કોઈ પણ પરિસ્થિતિમાં ખુદને શાંત રાખવા ઈચ્છો છો? તો અપનાવો આ ટિપ્સ

- કોઈપણ સ્થિતિમાં ખુદને શાંત રાખવા ઈચ્છતા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો. દરેક પરિસ્થિતિ હંમેશા તમને અનુકુળ હોવાની નથી
કોઈપણ પરિસ્થિતિમાં નિયંત્રણ ખૂબ જ મહત્ત્વનું છે. પણ આ નિયંત્રણ બીજા પર નહીં પણ પોતાના પર હોવું જોઈએ. મુશ્કેલ, પડકારજનક અને અણધારી પરિસ્થિતિઓમાં શાંત રહેવા માટે તમારી જાતને અને તમારા મનને તાલીમ આપો. કારણ કે આપણે મોટાભાગની ભૂલો ત્યારે કરીએ છીએ જ્યારે આપણા વિચારો, ફિઝિકલ એક્ટિવિટી અને આપણા શબ્દો ઈન્સ્ટન્ટ રિએક્શન આપે છે. જ્યારે આપણે આપણા મન પર નિયંત્રણ રાખીશું, ત્યારે આવી પરિસ્થિતિઓનો સામનો કરવો સરળ બનશે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પોતાને ઠંડુ કેવી રીતે રાખવું તે જાણો.
તમારી જાતને નિયંત્રણ ગુમાવતા અટકાવો
જ્યારે પણ બીજી વ્યક્તિ તમને ઉશ્કેરે છે અથવા અપમાનિત કરે છે, ત્યારે તમારે તમારી જાતને કહેવું જોઈએ કે મારું રિએક્શન મારી શક્તિ છે અને હું તેને આવી રીતે સરળતાથી નહીં આપી દઉં. કારણ કે જ્યારે તમે ગુસ્સામાં પોતાના પરનો કાબુ ગુમાવો છો, ત્યારે તમે તમારો પાવર પણ ગુમાવો છો.
ધીરેથી રિએક્ટ કરો
જ્યારે પણ ખૂબ જ ગંભીર, હતાશાજનક અથવા તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે ત્રણ ઊંડા શ્વાસ લો અને વિચારો કે શું આ પરિસ્થિતિમાં મારા માટે પ્રતિક્રિયા આપવી જરૂરી છે. જે લોકો શાંત રહે છે તેઓ પોતાની પ્રતિક્રિયા આપવામાં ઉતાવળ કરતા નથી. અને, જેઓ ઝડપથી પ્રતિક્રિયા આપે છે તેઓ ઘણીવાર નબળા હોય છે.
પરિસ્થિતિને નહીં, મનને કાબુમાં રાખો
ઘણીવાર લોકો પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરે છે પરંતુ પરિસ્થિતિને નહીં, પોતાના મનને કાબૂમાં રાખવાની જરૂર છે. માનસિક રીતે મજબૂત લોકો પાસેથી આ બાબતો શીખો. કોઈપણ નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય કે તરત જ વિચારો કે દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. પહેલા પણ ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. તમે પણ આને સંભાળી લેશો અને વધુ પડતું વિચારવાને બદલે, તમારા કાર્યમાં સ્પષ્ટતા લાવશો. જેથી સમસ્યાનો ઉકેલ આવી શકે.
બોડી લેંગ્વેજ પર કન્ટ્રોલ કરો
જ્યારે પણ કોઈ નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે તમારી બોડી લેંગ્વેજ પર પણ નિયંત્રણ રાખો. તમારી કરોડરજ્જુ સીધી કરો, તમારી છાતી ખોલો અને ધીમે ધીમે શ્વાસ લો. આમ કરવાથી બોડી લેંગ્વેજ કન્ટ્રોલમાં રહેશે.
નકારાત્મક વિચારો બંધ કરો
તમારા મનમાં નકારાત્મક વિચારો આવે કે તરત જ તમારી જાત સાથે વાત કરો કે હું જે વિચારી રહ્યો છું તે સાચું છે કે માત્ર મનનો ભ્રમ છે. તમારા વિચારો લખો, આમ કરવાથી તમારું માઈન્ડ વધુ ક્લિઅર થશે.
આ પણ વાંચોઃ રોજ બટાકા ખાઈ રહ્યા હો તો આ વાંચી લો, જાણી લો નફો-નુકસાન