ત્રણ રાજ્યમાં સાત તબક્કામાં, બે રાજ્યમાં પાંચ તબક્કામાં થશે મતદાન
- ગુજરાત સહિત 22 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક તબક્કામાં મતદાન
- સૌથી સંવેદનશીલ જમ્મુ-કાશ્મીરની પાંચ બેઠકોનું મતદાન પાંચ તબક્કામાં યોજાશે
- બિહાર, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં તમામ સાત તબક્કામાં મતદાન યોજવા પંચનો નિર્ણય
નવી દિલ્હી, 16 માર્ચ, 2024: ચૂંટણીપંચે આજે જાહેર કરેલા 18મી લોકસભાના કાર્યક્રમ અનુસાર ત્રણ રાજ્યમાં તમામ સાત તબક્કામં મતદાન થશે જ્યારે બે રાજ્યમાં પાંચ તબક્કામાં મતદાન થશે. કુલ સાત તબક્કામાં યોજાનાર મતદાન દરમિયાન ગુજરાત સહિત 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક તબક્કામાં એક જ દિવસે મતદાન યોજાશે.
ચૂંટણીપંચે બિહાર, ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાળ જેવા સંવેદનશીલ તથા કદની રીતે વિશાળ રાજ્યોમાં તમામ સાત તબક્કામાં મતદાન યોજવાનું નક્કી કર્યું છે. ત્યારબાદ બે રાજ્ય એવા છે જ્યાં પાંચ તબક્કામાં મતદાન યોજાશે. આ બે રાજ્યમાં મહારાષ્ટ્ર તથા જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. નોંધપાત્ર છે કે જમ્મુ-કાશ્મીરમાં પાંચ લોકસભા બેઠક છે અને પ્રત્યેક બેઠકની ચૂંટણી એક-એક તબક્કામાં થશે. આ ઉપરાંત ત્રણ રાજ્ય – ઝારખંડ, મધ્યપ્રદેશ તથા ઓડિશામાં ચાર તબક્કામાં મતદાન યોજાશે.
ચૂંટણીપંચે બે રાજ્ય – આસામ અને છત્તીસગઢમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. જ્યારે ચાર રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી થશે. આ ચાર રાજ્યોમાં કર્ણાટક, મણિપુર, રાજસ્થાન તથા ત્રિપુરાનો સમાવેશ થાય છે. આ સિવાયના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક-એક તબક્કામાં મતદાન થશે. અલબત્ત, આ દરેક જગ્યાએ એક તબક્કામાં યોજનારા મતદાનની તારીખ એક જ નથી પરંતુ અલગ અલગ છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મેના રોજ મતદાન, લોકસભા સાથે વિધાનસભાની પાંચ બેઠકો પર પણ પેટાચૂંટણી