બનાસકાંઠા : ભાદરવી પૂનમના મેળાના પગલે સમિતિઓના આયોજન અંગે અધિકારીઓ સાથે યોજાઈ બેઠક


બનાસકાંઠા 31 જુલાઈ 2024 : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તારીખ ૧૨સપ્ટે. ૨૦૨૪થી ૧૮સપ્ટે.૨૦૨૪ દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમ મહામેળામાં લાખો પદયાત્રીઓ મા જગદંબાના દર્શનાર્થે પધારનાર છે. માઈભક્તો માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ, સેવા સંગઠનો દ્વારા માઈભક્તોની સુખાકારી માટે તથા સુખદ પદયાત્રા માટે વિવિધ આયોજનો કરવામાં આવે છે.
જે અંતર્ગત જીલ્લા કક્ષાની વિવિધ સમિતિઓનું ગઠન કરવામાં આવેલ છે. સમિતિઓ સાથે સંકલન અને જરૂરી આયોજન અંગે આજરોજ અંબાજી મંદિરના મીટીંગ હોલ ખાતે જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેયરમેન વરુણકુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.
જેમાં સ્વચ્છતા, સલામતી અને કાયદો, આરોગ્ય, ઈમરજન્સી સારવાર, રસ્તા મરામત,પાણી પુરવઠા, વિધુત્ત પ્રવાહ, પાર્કિંગ , રહેઠાણ, ભોજન, પ્રસાદ, પ્રચાર – પ્રસાર વગેરે સમિતિઓની કામગીરી બાબતે ચર્ચા કરી તેમની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. આજની બેઠકમાં જીલ્લા પોલીસ અધીક્ષક, જીલ્લા વિકાસ અધિકારી, વહીવટદાર અંબાજી મંદિર, જીલ્લાના પ્રાંત અધિકારીઓ તેમજ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં હોબાળો