મતદાન મારી ફરજઃ મતદાર યાદીમાં નામ છે કે નહીં, ઉમેદવારની કુંડળી, મતદાન માટે કયાં જવાનું? જાણવા આ વેબસાઈટ ચેક કરવી જરૂરી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 હવે તેના અંતિમ તબક્કામાં છે. ગુરુવારે એટલે કે 1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે. જ્યારે 5મી ડિસેમ્બર એટલે કે સોમવારે બીજા તબક્કાનું મતદાન થશે. મતદાન કરવું તે દરેક નાગરિકનો માત્ર અધિકાર જ નથી પરંતુ એક ફરજ પણ છે. યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી તે દરેક નાગરિકની જવાબદારી છે. ત્યારે મતદાન માટે જરૂરી હોય તેવી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે તમારા વોટર આઈડી કાર્ડની માહિતી, તમે કઈ જગ્યાએ મતદાન કરવા જઈ શકો છો. તેમજ સૌથી વધુ મહત્વનું તમારા મતક્ષેત્રમાં ઊભા રહેલા ઉમેદવાર કોણ છે, તેમનો અભ્યાસ, કોઈ ક્રિમિનલ રેકોર્ડ છે કે નહીં, તેમની સંપત્તિ સહિતની માહિતીઓ મેળવી શકો છો, અને યોગ્ય ઉમેદવારને ચૂંટી શકો છો. તો આવો જાણીએ મતદાન પહેલાં મહત્વની વાત…
Voter Portal
વોટર પોર્ટલ વેબસાઈટ મતદાતાઓને મદદરુપ બનાવવા માટે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાઈ છે. આ વેબસાઈટની મદદથી કોઈ પણ મતદાર પોતાના ઇલેક્શન કાર્ડને લગતી માહિતી તેમજ તેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવા માટે બનાવવામાં આવી છે. https://voterportal.eci.gov.in/ પર લોગઈન થઈને તમારા વોટર આઈડી કાર્ડને લગતી દરેક માહિતી વિશે જાણી શકો છો અને સાથે જ એડ્રેસ, નામ, ફોટો જેવી કોઈ પણ માહિતી બદલાવી હોય તો એ પણ કરી શકો છો. આટલું જ નહીં જો તમારું ઇલેક્શન કાર્ડ ખોવાઈ ગયું છે અને નવું ઇલેક્શન કાર્ડ ઘરે માંગવુ છે તો તમે એ પણ સુવિધા આ પોર્ટલમાં ઉપલબ્ધ છે.
Electoral Roll
મતદાન કરવા માટે એ વ્યક્તિનું નામ જે-તે મતદારની યાદીમાં હોવું જરૂરી છે. મતદાર યાદીમાં નામ ન હોય તો મતાધિકારનો ઉપયોગ કરી શકાતો નથી. ત્યારે https://electoralsearch.in/ વેબસાઈટ પરથી એ ચેક કરી શકાય છે કે તમારું નામ મતદારોની યાદીમાં છે કે નહીં. મતદારોની યાદીમાં નામ છે તો તમારે કયા વિસ્તારમાં, કઈ જગ્યાએ વોટ કરવા જવાનું છે એ વિશે દરેક માહિતી આ વેબસાઈટ પરથી આસાનીથી મળી શકે છે. આ વેબસાઈટ ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની વોટર સર્ચ વેબસાઈટ છે.
Candidate Affidavit ECI
વોટ કરવા માટે ચૂંટણી લડવા ઉભેલ ઉમેદવાર વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. એક જાગૃત નાગરિક તરીકે વોટ આપતા પહેલા કોને વોટ આપવા જઈ રહ્યા છીએ એ વિશે જાણકારી હોવી જોઈએ. આ માટે ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા એ એક એવી વેબસાઈટ તૈયાર કરી છે જેની મદદથી તમે કોઈ પણ ઉમેદવાર વિશે જાણી શકો છો. https://affidavit.eci.gov.in/ નામની આ વેબસાઇટમાં જઈને તમે જોઈ શકો છો કે ચૂંટણી લડવા ઉભેલ ઉમેદવારનો ભૂતકાળ જાણી શકો છો. એટલે કે તેની સંપત્તિ, તેનો અભ્યાસ, કોઈ ક્રાઈમ રેકોર્ડ છે કે નહીં સહિતની માહિતી જાણી શકો છો. આ સાથે જ કયા કયા લોકોએ ચૂંટણી લડવાની તૈયારી દાખવી હતી અને કયા ઉમેદવારની અરજી સ્વીકારવામાં આવી હતી, તેમજ કોની નામંજૂર કરવામાં આવી એ વિશે પણ જાણી શકાય છે.
ટૂંકમાં આ વેબસાઇટની મદદથી તમે તમારા વિસ્તારમાં ઉભેલા ઉમેદવારની દરેક માહિતી જાણી, અમૂલ્ય મત કયા કેન્ડિડેટને આપવો તે નક્કી કરી શકો છો.