ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
‘બાપુ’ને ગુજરાતમાં દારૂબંધી દૂર કરવી છે ?
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે જેને જોતા તેઓ રાજકારણમાં સક્રિય થાય તો નવાઈ નહીં. આજે ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાન વસંત વગડો ખાતે કાર્યકરો સાથે એક બેઠક યોજી હતી. જેમાં તેમણે ગુજરાતમાં દારૂબંધી હટાવવામાં કોંગ્રેસ તેને સમર્થન આપે તો તેઓ સક્રિય રાજકારણમાં જોડાઈને કોંગ્રેસને મદદ કરશે તેવું જણાવ્યું છે. આ બાબતને લઈ બાપુએ કોંગ્રેસ સાથે ચર્ચા ચાલું હોવાનો પણ દાવો કર્યો છે. જેના પગલે ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.
દારૂની જે આવક થાય તેને રાજ્યના શિક્ષણ અને આરોગ્ય પાછળ વાપરવી જોઈએ
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી કાઢી નાખવી જોઈએ. સરકારે દારૂને છૂટ આપવી જોઈએ, અને દારૂની આવક જે થાય તે ગુજરાત રાજ્યના શિક્ષણ અને આરોગ્યમાં વાપરવી જોઈએ, ગુજરાતમાં દારુ બંધ કરાવવા જતા હવે યુવાનો ડ્રગ્સ તરફ આગળ વધી રહ્યા છે જેથી ઉડતા ગુજરાત બની રહ્યું છે. આ દારૂબંધી આખી વિધાનસભાના હાથમાં છે. દારૂબંધીના નાટકનો હું વિરોધી છું.
તમામ સભ્યોને ભેગા કરીને રાજ્યમાંથી દારૂ મુક્તિ મામલે ચર્ચા કરાવીશ
વધુમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, માનો કે મારે કોંગ્રેસમાં જવાનું થાય તો મારી પહેલી શરત હશે કે વિધાનસભાના સભ્યો એવું નક્કી કરે કે આપણે ગુજરાતમાં દારૂબંધી કાઢી નાંખવી છે. મને હાઇકમાન્ડ એવું કહે કે ધારાસભ્યો નક્કી કરે તો વાંધો ન હોઇ શકે, પણ કુલડીમાં ગોળ ભાંગવાના મતનો હું નથી. ભાજપ શાસિત રાજ્યોમા દારૂબંધી છે, પરંતુ ગુજરાતમાં દારૂબંધી શક્ય નથી. જો હું કોંગ્રેસ પક્ષમાં જાવ તો હું તમામ સભ્યોને ભેગા કરીને રાજ્યમાંથી દારૂ મુક્તિ મામલે ચર્ચા કરાવીશ. છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં રાજકીય શૂન્યાવકાશ છે અને નેતાગીરીના ક્રાંઈસીસ ચાલી રહ્યા છે. મારે કોંગ્રેસના મિત્રો સાથે વાત ચાલુ છે. છેલ્લા 27 વર્ષથી એક પક્ષનું સાશન છે, પરંતુ કોઈ અધિકારી સક્રિય નથી. તેમણે ઉમેર્યું હતું કે, અગાઉ પ્રજા શક્તિ પાર્ટી બનાવી હતી, પરંતુ એહમદ પટેલના મૃત્યુ પછી લોંચિંગ થયું નથી.
પોલીસના સસ્પેન્શનથી સંતોષ ન માની સરકારે સ્વૈચ્છિક રાજીનામુ આપવું જોઇએ
વધુમાં બાપુએ જણાવ્યું હતું કે, રાજ્યમાં લઠ્ઠાકાંડ થયો છે. સરકારની મીઠી નજર હેઠળ દારૂની હાટડીઓ ચાલે છે. પોલીસને સસ્પેન્ડ કરવાથી સંતોષ ન માનવો જોઈએ, પરંતુ સરકારે સ્વૈચ્છિક પોતાનું રાજીનામુ આપવું જોઇએ. સત્તા પક્ષના લોકો દારૂ પીવે ત્યાં દારૂબંધી ન થઈ શકે. સરકારને દારૂબંધી કંટ્રોલ નથી માટે હપ્તાખોરી થાય છે, નશાબંધીની નીતી સફળ ન થાય એના અનેક કારણો છે. જે પક્ષના પ્રમુખ બુટલેગર હોય ત્યાં દારૂબંધી શક્ય નથી.