ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મેના રોજ મતદાન, લોકસભા સાથે વિધાનસભાની પાંચ બેઠકો પર પણ પેટાચૂંટણી
HD News Desk (અમદાવાદ), 15 માર્ચ: ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024નું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખ મુજબ, ગુજરાતમાં 7મેના રોજ ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તેમજ 4 જૂનના રોજ મતગણતરી થશે. રાજ્યમાં લોકસભાની 26 બેઠકો માટે ચૂંટણી પંચની જાહેરાત સાથે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર ભાજપ એકલા હાથે ચૂંટણી લડી રહ્યું છે ત્યારે કોંગ્રેસે રાજ્યમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. કોંગ્રેસ પાર્ટીને 24 અને AAPને બે બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.
વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી પણ યોજાશે
ગુજરાત લોકસભાની ચૂંટણીની સાથે પાંચ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. પોરબંદર, માણાવદર, વીજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. જેની તારીખ 7 મે નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, ગુજરાતના તમામ રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ગુજરાત લોકસભાની ચૂંટણી પર આખા દેશની નજર રહેશે. કારણ કે, ગુજરાત ભાજપ અને પીએમ મોદીનું ગઢ માનવામાં આવે છે. હવે જોવાનું એ છે કે આ લોકસભાની ચૂંટણીમાં કોણ બાજી મારે છે? અને આ વખતે કોંગ્રેસ ગુજરાતમાં ખાતું ખોલાવી શકશે કે નહીં?
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ
- 12 એપ્રિલે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.
- ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ રહેશે.
- 20 એપ્રિલે ફોર્મ ચકાસણી કરવામાં આવશે.
- ઉમેદવારો 22 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત લઇ શકશે.
- તો 7 મેના રોજ મતદાન થશે.
- મતગણતરી 4 જૂનના રોજ કરાશે.
- 4 જૂનના રોજ પરિણામો પણ જાહેર થઇ જશે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી જાહેરઃ 19 એપ્રિલથી એક જૂન સુધી સાત તબક્કામાં યોજાશે મતદાન, ગુજરાતમાં સાત મેએ મતદાન