ મામલે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. ભારે ભારે શોધખોળ બાદ બે દિવસ બાદ પોલીસને એક કૂવામાંથી સગીર બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે વધુ તપાસ કરતા કિશોરની હત્યાનો ભેદ ખૂલ્યો હતો. પિતરાઈ મોટા ભાઈએ નાના ભાઈને માથાના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.
મૃતક સગીર બાળકની ઉંમર 11 વર્ષ અને હત્યા કરનાર પિતરાઈ ભાઈ પણ 17 વર્ષનો સગીર હોવાની માહિતી મળી રહી છે. ગેમ રમવાને લઈ ભાઈએ જ ભાઈની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ખેડા ટાઉન પોલીસે સગીર યુવક સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, બાળકને મોબાઇલમાં ગેમ રમતા માટે મોબાઈલ આપતા માતાપિતા આ ચેતવણીરૂપ કિસ્સો છે. એકસાથે નોકરી કરતા માતાપિતા બાળકો પર ખાસ ધ્યાન આપી શક્તા નથી, જેને કારણે એકલા રહેતા સંતાનો સ્વભાવે જિદ્દી અને ઉગ્ર બની જાય છે. તેમાં પણ મોબાઈલને કારણે નવી જનરેશનનું બાળપણ છીનવાઈ રહ્યું છે.