‘વસુધૈવ કુટુમ્બકમ’ મતદાન મથક ખાતે સીદી સમુદાયના મતદારો પરંપરાગત વેશભૂષામાં દેખાયા


લોકશાહીના મહાપર્વમાં પોતાના મતની ભાગીદારી નોંધાવવા માટે સવારથી જ મતદારોની લાંબી લાઇનો લાગી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિધાનસભા મતવિસ્તારના માધુપુર-જાંબુરમાં ઉભા કરાયેલા ‘વસુધૈવ કુટુમ્બકમ’ મતદાન મથક ખાતે સીદી સમુદાયના મતદારોએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ગુજરાતનું એ જ મિની-આફ્રિકન વિલેજ છે, જેને પ્રથમ વખત તેમના આદિવાસી બૂથ પરથી મતદાન કરવા મળ્યું છે.
ચુંટણીપંચ વતી આભાર વ્યક્ત કરતુ પ્રમાણપત્ર અપાયુ
‘વસુધૈવ કુટુમ્બકમ’ વિશિષ્ટ મતદાન મથકના ઓફિસરે સીદી સંસ્કૃતિની ઝલક દર્શાવતા મતદારોને લોકશાહીનો આ અવસર સાર્થક બનાવવા બદલ ભારતના ચૂંટણીપંચ વતી આભાર વ્યક્ત કરતું પ્રમાણપત્ર આપી બીરદાવ્યા હતાં.
સીદી સમુદાયની ઝલક દર્શાવતુ મતદાન મથક બનાવાયુ
લોકશાહીના મહાપર્વમાં દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપે એવા હેતુથી તૈયાર કરાયેલું આ વિશિષ્ટ મતદાન મથક આફ્રિકાથી આવીને વસેલા એવા સીદી સમુદાયની સંસ્કૃતિ દર્શાવતું ‘વસુધૈવ કુટુમ્બકમ’ મતદાન મથક માધુપુર ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટ મતદાન મથકના એક મંડપમાં સીદી સમાજને લગતા વાદ્યો, તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલા ચિહ્નો અને વસ્તુઓ સજાવવામાં આવી છે. જેથી અન્ય મતદારો પણ સીદી સમાજના સદીઓ જૂના ભવ્ય ભૂતકાળની ઝલક જોઈ શકશે.