વેકેશનમાં દેશના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોની કરો યાત્રા, યાદગાર બનશે રજાઓ
- જો તમે પણ દેશના પ્રખ્યાત ધાર્મિક સ્થળો જોવા માંગો છો, તો આ 5 પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોની અવશ્ય મુલાકાત લો. તમને અહીંની આવીને આંતરિક શાંતિનો અનુભવ થશે.
સમર વેકેશન શરૂ થતા જ મોટાભાગના ઘરોમાં ફરવા જવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ઘણા લોકો ઠંડા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે, તો ઘણા લોકો વાઈલ્ડ લાઈફનો નજારો જોવા ઈચ્છે છે. ઘણા લોકો ધાર્મિક શહેરોની મુલાકાત લેવા માંગે છે. જો તમે પણ દેશના પ્રખ્યાત ધાર્મિક સ્થળોની યાત્રા કરવા માંગો છો, તો આ 5 પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોની અવશ્ય મુલાકાત લો. તમને અહીંની આવીને આંતરિક શાંતિનો અનુભવ થશે.
5 ધાર્મિક સ્થળોની મુલાકાત અવશ્ય લો
વૈષ્ણો દેવી મંદિર, જમ્મુ-કાશ્મીર
માતા વૈષ્ણો દેવીને સમર્પિત આ મંદિર હિંદુઓ માટે સૌથી પવિત્ર યાત્રાધામોમાંનું એક છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં ભક્તો માતાના દર્શન કરવા માટે કઠિન યાત્રા કરે છે. સમર સીઝનમાં તમને અહીં ઠંડકનો અનુભવ થશે અને તમારી રજાઓ યાદગાર બની જશે.
જગન્નાથ મંદિર, પુરી, ઓડિશા
ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાને સમર્પિત, આ મંદિર હિન્દુ ધર્મના ચાર મુખ્ય ધામોમાંનું એક છે. દર વર્ષે અહીં રથયાત્રાનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. અહીં મંદિરમાં આવીને તમને અલૌકિક શાંતિનો અનુભવ થઈ શકશે. તમે સમર વેકેશનમાં આ સ્થળની મુલાકાત લઈ શકો છો. તમે ટ્રેન કે ફ્લાઈટ દ્વારા અહીં પહોંચી શકો છો.
ગોલ્ડન ટેમ્પલ, અમૃતસર, પંજાબ
શીખ ધર્મનું સૌથી પવિત્ર તીર્થ સ્થળ ગણાતું સુવર્ણ મંદિર તેની ભવ્યતા અને આધ્યાત્મિકતા માટે જાણીતું છે. સોનાથી બનેલું આ મંદિર પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. દરેક વ્યક્તિએ જીવનમાં એક વખત તો આ સ્થળે આવવું જ જોઈએ, અહીં એક અજીબ પ્રકારની ધાર્મિક લાગણીની અનુભૂતિ થશે.
કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી, ઉત્તર પ્રદેશ
ભગવાન શિવને સમર્પિત, આ મંદિર હિંદુ ધર્મના સૌથી પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે. ગંગા નદીના કિનારે આવેલું આ મંદિર તેની આધ્યાત્મિક ઊર્જા અને પ્રાચીન સ્થાપત્ય માટે જાણીતું છે. જો તમે ખરેખર કોઈ ધાર્મિક યાત્રાનો આનંદ લેવા માંગતા હો તો કાશી વિશ્વનાથ મંદિરના દર્શને અવશ્ય જજો.
રામલલ્લા મંદિર, અયોધ્યા, ઉત્તર પ્રદેશ
અયોધ્યાને ભગવાન રામના જન્મસ્થળ તરીકે માનવામાં આવે છે. તે પણ હિન્દુઓ માટે સૌથી પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે. અહીં રામ જન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી અને કનક ભવન જેવા ઘણા પ્રખ્યાત મંદિરો છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ અહીં ફરવાનો આનંદ લેવા જેવો છે. અહીં આવશો તો શ્રીરામના રંગમા રંગાયા વગર નહીં રહી શકો.
આ પણ વાંચોઃ ગરમીમાં ફરવા જવાનો પ્લાન હોય તો અરુણાચલ પ્રદેશની આ ઠંડી જગ્યાઓ પર જાવ