ચૂંટણી ટાણે પંચમહાલના ભંડોઈ ગામના મતદારો નારાજ, ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેના માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ મતદારો પોતાના વિસ્તારની સમસ્યાઓને લઇને મતદાનનો બહિષ્કાર કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આજે પંચમહાલ જિલ્લાના ભડોઈ ગામના લોકોએ પણ પોતાના વિસ્તારની સમસ્યાઓને લઇને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
ચૂંટણી બહિષ્કારની ચીમકી
મળતી માહીતી મુજબ પંચમહાલ જિલ્લાના ભંડોઈ ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ભંડોઈ ગામમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયેલા રોડ તેની મૂળ જગ્યાએ ન બનાવતા બીજી જગ્યાએ બનાવી દીધેલ છે જેના કારણે ગામના લોકો રોષે ભરાયા છે. અને આ બાબતે કોઇ નિરાકરણ ન આવતા લોકોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : મતદાનના ગણતરીના કલાકો પહેલાં હાર્દિક પટેલને લાગવા લાગ્યો ડર, જાણો શું છે કારણ
માર્ગ મકાન વિભાગ કચેરી ખાતે અરજી લઈને પહોંચ્યા
પંચમહાલ જિલ્લાના મોરવા હડફના ભાણા સિમલ ભંડોઇ ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયેલા રોડ તેની મૂળ જગ્યાએન બનાવતા બીજી જગ્યાએ બનાવી દેતા ગામના લોકો રોષે ભરાયા હતા. અને ગામના લોકો તેમની આ સમસ્યાનું નિકારણ લાવવા માટે આજે ગોધરાની માર્ગ મકાન વિભાગ કચેરી ખાતે પોતાની સમસ્યાની અરજી લઈને પહોંચ્યા હતા. આ અરજીમાં લખવામાં આવ્યું છે કે મંત્રી નિમિષાબેન ખાતમુહૂર્ત કરીને ગયા હતા અમારો રસ્તો મંજૂર થઈ ગયો હતો છતાં પણ અમારા ગામના સ્મશાનના રસ્તાની જગ્યાએ બીજા ગામમાં રસ્તો બનાવીને આરએનબી વિભાગે બોડ લગાવી દીધું છે એટલે કે અમારા ગામના વિકાસનો રસ્તો બીજે ફળવાઈ ગયો છે અને અમારું ગામ વિકાસથી વંચિત રહી ગયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવતી કાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનં મતદાન થવા જઇ રહ્યું છે. ત્યારે ચૂંટણી ટાણે જ મતદારો દ્વારા ઉઠાવાતો વિરોધનો સુર સ્થાનિક ઉમેદવારોમાં ચિંતાનું કારણ બન્યો છે.