ઈઝરાયેલ સાથેનું યુદ્ધ વધુ ઉગ્ર બનશે: હમાસ ચીફના મૃત્યુ બાદ હિઝબુલ્લાહે આપી ધમકી
- અમે યાહ્યા સિનવારને ખતમ કરી દીધો છે: ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ
HD ન્યૂઝ ડેસ્ક, 18 ઓકટોબર: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મોટો વળાંક આવ્યો છે. ઇઝરાયેલે ગયા વર્ષે 7 ઓક્ટોબરે થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. હિઝબુલ્લાહના ચીફ હસન નસરાલ્લાહ બાદ હવે ઈઝરાયેલે હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યા કરી નાખી છે. સિનવારના મૃત્યુ બાદ આતંકી સંગઠન હિઝબુલ્લાહે ઈઝરાયેલને ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે, “ઈઝરાયેલ સાથેનું યુદ્ધ વધુ ઉગ્ર બનશે” ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસના વડા યાહ્યા સિનવારની હત્યાની સત્તાવાર પુષ્ટિ કરી છે. એક નિવેદનમાં ઇઝરાયેલના વડાપ્રધાને કહ્યું છે કે, અમે “યાહ્યા સિનવાર”ને ખતમ કરી દીધો છે.
હિઝબુલ્લાહે શું કહ્યું?
યાહ્યા સિનવારના મૃત્યુ બાદ આતંકી સંગઠન હિઝબુલ્લાહ પણ નારાજ થઈ ગયું છે. હિઝબુલ્લાહે કહ્યું છે કે, તે ઇઝરાયેલ સામેના તેના યુદ્ધમાં નવા અને ઉગ્ર તબક્કા તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે ઈરાને કહ્યું કે, હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યા બાદ ‘પ્રતિરોધની ભાવના મજબૂત થશે’
‘યુદ્ધ સમાપ્ત થયું નથી’
આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ કહ્યું કે, ઈઝરાયેલે તે વ્યક્તિ સાથે પોતાનો સ્કોર સેટલ કરી લીધો છે જેણે હોલોકોસ્ટ પછી આપણા લોકોના ઈતિહાસમાં સૌથી ખરાબ નરસંહાર કર્યો હતો. નેતન્યાહુએ કહ્યું કે, હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યા ગાઝામાં બંધક બનેલા લોકોને પરત લાવવા માટે ‘યુદ્ધમાં નિર્ણાયક ક્ષણ’ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જે કોઈ શસ્ત્રો સમર્પણ કરે છે અને બંધકોને પરત કરવામાં મદદ કરે છે તેને ગાઝામાંથી સુરક્ષિત રીતે જવા દેવામાં આવશે. નેતન્યાહુએ કહ્યું, ‘અમારું યુદ્ધ હજી પૂરું થયું નથી.’
‘હમાસને મોટો ફટકો પડ્યો’
ઉલ્લેખનીય છે કે, યાહ્યા સિનવાર ગયા વર્ષે ઈઝરાયેલ પર થયેલા હુમલાનો મુખ્ય ષડયંત્રકાર હતો. ઇઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆતથી જ સિનવાર વોન્ટેડ લિસ્ટમાં ટોચ પર હતો. સિનવારના મૃત્યુથી આતંકવાદી ગ્રુપ હમાસને મોટો ફટકો પડ્યો છે. હમાસના ભૂતપૂર્વ વડા ઈસ્માઈલ હાનિયાના મૃત્યુ પછી યાહ્યા સિનવારને ગ્રુપના ટોચના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ઈસ્માઈલ હાનિયા જુલાઈમાં ઈરાનમાં એક વિસ્ફોટમાં માર્યો ગયો હતો.
આ પણ જૂઓ: હમાસના ચીફના મૃત્યુ પર પ્રમુખ બાયડનની પ્રતિક્રિયા, કહ્યું: વિશ્વ માટે શુભ દિવસ