મતદાર જાગૃતિ: શું કોઈ વ્યક્તિનો વોટ તેની સંમતિથી અન્ય કોઈ વ્યક્તિ આપી શકે? અહીં જાણો
દિલ્હી, 20 એપ્રિલ: ભારતમાં વિશ્વની સૌથી મોટી ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત દેશની કુલ 543 લોકસભા બેઠકો પર 7 તબક્કામાં મતદાન થશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે પૂર્ણ થઈ ગયું છે, જ્યારે હજી બાકીના 6 તબક્કાનું મતદાન બાકી છે. દરમિયાન આ ચૂંટણીને લઈને લોકોમાં અનેક સવાલો છે. આમાંનો એક પ્રશ્ન એ છે કે શું કોઈ વ્યક્તિનો વોટ તેની સંમતિથી અન્ય કોઈ વ્યક્તિ આપી શકે? જો આ શક્ય છે તો શું કરવાની જરૂર છે અને જો તે શક્ય નથી તો આ પ્રકારનું કામ કરવા બદલ શું સજા થાય છે. આવો જાણીએ આ મહત્વના સવાલનો જવાબ આ સમાચાર દ્વારા.
શું સંમતિથી કોઈ અન્ય મતદાન કરી શકે?
ચૂંટણી પંચના મતે મતદાતાની સંમતિથી પણ અન્ય કોઈ વ્યક્તિ તેનો મત આપી શકે નહીં. જો કોઈ આવું કરે તો ભારતીય દંડ સંહિતાની કલમ 171 D હેઠળ એક વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે. અન્ય કોઈના મતપત્રને કાસ્ટ કરવો અથવા કરવાનો પ્રયાસ કરવો ગેરકાયદેસર છે. ફરિયાદ મળતાં જ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
આ વખતે કેટલા લોકો મતદાન કરવા પાત્ર છે?
ભારતના ચૂંટણી પંચે માહિતી આપી છે કે આ લોકસભા ચૂંટણીમાં લગભગ 97 કરોડ ભારતીયો મતદાન કરવા માટે લાયક હશે. ચૂંટણી પંચે અહેવાલ આપ્યો છે કે ભારતમાં 96.88 કરોડ લોકો આગામી સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન કરવા માટે નોંધાયેલા છે, જે વિશ્વનો સૌથી મોટો મતદાર પૂલ છે. પંચના જણાવ્યા અનુસાર, છેલ્લી લોકસભા ચૂંટણી 2019થી નોંધાયેલા મતદારોની સંખ્યામાં છ ટકાનો વધારો થયો છે.
સાત તબક્કામાં ચૂંટણી ક્યારે યોજાશે?
- પ્રથમ તબક્કો – 19 એપ્રિલ, પુર્ણ થયો.
- બીજો તબક્કો – 26 એપ્રિલ
- ત્રીજો તબક્કો – 7 મે
- ચોથો તબક્કો – 13 મે
- પાંચમો તબક્કો – 20 મે
- છઠ્ઠો તબક્કો – 25 મે
- સાતમો તબક્કો – 1 જૂન
- પરિણામો- 4 જૂન
આ પણ વાંચો: સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મનો વિવાદઃ નિર્ણય આવતીકાલ પર મુલતવી