મતદાન LIVE: ઉત્તરાખંડમાં મતદારે EVM તોડ્યું, મણિપુરમાં પોલિંગ બૂથ પર ફાયરિંગ, 3 ઘાયલ
નવી દિલ્હી, 19 એપ્રિલ: લોકસભાના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. વોટર ટર્નઆઉટ એપ મુજબ સવારે 11 વાગ્યા સુધી બંગાળમાં સૌથી વધુ મતદાન થયું હતું. અહીં 33.56% મતદાન થયું હતું. સૌથી ઓછું મતદાન લક્ષદ્વીપમાં થયું હતું, જ્યાં 16.33% મતદાન થયું હતું. 21 રાજ્યોમાં સરેરાશ 25% મતદાન થયું છે. આ દરમિયાન મણિપુરના બિષ્ણુપુરમાં મતદાન દરમિયાન ગોળીબાર, બંગાળના કૂચબિહારમાં હિંસા અને ઉત્તરાખંડના હરિદ્વારમાં EVM તોડી પાડવાની ઘટના બની છે.
મણિપુરમાં પોલિંગ બૂથ પર ફાયરિંગમાં 3 ઘાયલ
મણિપુરમાં આંતરિક મણિપુર લોકસભા સીટ મતદાન ચાલી રહ્યું છે ત્યારે બિષ્ણુપુર જિલ્લાના થમનપોકપીમાં એક મતદાન કેન્દ્ર પર ફાયરિંગ થયું હતું. જેમાં 3 લોકો ઘાયલ થયા છે. ઈમ્ફાલ ઈસ્ટના થોંગજુમાં એક બૂથ પર EVMની તોડફોડ કરાઈ છે. રાજ્યની બે બેઠકો આંતરિક મણિપુર અને બાહ્ય મણિપુર પર આજે મતદાન થઈ રહ્યું છે. આઉટર સીટના હિંસા પ્રભાવિત વિસ્તારોના કેટલાક બૂથ પર 26 એપ્રિલે પણ મતદાન થશે. મણિપુરમાં ગયા વર્ષે 3 માર્ચથી હિંસા ચાલી રહી છે.
ઉત્તરાખંડમાં એક વૃદ્ધે EVM તોડી નાખ્યું
ઉત્તરાખંડની પાંચ લોકસભા સીટ પર મતદાન ચાલુ છે ત્યારે હરિદ્વારમાં પોલિંગ બૂથ પર એક વૃદ્ધ મતદાતાએ બેલેટ પેપર દ્વારા ચૂંટણીની માંગણી કરતાં EVM પર ગુસ્સો ઠાલવ્યો હતો. તેમજ EVMને જમીને પર પટક્યું હતું. જેના કારણે મશીનને નુકસાન પહોંચ્યું હતું. વૃદ્ધ મતદારની આ કાર્યવાહી બાદ બૂથ પર અફરાતફરી મચી ગઈ હતી. બહાર તૈનાત પોલીસકર્મીઓ પણ અંદર દોડી ગયા અને તરત જ વૃદ્ધ મતદારને પકડીને રેલવે સ્ટેશન લઈ ગયા, જ્યાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. વૃદ્ધ મતદાર જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈએ.
પ.બંગાળમાં BJP- TMC કાર્યકર વચ્ચે ઝડપ
બંગાળના કૂચ બિહારમાં ભાજપ અને TMC કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે કૂચ બિહારના તુફનગંજમાં મતદાન મથક પર ભાજપના કાર્યકરોએ હિંસા કરી હતી. તૃણમૂલના એજન્ટો પર હુમલો કરવામાં આવ્યો છે અને ઘણા ઘાયલ થયા છે. ટીએમસીએ કહ્યું કે ભાજપના કાર્યકરો બૂથની સામે હથિયારો સાથે ઊભા રહીને મતદારોને ધમકાવી રહ્યા છે.
છત્તીસગઢમાં મતદાન મથકથી 500 મીટર દૂર ગ્રેનેડ વિસ્ફોટ
CRPF-196 બટાલિયનના જવાનો છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ગલગામમાં વિસ્તારમાં તૈનાત હતા. દરમિયાન, UBGL સેલ બ્લાસ્ટને કારણે એક સૈનિક ઘાયલ થયો હતો. તેનાથી 500 મીટરના અંતરે મતદાન મથક છે. ઘાયલ સૈનિકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. બીજી તરફ ભૈરમગઢના ચિહકા ગામમાં ચૂંટણી ફરજ પર રહેલા CRPFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ IED બ્લાસ્ટમાં ઘાયલ થયા છે.
આ પણ વાંચો: બેન્ડ બાજા વોટ! જમ્મુ-કાશ્મીરના નવવિવાહીત યુગલે લગ્ન પછી તરત જ કર્યું મતદાન, વીડિયો વાયરલ