ગુજરાતમાં 4 કેન્દ્રીય મંત્રી અને એક પ્રદેશ પ્રમુખનું ભાવિ EVMમાં કેદ, જાણો ક્યાં કેટલું મતદાન થયું
અમદાવાદ, 7 મે 2024, લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન યોજાઈ રહ્યું છે. જ્યારે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. આ 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.
4 કેન્દ્રીય મંત્રી અને એક પ્રદેશ પ્રમુખનું ભાવિ ઈવીએમમાં કેદ
લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. આ 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉમેદવારોમાં રૂપાલા, અમિત શાહ, દેવુસિંહ ચૌહાણ અને માંડવિયા 4 કેન્દ્રીય મંત્રી છે. તેમજ નવસારી સીટ પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ ઉમેદવાર છે. આમ 4 કેન્દ્રીય મંત્રી અને એક પ્રદેશ પ્રમુખનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે.
પાંચ વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન નોંધાયું
ગુજરાતમાં મતદાન માટે હવે અડધા કલાક જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે લોકોને મત આપવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને ઉમેદવારો દોડતા થઈ ગયાં છે. રાજ્યમાં પાંચ વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન નોંધાયું છે. જેમાં બનાસકાંઠામાં 64.48 અને વલસાડમાં 68.12 ટકા મતદાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઓછું મતદાન પોરબંદર, કચ્છ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. કચ્છમાં 48.96 ટકા, પોરબંદરમાં 46.51 ટકા અને સુરેન્દ્રનગરમાં 49.19 ટકા મતદાન નોંધાયું છે.
છેલ્લા કલાકમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો દોડતા થયા
ગુજરાતમાં મતદાન પૂર્ણ થવામાં હવે માત્ર એક જ કલાકનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છેલ્લા કલાકમાં મતદાન કરાવવા માટે દોડાદોડ કરી રહ્યાં છે. રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ લોકોને બે હાથ જોડીને મતદાનની ફરજ નીભાવવા અપીલ કરી છે. ત્યારે કોંગ્રેસા ઉમેદવાર પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને લોકોને મત આપવા અપીલ કરી છે. ધાનાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “”રાજકોટનુ રણમેદાન”” લોકશાહીને “લુણો” લગાડનારા તો કે દિ ના લાગી પડ્યા છે.., હવે.., લોકશાહીની “લાજ” રાખનારા છેલ્લી કલાકે જાગી જાજો..! ધાનાણીની આ ટ્વીટ છેલ્લા કલાકમાં ચર્ચાનો વિષય બની છે. બીજી તરફ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં વોટિંગ કર્યું હતું.તેમની સાથે રીવાબા પણ મતદાન કેન્દ્રમાં જોવા મળ્યા હતા. જો કે રીવાબાએ સવારે જ મતદાન કરી દીધું હતું, આમ છતાં તેઓ પોલિંગ બૂથમાં જોવા મળ્યા હતા.
કોંગ્રેસે ગેરરીતિ અને બોગસ વોટિંગની 17 ફરિયાદ કરી
મતદાન પ્રક્રિયા દરમિયાન ગુજરાત કોંગ્રેસે ચૂંટણી કમિશનર સમક્ષ વિવિધ પ્રકારની 17 ફરિયાદો કરી છે. આ ફરિયાદો માટે કોંગ્રેસમાં 20 વકીલોની ટીમનો કંટ્રોલ રૂમ ધમધમી રહ્યો છે. લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણી,કન્વીનર નિકુંજ બલ્લર, બાલુભાઈ પટેલ સાથે સંકલન કરીને ફરિયાદો કરવામાં આવી રહી છે.
જાફરાબાદમાં ચૂંટણી ફરજ બજાવતા મહિલાકર્મી ઢળી પડતા મૃત્યુ
અમરેલી લોકસભા ચૂંટણીમાં એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મૃત્યુ થયું છે. જાફરાબાદ શહેરના સાગર શાળામાં ચૂંટણી ફરજ બજાવતા કૌશિકાબેન બાબરિયા અચાનક પડી ગયા હતા. આથી 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરતા કર્મચારીઓમાં શોક વ્યાપી ગયો હતો. પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. હાલ તો હાર્ટ-એટેકના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન છે.
ગુજરાતમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન નોંધાયું છે. સવારથી જ સૌથી વધુ મતદાનના આંકડામાં બનાસકાંઠા બેઠક આગળ હતી પરંતુ હવે વલસાડ બેઠક પર 58.05 ટકા મતદાન નોંધાયું છે. ત્યાર બાદ સાબરકાંઠા બેઠક પર 50.36 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ભરૂચમાં 54.90 અને બારડોલીમાં 51.97 ટકા મતદાન નોંધાયું છે. ખરી ગરમીમાં મતદારો મતદાન મથક સુધી પહોંચ્યા છે અને બમ્પર વોટિંગ કરી રહ્યાં છે.
ગુજરાતના આ ગામમાં થઇ ગયુ 100 ટકા મતદાન
ઉના વિધાનસભા મત વિસ્તારમાં આવતા મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નં.3 માં સો ટકા મતદાન થયુ છે. બાણેજ બુથમાં માત્ર એક મતદાતા છે. બાણેજ મંદિરના મહંત હરીદાસબાપુએ અહીં પોતાનો મત આપતા જ સો ટકા મતદાન થયુ છે. ભારતનું ચૂંટણી પંચ એક મતનું મહત્વ સમજાવવા માટે માત્ર એક મત માટે અહીં આખું મતદાન મથક ઉભું કરે છે.ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠકમાં આવેલું અનોખું મતદાન મથક બાણેજમાં સો ટકા મતદાન થયુ છે. અહીંના એક માત્ર મતદાર હરીદાસબાપુએ મતદાન કરતા જ આ બુથ પર સો ટકા મતદાન થયુ છે. દર ચૂંટણીમાં અહીં થાય સો ટકા મતદાન થાય છે.
ગુજરાતમાં એક વાગ્યા સુધીમાં ગુજરાતમાં 37.83 ટકા મતદાન નોંધાયું છે. જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ 45 ટકા અને પોરબંદરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે. વલસાડ બેઠક પર મતદારો બમ્પર મતદાન કરી રહ્યાં છે. જ્યારે અમદાવાદમાં પણ ખરી ગરમીમાં મતદાનનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે.
પ્રિસાઈડિંગ ઓફિસર પર શક્તિ સિંહ રોષે ભરાયા
અમદાવાદ પશ્ચિમ લોકસભામાં ગેરરીતિની ફરિયાદ કરી છે. ભાજપના કોર્પોરેટર ધાક ધમકી આપી મત આપવા દબાણ કરતા હોવાનો આક્ષેપ થયો છે. મણીનગરના 231 અને 232 બૂથમાં ગેરરીતિની ફરિયાદ થઇ છે. મતદાન કરવા આવેલા પ્રિસાઈડિંગ ઓફિસર પર શક્તિસિંહ ગોહિલ ભડકયા હતા. ભાજપના ચિન્હવાળી પેન લઈને બેઠેલા પ્રિસાઈડિંગ ઓફિસર પર શક્તિ સિંહ રોષે ભરાયા હતા. ઇલેક્શન કમિશનને તેમણે નોંધ લેવા કહ્યું હતુ.
અમરેલીના જેસરના રબારિકા ગામે મતદાનનો બહિષ્કાર કર્યો
અમરેલીના જેસર તાલુકાના રબારીકા ગામમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સવારથી લઈ અત્યાર સુધી 0 ટકા મતદાન નોંધાયું છે. ગ્રામજનોએ રબારિકા ગામમાં રોડ-રસ્તા અને ગામને સાવરકુંડલા તાલુકામાં સમાવેશ કરવાની માગ હતી. સૌની યોજનાનું પાણીની માગ અને જૂની શરતની જમીનને નવી શરતમાં જમીન ફેરવવા માગ કરાઈ હતી. અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન કરાવવા સમજાવટનો પ્રયાસ કર્યો છે.
વડોદરાના વાઘોડિયામાં ક્ષત્રિયોનું બમ્પર મતદાન
વડોદરાના ક્ષત્રિય બહુમતી વિસ્તારમાં વાઘોડિયામાં સવારે 11 વાગ્યા સુધીમાં 24.60 અને સાવલીમાં 23.62 ટકા મતદાન થયું છે. તે ઉપરાંત કચ્છના માધાપર જુનાવાસની કન્યા શાળામાં ક્ષત્રિય સમાજના રણજીતસિંહ જાડેજા દ્વારા બોગસ મતદાનની ફરિયાદ કરવામાં આવી હતી. ખેડા લોકસભા બેઠક માટે મહેમદાવાદના સિહૂંજ ગામની 15 જેટલી બહેનોનુ ગ્રુપ સિહોર કન્યા પ્રાથમિક શાળા મતદાન બુથ ખાતે વોટ કરી લોકશાહીના અવસરમાં ભાગીદારી નોંધાવી હતી. મીનાબેન રોહિતે જણાવ્યું કે લોકશાહીના અવસરમાં મતદાન દ્વારા નાગરિક ફરજ નિભાવી તેઓ ગૌરવ અનુભવે છે.
રામકથાકાર મોરારિ બાપુએ તલગાજરડા ખાતે મતદાન કર્યું
અરવલ્લીના એક મતદાન કેન્દ્ર પર હોબાળો
અરવલ્લીના એક મતદાન કેન્દ્ર પર હોબાળો થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. મોડાસામાં કે.એન.શાહ સ્કૂલના પોલિંગ બૂથ પર બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. એક વ્યક્તિએ મતદારોને મતદાન કરતાં અટકાવ્યા હોવાથી કોંગ્રેસ કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. મામલો બિચકતાં પોલીસ અને વિરોધ કરનાર વચ્ચે ચકમક ઝરી હતી.
ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પત્ની સાથે મતદાન કર્યું હતું
ગુજરાતની 25 બેઠકો પર 11 વાગ્યા સુધી 24.35 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 30.27 ટકા અને સૌથી ઓછું પોરબંદરમાં 19.83 ટકા મતદાન નોંધાયું છે.
ભાજપના ઉમેદવાર દેવુસિંહ કોંગ્રેસના દિનશા પટેલને મતદાન બુથ ઉપર લઈ ગયા
ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પોતાના મતનો ઉપયોગ કર્યા બાદ આ મતદાન કેન્દ્ર ઉપર આવી પહોંચેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલના આર્શીવાદ લીધા હતા. આ ઉપરાંત પૂર્વ મંત્રી કારમાંથી ઉતરતા હતા, ત્યારે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે પોતાનો હાથના ટેકે દિનશા પટેલને મતદાન બુથ ઉપર લઈ ગયા હતા.
તાલાલાના જાંબુરમાં સિદી સમુદાયના લોકો મતદાન કરવા આવ્યા
રાજ્યમાં લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે. સવારથી જ લોકો મત આપવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે.ત્યારે ગર્ભવતિ મહિલાઓ, બિમાર વૃદ્ધો અને દિવ્યાંગોએ મત આપીને લોકશાહીના પર્વની ઉજવણી કરી છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના જાંબુરમાં સિદી સમુદાયના લોકો મતદાન કરવા આવ્યા ત્યારે તેમણે પરંપરાગત પોષાકમાં નૃત્યુ કર્યું હતું. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા રાજકોટથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસે જતા હતા ત્યારે રસ્તામાં તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા છે. આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ઓસ્ટ્રેલિયાથી મત આપવા માટે યુવાન પાલનપુર પહોંચ્યો
આજે મતદાનના દિવસે વિદેશમાં વસતા લોકો પણ મતદાન કરવા માટે માદરે વતન આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રહેતા યુવાન હર્ષ અખાણીએ મત આપીને પોતાની ફરજ નિભાવી છે. પાલનપુરની જી. ડી. મોદી કોલેજ ખાતે મતદાન મથક પર ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે ફાર્મા કંપનીમાં જોબ કરતા યુવા હર્ષ અખાણી લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થવા ખાસ પાલનપુર આવ્યા હતા. તેમણે પોતાનો કિંમતી મત આપીને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ યુવાઓને અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરી હતી. હર્ષભાઈના માતા નયનાબેનના બંને પગે તાજેતરમાં ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું છે. તેમ છતાં હર્ષ અખાણીએ તેમના માતાને વ્હીલચેર પર લઈ આવી મતદાન કરાવ્યું. સાત સમુંદર પાર રહેતા હર્ષ અખાણીએ વિદેશથી આવી ન માત્ર પોતાનો મત આપ્યો પરંતુ માતા પિતાને મત અપાવી દેશની લોકશાહીને મજબૂત બનાવવા પોતાનું યોગદાન આપ્યું.
પદ્મશ્રી હિરબાઇબેન લોબીએ મતદાન કરી લોકોને મતદાન કરવા અપીલ કરી
લોકસભાની ચૂંટણીને લઈને આજ સવારથી જ મતદાન મથકો ઉપર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. તાલાલાના જાંબુર ગામમાં રહેતા પદ્મશ્રી હીરબાઈબેન લોબીએ મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી.પદ્મશ્રી હીરબાઈબેન લોબીએ આજે પોતાના જાંબુર વતન ખાતે મતદાન મથક પર જઈ મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા અને લોકોને અપીલ કરી હતી કે, દરેક લોકો મતદાન કરે અને અન્ય લોકોને પણ મતદાન કરવાની પ્રેરણા આપે તેમ જણાવ્યું હતું.
લોકસભાની 26 બેઠકો સહિત વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેમાં 9 વાગ્યા સુધીમાં વિજાપુર બેઠક પર 8.69, ખંભાત 9.10, પોરબંદર 7.08, વાઘોડિયા 9.73 અને માણાવદરમાં 8.28 ટકા મતદાન નોંધાયું છે.
મતદારોએ સવારથી જ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી
બનાસકાંઠામાં સવારથી જ મતદારો મત આપવા માટે લાઈનમાં ઉભા થઈ ગયાં હતાં. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન તથા ભાજપના ઉમેદવાર રેખાબેને મત આપીને લોકોને મત આપવા માટે અપીલ કરી હતી. તેની સાથે બનાસકાંઠામાં સવારે નવ વાગ્યા સુધીમાં સૌથી વધુ 12.28% મતદાન થયું હતું.પાલનપુરની જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ ખાતે સખી મતદાન મથક પર જાગૃત અને ઉત્સાહી મતદારોએ સવારથી જ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. મતદાર આધેડ દંપતિએ વહેલી સવારે સાત વાગે મતદાન કરી લોકશાહીના પર્વમાં પણ પોતે સાથે હોવાના સંદેશ સાથે મતદાન કર્યું હતું અને અન્ય મતદારોને મતદાન માટે પ્રેરણા પુરી પાડી હતી. મતદાન બાદ એમણે ખુશી સાથે યુવા દંપતિઓને મતદાન માટે અપીલ કરી હતી. ગોકુલભાઈ દેસાઈ નામના યુવા મતદારે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.ભારતની લોકશાહીને મજબૂત બનાવવા લોકોને મતદાન માટે ગોકુલભાઈએ અપીલ કરી હતી. બનાસકાંઠાની ટકાવારી જોઈએ તો, વાવ, 14.43, થરાદ 14.65, ધાનેરા 05.95, દાંતા 15.21, પાલનપુર 11.19, ડીસા 10.37 અને દિયોદર 14.55 ટકા મતદાન નોંધાયું હતું.
ગુજરાતની 25 લોકસભા સીટ પર પહેલા 2 કલાકમાં સરેરાશ 9.87 ટકા મતદાન થયું હતું. જ્યારે બનાસકાંઠામાં સૌથી વધુ 12.28% અને અમદાવાદ પશ્ચિમમાં સૌથી ઓછું 7.23% મતદાન થયું હતું.
#WATCH | Ahmedabad, Gujarat: Union Home Minister Amit Shah greets people after casting his vote for #LokSabhaElections2024
Union HM and senior BJP leader Amit Shah is the party’s candidate from the Gandhinagar Lok Sabha seat. Congress has fielded its party secretary Sonal Patel… pic.twitter.com/SzV3tFMILj
— ANI (@ANI) May 7, 2024
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યુ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં પરિવાર સાથે મતદાન કર્યુ. મતદાન પહેલા તેઓ વડાપ્રધાન મોદી સાથે રાણિપમાં હાજર રહ્યાં હતાં.કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ મત આપ્યો હતો.નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વાપીમાં મતદાન કર્યુ . સાથે તમામ મતદારોને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી હતી.
#WATCH | Gujarat Chief Minister Bhupendra Patel casts his vote for the #LokSabhaElections2024📷 at a polling booth in Ahmedabad, Gujarat. #LokSabhaElection2024 #Gujarat #BhupendraPatel pic.twitter.com/I1JhPLGMvk
— NewsMobile (@NewsMobileIndia) May 7, 2024
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 150થી વધુ લોકો સાથે મત આપવા માટે શિલજ પહોંચ્યા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ શિલજમાં મતદાન કર્યું હતું.
મતદાન બાદ રેખાબેન ચૌધરીનું નિવેદન
બનાસકાંઠા બેઠકના ભાજપ ઉમેદવાર રેખાબેન પોતાના માતા-પિતાના આશિર્વાદ લઇ મતદાન કરવા પહોંચ્યાં હતાં. રેખાબેન સાથે પાલનપુરના ધારાસભ્યએ પણ લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું. મતદાનને લઇ જિલ્લામાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
NDA 400થી વધુ સીટ પર જીત મેળવી સરકાર બનાવશેઃ રૂપાણી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ભારે બહુમતી સાથે તમામ 25 બેઠકો પર ભાજપની જીત થશે. દેશમાં અબકી બાર 400 પારનો નારો સાકાર થશે. NDA 400થી વધુ સીટ પર જીત મેળવી સરકાર બનાવશે. આંદોલનની કોઈ અસર જોવા નહિ મળે. કોળી સમાજ, ક્ષત્રિય સમાજ તમામ સમાજના લોકો ભાજપ સાથે છે. પુરુષોત્તમ રૂપાલા ભારે બહુમતીથી જીત મેળવશે.
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ અમરેલીથી મતદાન કર્યું હતું. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની અંજલીબેન રૂપાણી સાથે રાજકોટમાં અનિલ જ્ઞાન મંદિર ખાતે મત આપ્યો હતો. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાએ પરિવાર સાથે મત આપ્યો હતો.ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ હરિહર કોમ્યુનિટી હોલ ખાતે મત આપ્યો હતો અને લોકોને મત આપવા અપીલ કરી હતી.
#WATCH | Ahmedabad, Gujarat: After casting his vote, PM Modi says, “Today is the third phase of voting. There is great importance of ‘Daan’ in our country and in the same spirit, the countrymen should vote as much as possible. 4 rounds of voting are still ahead. As a voter in… pic.twitter.com/K4svEIanmQ
— ANI (@ANI) May 7, 2024
જનતાએ મોદી મોદીના નારા લાગાવ્યા હતાં
અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં વડાપ્રધાન મોદી વોટિંગ કરવા આવ્યા હતા. તેમણે કેસરી કોટી પહેરી હતી. તેમની સાથે અમિત શાહ પણ હતા. તેઓ લગભગ અડધો કિલો મીટર ચાલીને મતદાન કરવા આવ્યા હતા. રસ્તાની બન્ને બાજુ ઉભેલી જનતાએ મોદી મોદીના નારા લાગાવ્યા હતાં.લોકશાહીમાં મતદાન એ સામાન્ય દાન નથી. દેશવાસીઓ વધુમાં વધુ મતદાન કરે. આજે લોકશાહીનો ઉત્સવ છે. ચૂંટણીની વ્યવસ્થામાં જોડાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવું છું. તમને તમામને ખૂબ ખૂબ શુભકામના.
અહીં મતદાન સમયે EVM ખોટકાયું
મતદાન શરૂ થયા બાદ થોડીવારમાં જ ભાવનગર શહેરની શહેરની મિલિટરી સોસાયટીની સરકારી શાળામાં બુથ નંબર 225 પર EVM ખોટકાતા અડધા કલાકથી વધુ સમય મતદાન રોકાયું હતું.અમદાવાદમાં ક્રષ્ણનગર ખાતેની પ્રકાશ હિન્દી સ્કૂલમાં EVM મશીન ખોટકાયું. લીંબડી પ્રાથમિક શાળા નંબર 4માં ઇવીએમ મશીન બંધ થતાં મતદાન અટક્યું હતું. ઇવીએમ મશીન બંધ થતાં અંદાજે 30 મિનિટ મતદાન બંધ રહ્યું હતું. ઇવીએમ મશીન બંધ થતાં તાત્કાલિક લીંબડી પ્રાંત અધિકારી પહોંચ્યા હતા. અંદાજે અડધો કલાક મતદાન બંધ રહ્યાં બાદ મતદાન ફરી રાબેતા મુજબ શરૂ થયું હતું.
રાજકોટમાં ધારાસભ્ય રમેશ ટીલાળા અને રાજયસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ મતદાન કર્યું હતું.રાજકોટના શહેર પ્રમુખ મુકેશ દોશીએ પણ પત્ની સાથે મત આપ્યો હતો.કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ અમરાપુર-વિંછીયા ખાતેથી મતદાન કર્યું હતું.
કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે પણ વહેલી સવારે મત આપ્યો હતો. જ્યારે કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં જામનગરના કોંગ્રેસના ઉમેદવાર જે. પી.મારવીયા એ મતદાન કર્યું હતું.
25 હજારથી વધુ મતદાન મથકો પર ચાંપતી નજર
ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી 25 હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ થશે. રાજ્યકક્ષાએ મોનિટરીંગ રૂમ ઉપરાંત તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત કરાયો છે. જે તે જિલ્લાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ રૂમમાં નિરીક્ષણ થતું રહેશે. જિલ્લા અને રાજ્યકક્ષા ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ વેબ કાસ્ટિંગનું મોનિટરીંગ કરવામાં આવશે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી તમામ 25 હજારથી વધુ મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃલોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન, 25 બેઠક પર 266 ઉમેદવાર મેદાનમાં