ભારતીય ટીમ ODI વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતીય ટીમે ગુરુવારે (2 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને ઐતિહાસિક 302 રનથી હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. ભારતીય ટીમ તેની અત્યાર સુધીની તમામ 7 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.
લંકાના 5 ખેલાડીઓ ખાતું પણ ન ખોલી શક્યા
ભારતે આપેલા 358 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની ટીમ 19.4 ઓવરમાં માત્ર 55 રન પર જ સિમિત થઈ ગઈ હતી. આ હાર સાથે જ શ્રીલંકા સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. શ્રીલંકા તરફથી કસુન રાજિતાએ 14 રન, એન્જેલો મેથ્યુસે 12 રન અને મહિષ તિક્ષાનાએ 12 રન બનાવ્યા હતા. ટીમના પાંચ બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 અને મોહમ્મદ સિરાજે 3 વિકેટ ઝડપી હતી.
ભારતે આપ્યો હતો 358 રનનો ટાર્ગેટ
વાનખેડે ખાતે રમાયેલા મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 8 વિકેટે 357 રન બનાવ્યા હતા. ટીમ તરફથી શુભમન ગિલે સૌથી વધુ 92 રનની ઇનિંગ રમી હતી. જ્યારે વિરાટ કોહલીએ 88 રન અને શ્રેયસ અય્યરે 82 રન બનાવ્યા હતા. શ્રીલંકાના ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાએ 5 ખેલાડીઓને શિકાર બનાવ્યા હતા.