વિઠ્ઠલભાઈના પત્નીએ પીએમને કહ્યું, ‘જયેશ તમારી જવાબદારી’, જાણો પછી શું થયું ?
પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે જામકંડોરણા ખાતે એક સભા સંબોધવા માટે આવ્યા હતા. અહીં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવતું હતું. ત્યારે જ સ્વ.વિઠ્ઠલભાઈના પત્ની અને જયેશભાઇના માતા ચેતનાબેન પીએમનું સ્વાગત કરવા માટે આવ્યા ત્યારે તેઓએ પીએમને જયેશનું ધ્યાન રાખવાનું કહેતા પીએમએ પણ તેઓને દીકરાની ચિંતા છોડી દેવા માટેનું આશ્વાસન આપ્યું હતું.
ચેતનાબહેનને તબિયત સંભાળવા જણાવ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતાના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે હતા. જેમાંથી બે દિવસ તેઓ સૌરાષ્ટ્રમાં રોકાયા હતા. સોમવારે જામનગરમાં સભા ત્યારબાદ રાત્રી રોકાણ અને મંગળવારે તેઓ પાટીદારોના ગઢ ગણાતા જામકંડોરણા ખાતે સભા સંબોધવા માટે ગયા હતા. જામકંડોરણા ઘણા વર્ષોથી ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અહીં અત્યારસુધી વિઠ્ઠલભાઈ રાદડીયાએ એક હથ્થુ શાસન સાંભળ્યા બાદ આ વારસો તેના પુત્ર અને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ જાળવી રાખ્યો છે. મંગળવારે વડાપ્રધાન મોદી જામકંડોરણા સભા માટે આવ્યા ત્યારે અનેક આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમાં સ્વ.વિઠ્ઠલભાઈના પત્ની અને જયેશભાઈના માતા ચેતનાબેન પણ જોડાયા હતા. તેઓએ પીએમનું ભારતમાતાની છબી આપી સ્વાગત કર્યું હતું. આ વેળાએ પીએમએ તેમની તબિયત સંભાળવા કહ્યું હતું. ત્યારે જ સામે ચેતનાબહેને હસ્તા મોઢે જવાબ આપતા જયેશનું ધ્યાન રાખવાનું કહેતા પીએમએ પણ ઈશારાઓમાં જયેશ રાદડીયાની જવાબદારી પોતાની હોવાનું આશ્વાસન આપ્યું હતું. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર તમામ લોકો અવાચક બની ગયા હતા.