વાવ વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સમાપ્તઃ જાણો કેટલું મતદાન થયું?
વાવ, 13 નવેમ્બર, 2024: વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે બુધવારે મતદાન શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયું હતું. છેલ્લા અહેવાલ અનુસાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં 67.13 ટકા મતદાન નોંધાયું હતું. જોકે, આ ટકાવારી મોડેથી વધી શકે છે.
આ અગાઉ આજે સવારે સાત વાગ્યે મતદાનની શરૂઆત થઈ હતી. સમગ્ર વિધાનસભા ક્ષેત્રમાં સવારથી જ મતદારોનો ઉત્સાહ જોવા મળતો હતો જે સાંજ સુધી યથાવત રહ્યો હતો. વાવમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. કુલ 10 ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો હતા. વાવ વિધાનસભા બેઠક પર ગેનીબેન ઠાકોર વિધાન સભ્ય તરીકે ચૂંટાયાં હતાં. પરંતુ તેઓ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયાં બાદ તેમણે વાવના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. વાવ વિધાનસભા બેઠક તમામ રાજકીય પક્ષો માટે ખૂબ જ આબરૂના પ્રતીક સમી બની ગઈ છે.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ જોરશોરથી ગામડે-ગામડે જઈને ચૂંટણી પ્રચાર કર્યો હતો. તમામ ઉમેદવારોએ મતદાતાઓને પોતાની તરફ ઝુકવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. ત્યારે ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર માવજી પટેલે પણ ગામેગામ ચૂંટણી સભાઓ યોજીને પોતાને મત આપવા અપીલ કરી છે. જોકે માવજી પટેલ આ ચૂંટણીને ચૂંટણી નહીં પણ યુદ્ધ ગણાવ્યું હતો. પોતાના નિશાન બેટથી ફટકા મારી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. માવજી પટેલે પાટીલનો પાવર ઉતારવાનો છે તેવું નિવેદન આપતાં વાવના રાજકારણમાં અચાનક ગરમાવો આવ્યો હતો અને ભાજપે પ્રચાર માટે આખી ફોજ ઉતારી દીધી હતી.
વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી વાવ પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે બુથ નંબર ૭ને આદર્શ મતદાન મથક તરીકે ઊભું કરાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલએ આ મતદાન મથકની મુલાકાત લઈને તમામ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આદર્શ મતદાન મથક ખાતે પીવાના પાણીની સુવિધા, શરબત, મતદારોને જાગૃતિ માટે બેનર, સેલ્ફી પોઇન્ટ, હેલ્થ ચેકઅપ, બેસવાની વ્યવસ્થા લઈ સુશોભિત મતદાન મથક ઊભું કરાયું હતું. મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી વાવ ખાતે આદર્શ મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું હતું. મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ મળતા તેમણે જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
વાવ પેટા ચૂંટણીમાં યુવા થી લઈને વૃધ્ધ સૌકોઈ લોકશાહીના પર્વમાં જોડાઈ રહ્યા છે. મતદાન આપણો અધિકાર માનીને ૮૫ વર્ષીય ઓખીબેન વ્હીલ ચેરના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા. ૨૧ વર્ષીય યુવા મતદાર ચિરાગભાઈએ શ્રેષ્ઠ સુવિધાઓ મળતા જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યકત કર્યો હતો.
આ પણ વાંચોઃ વાવ વિધાનસભા પેટા ચૂંટણીઃ ૮૫ વર્ષીય ઓખીબેન વ્હીલ ચેરના સહારે આવ્યાં મતદાન કરવા