મતદાર જાગૃતિ: જો કોઈ ઉમેદવારનું અવસાન થઈ જાય તો તે બેઠક પર શું થાય છે?
- મતદાન પહેલા કે મતદાન પછી જો કોઈ ઉમેદવારનું મૃત્યુ થઈ જાય તો તે બેઠકનું શું કરવામાં આવે છે? જાણો આ રિપોર્ટમાં…
HD ન્યૂઝ ડેસ્ક, 21 એપ્રિલ: ઉત્તર પ્રદેશની મુરાદાબાદ લોકસભા સીટ પર લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. પરંતુ, એક દિવસ પછી 20 એપ્રિલે આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું અવસાન થયું હતું. આવી સ્થિતિમાં, તમારા મનમાં આ પ્રશ્ન અવશ્ય થયો જ હશે કે જો ચૂંટણી લડી રહેલા ઉમેદવારનું અવસાન થઈ જાય છે, તો તે બેઠકનું શું થશે? ચાલો તમારા આ પ્રશ્નનો અહીં અમે તમને જવાબ આપીએ.
જો મતદાન થાય તે પહેલા ઉમેદવારનું મૃત્યુ થાય તો શું થાય?
જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 52 મુજબ, જો ઉમેદવારનું નામાંકન કરવાના છેલ્લા દિવસે મૃત્યુ થાય અને તેનું નામાંકન ચકાસણીમાં માન્ય ગણાય અથવા જો કોઈ ઉમેદવારે તેનું નામાંકન પાછું ખેંચ્યું ન હોય અને તે મૃત્યુ પામે અથવા મતદાન પહેલાં મૃત્યુ પામે તો, આવી સ્થિતિમાં તે બેઠક પરની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. રિટર્નિંગ ઓફિસર ચૂંટણી પંચ અને સંબંધિત સત્તાવાળાઓને જાણ કરે છે અને બાદમાં તે બેઠક પર ચૂંટણી યોજવામાં આવે છે.
જો મતદાન કર્યા પછી ઉમેદવારનું મૃત્યુ થાય તો શું થાય?
કુંવર સર્વેશ સિંહના કિસ્સામાં મતદાન બાદ તેમનું મૃત્યુ થયું હતું. જો ચૂંટણીના પરિણામો આવશે ત્યારે સર્વેશ સિંહની હાર થશે તો બેઠક પર તેની કોઈ અસર નહીં થાય. પણ, જો તે જીતી જાય તો? આવી સ્થિતિમાં આ બેઠક પર ફરીથી ચૂંટણી થશે. એટલે કે ઉત્તર પ્રદેશની મુરાદાબાદ સીટનું ભવિષ્ય 4 જૂને પરિણામ જાહેર થયા બાદ જ નક્કી થશે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીની મતગણતરી 4 જૂને થશે.
આ પણ વાંચો: મુરાદાબાદના BJP ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું અવસાન, કાલે જ તેમની સીટ ઉપર થયું હતું મતદાન