ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ
અમેરિકાની સૌથી વધુ નોકરી આપતી વોલમાર્ટ કંપનીને મંદી નડી ? એક જ ઝાટકે 200 કર્મચારીઓને કર્યા છુટા
કોરોના અને રશિયા – યુક્રેનની યુદ્ધની પરિસ્થિતિના કારણે વિશ્વભરમાં મંદીની માહોલ છવાઈ ગયો છે. અમેરિકા પણ તેનાથી બાકાત રહ્યું નથી અને તેનું તાજેતરનું ઉદાહરણ રિટેલ જાયન્ટ વોલમાર્ટ છે. આ કંપની વિશ્વની સૌથી વધુ નોકરી આપતી કંપની છે પરંતુ તેને પણ જાણે મંદીનું ગ્રહણ લાગી ગયું હોય તેમ તેના 200 કર્મચારીઓને પળવારમાં બહારનો રસ્તો બતાવ્યો છે.
નોકરી છટણીનું પગલું લેવાનું કારણ વધતા ખર્ચ અને નબળી માંગની અસર
વોલમાર્ટ દ્વારા લેવામાં આવેલા આશ્ચર્યજનક પગલાંની સૌ કોઈ નિંદા કરી રહ્યા છે. બીજી તરફ કંપની વધતા ખર્ચ અને નબળી માંગનો સામનો કરી રહી છે જેથી તેમના દ્વારા કંપનીની સ્થિતિ અને મજબૂત ભવિષ્યને સુધારવા માટે લેવાયેલું પગલું બીઝનેસ સ્ટાન્ડર્ડમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર અનુસાર ગણાવવામાં આવ્યું છે.
ક્યાં ક્યાં વિભાગોના કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા ?
વોલમાર્ટ દ્વારા જે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે તેમાં ડિલિવરી અને મર્ચેન્ડાઇઝિંગ વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ સંદર્ભમાં, કંપનીએ બુધવારે એક ઈમેલ મોકલીને જણાવ્યું હતું કે અમે અમારા માળખાને અપડેટ કરી રહ્યા છીએ અને મજબૂત ભવિષ્ય માટે કંપની માટે સ્પષ્ટતા અને ભૂમિકાઓ પસંદ કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે, વોલમાર્ટના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 9.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
વોલમાર્ટ વર્ષે કેટલી રોજગારી આપે છે ?
વોલમાર્ટ યુએસમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી નોકરીદાતા કંપની છે અને વર્ષે લગભગ 1.6 મિલિયન કર્મચારીઓને રોજગારી આપે છે. વોલમાર્ટના કુલ કર્મચારીઓમાંથી 100,000 કરતાં વધુ મેનેજમેન્ટ અને વ્યાવસાયિક કામદારો છે. કંપની દ્વારા કરવામાં આવેલી આ છટણી અંગેની માહિતી વોલ સ્ટ્રીટ જર્નલને ટાંકીને છાપવામાં આવી છે.
વોલમાર્ટ સિવાય પણ બીજી ઘણી કંપનીઓએ પણ તૈયારી કરી લીધી !!
વોલમાર્ટ દ્વારા નોકરીમાં કરવામાં આવેલી છટણીના પગલે હાહાકાર મચી ગયો છે ત્યારે એક અહેવાલ મુજબ આવી અનેક કંપનીઓ લાઈનમાં ઉભી છે જે આ પ્રકારનું પગલું ભરવાની તૈયારીમાં છે. જેમકે તાજેતરમાં એમેઝોને પણ તેના કર્મચારીઓની સંખ્યામાં એક લાખનો ઘટાડો કર્યો હતો. તે જ સમયે, વોલમાર્ટ પછી, અન્ય ઘણી મોટી કંપનીઓ આ પ્રકારનું પગલું લેવાની તૈયારી કરી રહી છે. અહેવાલ મુજબ, ફોર્ડ મોટર આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડો થવાની વધતી ચિંતાઓ વચ્ચે લગભગ 8,000 કર્મચારીઓની છટણી કરવાનું આયોજન કરી રહી છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સ ઇન્ક.એ પણ ભરતીમાં 30 ટકાનો ઘટાડો કરવાની યોજના બનાવી છે. આ સિવાય ગૂગલે હાયરિંગ ધીમું કર્યું છે.