દિવાળીમાં મીઠાઇ ખાઇને પણ વજન કન્ટ્રોલમાં રાખવું છે? તે પણ શક્ય છે!
- વજન ઘટાડતા ઇચ્છતા લોકો માટે તહેવારોમાં પોતાની જાત પર કાબૂ રાખવો ઘણી વાર ખૂબ મુશ્કેલ બની જાય છે. જો તમે પણ તહેવારોની મોસમની મજા માણવા માંગતા હો, પરંતુ વજન સહેજ પણ વધવા દેવું નથી તો આ ટિપ્સને ફોલો કરો.
અમદાવાદઃ ફેસ્ટિવલ સીઝન શરૂ થઇ ગઇ છે. ગણતરીના દિવસોમાં દિવાળીનું આગમન થશે. હવે દરેક પરિવારોમાં સારું સારું જમવાનું બનશે, થોડા દિવસોમાં રોજ પકવાન બનશે, મીઠાઇની લહેજત માણવામાં આવશે. ફેસ્ટિવલ સીઝન દરમિયાન લોકો ઘરે હશે અને ખાવા-પીવાની મોજ માણશે, પરંતુ જે લોકો હેલ્થ કોન્શિયસ હશે કે વજનને વધવા દેવા નહીં ઇચ્છતા હોય તે લોકો ટેન્શનમાં આવી જશે. દિવાળીમાં વ્યક્તિ મીઠાઇ અને તળેલી વાનગીઓ કે નાસ્તા ખાતા ખુદને રોકી શકતી નથી. વજન ઘટાડતા ઇચ્છતા લોકો માટે આ પ્રસંગોએ પોતાની જાત પર કાબૂ રાખવો ઘણી વાર ખૂબ મુશ્કેલ બની જાય છે. જો તમે પણ તહેવારોની મોસમની મજા માણવા માંગતા હોવ પરંતુ વજન સહેજ પણ વધવા દેવું નથી તો આ ટિપ્સને ફોલો કરો.
ફિઝિકલ એક્ટિવિટીને અવોઇડ ન કરો
રજાઓ અને તહેવારોની સિઝનમાં કસરત અને વર્કઆઉટ કરવું ખૂબ મુશ્કેલ છે. સવારે વહેલા ઉઠવાનું મન પણ થતું નથી, પરંતુ તમારે તેમાં સંકોચ ન કરવો જોઈએ. જો તમને જીમમાં જવાનું મન ન થાય, તો તમે પરિવાર સાથે ફૂટબોલ અથવા કોઈપણ આઉટડોર ગેમ્સ રમી શકો છો. તેનાથી તમે એક્ટિવ રહેશો અને પરિવાર સાથે એન્જોય પણ કરી શકશો. ઉપરાંત, ફક્ત બેસવા સિવાય, તમારે ઘરના દરેક કામમાં મદદ કરવી જરૂરી છે. નાના નાના કામ વજનને સંતુલિત રાખવામાં મદદ કરશે.
નિયંત્રણમાં ખાવ
તહેવારોની સીઝનમાં, વિવિધ પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓ ખાવા પર કન્ટ્રોલ કરવો દરેક વ્યક્તિને મુશ્કેલ લાગે છે, પરંતુ એ મહત્ત્વનું છે કે તમે સમજી-વિચારીને ખાઓ. એક સાથે ઘણું બધુ ખાવાને બદલે ઓછી માત્રામાં ખાવ. તમે મીઠાઇના બે-ત્રણ પીસ ખાઇ જાવ તેના બદલે એકાદ પીસથી સંતોષ માની શકો છો. આ ઉપરાંત, મીઠી અને તેલયુક્ત વસ્તુઓ ખાવાની સાથે, તમારા આહારમાં શાકભાજી, પ્રોટીન અને આખા અનાજનો સમાવેશ કરો. એક વાતનું ધ્યાન રાખો કે તમે બધું ખાઈ શકો છો પણ પોર્શનનું (પ્રમાણનું) ધ્યાન રાખવું જરૂરી છે.
હાઇડ્રેટેડ રહો
દિવાળી સાથે જ શિયાળાનું આગમન થતું હોય છે. શિયાળામાં પાણીની તરસ ઘણી ઓછી લાગે છે. તે મહત્ત્વનું છે કે તમે મહત્તમ માત્રામાં પાણી પીવો અને હાઇડ્રેટેડ રહો. તેનાથી તમારી મીઠાઈ ખાવાની લાલચ ઓછી થઈ જશે. જ્યારે તમે મીઠાઈઓ નહીં ખાવ તો તમારું વજન વધશે નહીં.
વધુમાં વધુ ચાલો
જો તમે તહેવારના કારણે એક્સર્સાઇઝ કરી શકતા નથી તો જરૂરી છે કે તમે વધુમાં વધુ ચાલો. દર 2 કલાકમાં 15 મિનિટની વોક લો. લિફ્ટના બદલે સીડી ચઢો. નજીકમાં સામાન ખરીદવા જાવ તો ચાલીને જાવ. હેપી ઈટિંગ.
આ પણ વાંચોઃ શાહરુખે આપી બર્થ ડે ગિફ્ટઃ ડંકીનું ટીઝર રીલીઝ થતા ચાહકો બન્યા ગાંડાતૂર