Vodafone Idea માટે રાહતના સમાચાર, સરકારે રૂ. 16,133 કરોડના લેણાંને શેરમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી
નાણાકીય સંકટનો સામનો કરી રહેલી દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની Vodafone-Idea માટે રાહતના સમાચાર છે. સરકારે કંપનીને તેના બાકી AGR પર વ્યાજની રકમને શેરમાં રૂપાંતરિત કરવા માટે તેની સંમતિ આપી છે. Vodafone-Idea પર વ્યાજની રકમ પેટે સરકારને રૂ. 16133 કરોડનું દેવું છે.
સરકારના આ નિર્ણય બાદ Vodafone-Idea 10 રૂપિયાના 1633 કરોડ શેર ઈશ્યુ કરશે. આ બાકી લોનને શેરમાં રૂપાંતરિત કર્યા બાદ Vodafone Ideaમાં સરકારનો હિસ્સો 33 ટકાની નજીક પહોંચી જશે. આ સાથે કંપનીમાં પ્રમોટરનો હિસ્સો પણ 74.99 ટકાથી ઘટીને 50 ટકાથી ઓછો થઈ જશે. જો કે, સરકારને વોડાફોન આઈડિયામાં રૂ. 10ના ભાવે શેર આપવામાં આવશે, પરંતુ શુક્રવારે વોડાફોન આઈડિયાનો શેર રૂ. 6.85 પર બંધ થયો છે. એટલે કે સરકાર દ્વારા જે દરે શેર જારી કરવામાં આવે છે તેના કરતા 31 ટકા નીચે શેર ટ્રેડિંગ કરી રહ્યો છે.
Vodafone Idea દેવાના બોજમાં ડૂબી ગઈ છે અને કંપની ચલાવવા માટે તેને મોટી મૂડીની જરૂર છે. પરંતુ કંપનીના પ્રમોટરો મૂડી રોકાણ કરવાના મૂડમાં જોવા મળ્યા ન હતા, ત્યારે સરકારે સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી પ્રમોટરો મૂડી રોકાણ નહીં કરે ત્યાં સુધી સરકાર બાકી લોનના બદલામાં કંપનીના શેર લેશે નહીં. બાકી લોનને શેરમાં ફેરવવાનો મામલો એક વર્ષથી પેન્ડિંગ હતો. પરંતુ તાજેતરમાં કંપનીના અધિકારીઓ ટેલિકોમ અને નાણા મંત્રાલયના ટોચના અધિકારીઓને મળ્યા હતા, ત્યારબાદ સરકારે દેવાને શેરમાં બદલવાનો નિર્ણય લીધો છે.
પહેલા કંપનીના પ્રમોટરો માત્ર રૂ. 2000 થી 3000 કરોડની મૂડી નાખવા માગે છે જે કંપનીને નવજીવન આપવા માટે અપૂરતી છે. વોડાફોન આઈડિયાને વધુ સારી રીતે કામ કરવા માટે 40,000 થી 45,000 કરોડ રૂપિયાની જરૂર છે. જો આમાંથી 50 ટકા બેંક પાસેથી લોન તરીકે મળે છે, તો બાકીની રકમ પ્રમોટરે જમા કરવાની રહેશે. પ્રમોટરના ભંડોળ વિના ન તો કોઈ રોકાણકાર કંપનીમાં રોકાણ કરશે કે ન તો કોઈ બેંક કંપનીને ટેકો આપવા માટે આગળ આવશે. કંપની વિદેશી રોકાણકારો પાસેથી પણ નાણાં એકત્ર કરી શકતી નથી કારણ કે આ રોકાણકારો ઈચ્છે છે કે સરકાર પહેલા કંપનીમાં હિસ્સો લે.
ડિસેમ્બરમાં, કંપનીએ 15,000 થી 16,000 કરોડ રૂપિયાની લોન માટે દેશની સૌથી મોટી બેંક SBIનો સંપર્ક કર્યો હતો. જો કે, બેંકે Vodafone-Ideaમાં સરકારની હિસ્સેદારી અંગે કંપની પાસેથી ખુલાસો માંગ્યો હતો. કંપનીએ ટાવર કંપનીનું લેણું પણ બાકી છે.