ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પ્રથમ તબક્કામાં ગત ચૂંટણી કરતા 8% ઓછું મતદાન થયું, જાણો શું કહે છે સૌરાષ્ટ્ર-કચ્છનો ટ્રેન્ડ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ફર્સ્ટ ફેઝમાં 19 જિલ્લાની 89 સીટ પરના 788 ઉમેદવારોના રાજકીય ભાવિ EVMમાં સીલ થયા છે. પહેલા તબક્કામાં 2017ની વિધાનસભા ચૂંટણી કરતા ઓછું મતદાન નોંધાયું છે. 2017ની ચૂંટણીમાં આ સીટ પર 68 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જે આ વખતે લગભગ 60 ટકાથી વધુ રહ્યું છે.
પહેલા તબક્કાનો વોટિંગ ટ્રેન્ડ
ગુજરાત ચૂંટણીના પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાના વોટિંગ ટ્રેન્ડ જોઈએ તો ગત ચૂંટણી કરતા આ વખતે લગભગ 8 ટકા વોટિંગ ઓછું થયું છે. ગુજરાતની 2012ની વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કામાં 70.75 ટકા મતદાન થયું હતું. આ રીતે છેલ્લી બે ચૂંટણીની તુલનાએ આ વખતે મતદાન ઘટ્યું છે, જેના કારણે રાજકીય પક્ષની ચિંતા વધી ગઈ છે. આ વખતે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉતરતા મુકાબલો ત્રિપાંખીયો બન્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં મતદાન ઘટ્યું
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના 12 જિલ્લાની 54 સીટ પર આ વખતે 58 ટકા મતદાન થયું, જ્યારે કે 2017ની ચૂંટણીમાં આ બેઠક પર 65 ટકા મતદાન નોંધાયું હતું. તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 7 જિલ્લાની 35 સીટ પર 66 ટકા મતદાન થયું જ્યારે 2017માં આ બેઠક પર 70 ટકા મતદાન થયું હતું. આવામાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારની સીટ પર ગત વિધાનસભા ચૂંટણીની તુલનાએ 7 ટકા વોટિંગ ઓછું થયું છે, જ્યારે દક્ષિણ ગુજરાતની સીટ પર 4 ટકા જેટલું મતદાન ઓછું થયું છે.
સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં માત્ર મોરબીમાં જ 54 ટકા વોટ પડ્યા છે જ્યારે અન્ય જિલ્લામાં 50 ટકાથી ઓછું વોટિંગ નોંધાયું છે. એક રીતે જોઈએ તો પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં મતદાન ઘટ્યું છે જ્યારે આદિવાસી-ઓબીસી બહુમતીવાળી સીટ પર મતદાન વધ્યું છે, જેને લઈને દરેક રાજકીય પક્ષો અસમંજસમાં મૂકાય ગયા છે.
કોંગ્રેસને લાભ, ભાજપને નુકસાન?
પહેલા તબક્કાની સીટ પર 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભાજપ પર કોંગ્રેસ ભારે પડી હતી, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું હતું. પહેલા તબક્કાની જે 89 સીટ પર ચૂંટણી થઈ તેના પર 2017ની ચૂંટણીમાં ભાજપે 48 સીટ જીતી હતી તો કોંગ્રેસે 39, બીટીપીએ 3 અને એનસીપીને 1 એક સીટ મળી હતી. 2012ની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો આ 89 સીટમાંથી ભાજપને 63, કોંગ્રેસને 22 અને અન્યને ચાર સીટ મળી હતી. આ રીતે કોંગ્રેસને ફાયદો અને ભાજપને નુકસાન ઉઠાવવું પડ્યું હતું.
2017માં કોંગ્રેસે 89માંથી 38 સીટ પર લગભગ 42 ટકા વોટ શેરની સાથે જીત મેળવી હતી. ભાજપે 49 ટકા વોટ શેરની સાથે 48 સીટ પર કબજો કર્યો હતો. જો કે 2012ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું અંતર ઘણું વધારે હતું. ત્યારે ભાજપે 48 ટકા જેની તુલનાએ કોંગ્રેસને 10 ટકા વધુ વોટ મળ્યા હતા. મતદાનની ટકાવારીની અસર બેઠક પર દેખાઈ હતી પરંતુ 2017માં કોંગ્રેસને 10 ટકા મતનો ફાયદો મળ્યો હતો. જો કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 89માંથી 85 સીટ પર લગભગ 62 ટકા વોટ શેરની સાથે લીડ યથાવત રાખી હતી.
70 ટકા જયાં મતદાન થયું હતું તે સીટનું 2017નું પરિણામ
2017ની ચૂંટણીમાં જે વિધાનસભા સીટ પર 70 ટકાથી વધુ વોટિંગ થયું હતું, તેમાંથી મોટા ભાગની સીટ કોંગ્રેસના ખાતામાં ગઈ હતી. પહેલા તબક્કાની 27 વિધાનસભા સીટ હતી જેના પર 70 ટકાથી વધુ વોટિંગ થયું હતું. આ સીટના પરિણામ જોઈએ તો 14 કોંગ્રેસ અને 11 ભાજપના ખાતામાં ગઈ હતી. કપરાડા, નીઝર, માંડવી, વ્યારા, વાંસદા, સોમનાથ, વાંકાનેર, ટંકારા, જસદણ, ડાંગ, મોરબી, જંબુસર, તલાલામાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. જ્યારે ભાજપે જેતપુર, અંકલેશ્વર, માંડવી, નવસારી, જલાલપોર, ધરમપુર, માંગરોળ, મહુવા, વાગરા, ગણદેવી, બારડોલી સીટ પર પોતાનો પરચમ લહેરાવ્યો હતો. આ ઉપરાંત બીટીપીએ બે સીટ ડેડિયાપાડા અને ઝઘડિયામાં જીતી હતી.
ભાજપનું ખરાબ પ્રદર્શન
ગત ચૂંટણીમાં ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન સૌરાષ્ટ્રમાં રહ્યું હતું. પહેલા તબક્કાના 19 જિલ્લામાંથી ભાજપ 7 જિલ્લામાં ખાતું જ ખોલાવી શક્યું ન હતું. જેમાં અમરેલી, નર્મદા, ડાંગ, તાપી, અરવલી, મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાં ભાજપને એક પણ સીટ મળી ન હતી. અમરેલીમાં કુલ પાંચ, ગીર સોમનાથમાં ચાર, અરવલી અને મોરબીમાં ત્રણ-ત્રણ, નર્મદા અને તાપીમાં બે-બે અને ડાંગમાં એક સીટ છે. આ તમામ જગ્યાએ કોંગ્રેસને જીત મળી હતી. જ્યારે સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં કોંગ્રેસે ભાજપ કરતા વધુ સીટ જીતી હતી. સુરેન્દ્ર જિલ્લાની 5માંથી 4, જુનાગઢ જિલ્લાની 5માંથી 4 અને જામનગર જિલ્લાની 5માંથી 3 સીટ પર કોંગ્રેસે કબજો કર્યો હતો.
કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન કયાં જોવા મળ્યું હતું?
2017ની ચૂંટણીમાં પહેલા ચરણમાં પોરબંદર એકમાત્ર જિલ્લો હતો જ્યાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું ન હતું. ભાજપ અહીંની બંને જીતવામાં સફળ રહી હતી. સુરતની 16 સીટમાંથી ભાજપે 15 બેઠક પર કબજો જમાવ્યો હતો. જ્યારે કોંગ્રેસને ફાળે 1 જ બેઠક ગઈ હતી. ભાજપને સત્તા અપાવવામાં સુરતનો ફાળો મહત્વનો રહ્યો હતો.