કમાતી પત્ની જોઇએ છે? તો આ તૈયારીઓ પણ રાખજો
- કમાતી પત્નીના ફાયદા જ ન જોશો
- પત્નીને મદદની તૈયારી રાખવી પડશે
- સ્ત્રી મશીનની જેમ કામ ન કરી શકે
પહેલાના સમયમાં સ્ત્રીનું મહત્ત્વ ઘર સંભાળવા અને બાળકો પેદા કરવા સુધી જ સીમિત હતુ, પરંતુ બદલાતા સમયની સાથે ઘણુ બધુ બદલાયું છે. આજે મહિલાઓ પણ પુરૂષોની બરાબરીનું કામ કરી રહી છે. છોકરીઓ ઘરની બહાર નીકળી છે, કમાતી થઇ છે. સ્ત્રીઓ પણ હોમલોનના હપ્તા ભરે છે, તે પણ પોતાના ફેમિલીને ઘરની બહાર ડિનર માટે લઇ જાય છે. તે પોતાના બાળકોની ફરમાઇશ પુરી કરે છે અને પોતાના પતિને ગિફ્ટમાં આઇફોન આપવા જેટલી પણ કેપેબલ છે. કમાતી પત્ની હોવાના આવા ઘણા ફાયદા છે, તેથી જ હવે લગભગ દરેક પુરુષ કમાતી પત્ની ઇચ્છે છે. જોકે ક્યાંક આનાથી ઉલટું દ્રશ્ય પણ જોવા મળે છે. પત્નીને આજે પણ ઘર અને બાળકોના ઉછેરની જવાબદારી આપવામાં આવે છે. તેને ઘરના કામમાં જ ગુંચવી દેવામાં આવે છે.
હવે વાત કરીએ કમાતી પત્નીની. તેના ફાયદા તો છે, પરંતુ દરેક વસ્તુઓ ફક્ત ફાયદા આપતી નથી. દરેક સિક્કાની બે બાજુની જેમ ફાયદા સાથે ગેરફાયદા ફ્રીમાં આવતા હોય છે. જો તમે પણ કમાતી અને તમારી સાથે કદમ મિલાવીને ચાલે તેવી પત્ની ઉચ્છતા હો તો તમારે પણ કેટલાક સમાધાન કરવાની તૈયારીઓ રાખવી પડશે. જો તમે કેટલીક બાબતોમાં સમાધાન નહીં કરો તો લગ્નજીવનમાં સમસ્યાઓ સર્જાઇ શકે છે. જો તમે લગ્ન માટે વર્કિંગ વાઇફ શોધી રહ્યા હો તો કેટલીક બાબતો માટે ખુદને રેડી કરી લો.
ઘરના કામમાં મદદ કરવી પડશે
જો તમારી પત્ની નોકરી કરતી હશે તો તેની પાસેથી એ આશા રાખવી ખોટી ગણાશે કે તે ઓફિસ જતા પહેલા અને ઓફિસથી પાછી આવ્યા બાદ તમામ કામ જાતે જ કરે. તે ઘરના કામ કદાચ તમારા કરતા સારી રીતે કરી શકતી હશે, પરંતુ તે કોઇ મશીન નથી, જે સવાર-સાંજ રોકાયા વગર કામ કરે. ઘર સંભાળવાની જવાબદારી તમારે બંનેએ સાથે મળીને ઉઠાવવી પડશે.
બાળકોની જવાબદારી વહેંચવી પડશે
જે રીતે બાળકને આ દુનિયામાં લાવવા માટે માતા-પિતા બંનેની જરૂર હોય છે તે રીતે તેનો ઉછેર કરવો તે માતા પિતા બંનેની સહિયારી જવાબદારી છે અને ખાસ કરીને જો તમારી પત્ની વર્કિંગ હોય તો આ જવાબદારી 100 ટકા વહેંચાઇ જાય છે. બાળકને સંભાળવું તમારી પણ એટલી જ જવાબદારી છે, જેટલી તેની છે. તમારે તેના ડાઇપર બદલવાની તૈયારી પણ રાખવી પડશે. બાળકોની દેખભાળ માટે તમારે 24 કલાક પત્નીની સાથે ઉભા રહેવું પડશે.
કોઇ પણ નિર્ણય એકલા નહીં લઇ શકાય
વર્કિંગ વુમન અનુભવમાં કોઇનાથી ઉતરતી હોતી નથી, કેમકે તેણે પણ પોતાની કરિયરમાં આગળ વધવા માટે અનેક મુસીબતોનો સામનો કર્યો હોય છે. તે અનેક પરિસ્થિતિઓનો સામનો કરી ચુકી હોય છે. એવી પણ સમસ્યાઓ હોય છે જે પુરુષો સુધી આવતી હોતી નથી. આવા સંજોગોમાં તમારુ એવું માનવું ખોટુ ગણાશે કે ઘરના તમામ મહત્ત્વના નિર્ણયો તમે એકલા લઇ લેશો. તમારી દરેક વાત કોઇપણ વિરોધ વગર માની જ લેવામાં આવે તેવુ નહીં થાય. તમામ નિર્ણયો તમારે સાથે મળીને લેવા પડશે, નહીંતો તમારી વચ્ચે મનદુઃખ થઇ શકે છે.
તમે કહો ત્યારે નોકરી નહીં છુટે
ઘણી વખત એવું બને છે કે પુરુષો પહેલા તો વર્કિંગ લેડીને પસંદ કરી લે છે, પરંતુ અનેક સમાધાન કરવા પડતા હોવાથી તેમજ તેમને પતિદેવ વાળો આરામ અને સત્કાર ન મળતો હોવાથી તે હવે ઇચ્છે છે કે પત્ની નોકરી છોડી દે. હા કેટલીક મહિલાઓ ઘર-પરિવાર માટે પોતાના સપનાઓની કુરબાની આપી દેતી હોય છે, પરંતુ એ જરૂરી નથી કે તમે પણ તમારી પત્ની પાસે એ અપેક્ષા રાખો કે તે તમારા કહેવા પર નોકરી છોડી દે.
પ્રેમ સાથે સન્માન આપવું પણ છે જરૂરી
વર્કિંગ વુમન અન્ય લેડીઝની જેમ જ ઇમોશનલ હોય છે, પરંતુ તે એકલી પણ દરેક પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત રાખે છે. તેની સાથે જીવન વીતાવવાનું સપનું જોતા પહેલા તમે એ વાત સારી રીતે જાણી લેજો કે તમે તેને અપમાનિત નહીં કરી શકો. જો તમે એમ કરતા હશો તો તમને પ્રેમ કરતી હોવા છતા તમારુ સન્માન નહીં કરી શકે અને તેના સ્વાભિમાન માટે તમને છોડતા ખચકાશે નહીં.
આ પણ વાંચોઃ બદામ ખાવાના શોખીન હોય તો તેના નુકશાન પણ જાણી લેજો