મલ્ટીપોલાર વિશ્વમાં વૈશ્વિક વિશ્વાસની ખોટ પુરવાની જવાબદારી વિશ્વબંધુ ભારત પરઃ જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી

- જીઓપોલિટીકસનાં વિભિન્ન પાસાંની વિશદ ચર્ચા સાથે વસુધૈવ કુટુંબકમ્ કી ઓર સંવાદ 3.0 ની પૂર્ણાહુતિ
અમદાવાદ, 15 ડિસેમ્બર, 2024: “જ્યાં સુધી વૈશ્વિક વિશ્વાસના મુદ્દે ઊભી થયેલી ખોટનો પ્રશ્ન છે તો તેને પુરવાની જવાબદારી એક જવાબદાર અને વિશ્વાસપાત્ર રાષ્ટ્ર તરીકે હવે ભારતની છે. આજે વિશ્વસનીયતાની ખોટના કારણે ઊભી થયેલી વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન, વૈશ્વિક સમુદાયના સહયોગથી માત્ર ભારત જ આપી શકશે. અમેરિકાએ ૨૦મી સદીના પ્રારંભે અત્યંત મૂલ્યવાન અને દુર્લભ એવો વૈશ્વિક વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો તે હવે ગુમાવી દીધો છે. અને એટલે જ ભારતની જવાબદારી વધી જાય છે.” તેમ જૈનાચાર્ય પ.પૂ. યુગભૂષણસૂરીજીએ જણાવ્યું હતું . તેઓ “જ્યોત સંસ્થા” દ્વારા ગીતાર્થ ગંગા ખાતે આયોજિત બે દિવસના “વસુધૈવ કુટુંબકમ કી ઓર 3.૦ કોંકલેવ”ના પૂર્ણાહુતિ સમયે બોલી રહ્યા હતા.

આ પ્રસંગે વિવિધ વૈશ્વિક રાજનૈતિક અને આધ્યત્મિક પ્રવાહોની ચર્ચા કરતા આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે ભારતની આધ્યાત્મિક જ્ઞાન પરમ્પરા સનાતન રહી છે. તેણે હંમેશાં વિશ્વને શાંતિનો રસ્તો બતાવ્યો છે. આજના અશાંત વૈશ્વિક રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં તેનું મહત્ત્વ ખૂબ વધારે છે અને તે વિશ્વને માર્ગદર્શન કરવા સક્ષમ છે.
આજે રવિવારે ગીતાર્થ ગંગા ખાતે બીજા દિવસે ‘જીઓપોલિટીકસમાં મલ્ટીપોલારિટી, વૈશ્વિક વિશ્વાસ અને વિશ્વબંધુ ભારતની ભૂમિકા’ વિષય પર વિશદ ચર્ચા થઈ હતી. સવારે યોજાયેલા આંતરિક ચર્ચા સત્ર અને બપોરના જાહેર સંવાદમાં આ મુદ્દા પર ગહન મનોમંથન અને પ્રશ્નોત્તરી થયા હતા. વર્તમાન સમયમાં આ થીમ એટલા માટે સુસંગત છે કારણ કે સમગ્ર વિશ્વ એક પ્રકારના વિશ્વાસની ખોટ અનુભવી રહ્યું છે અને તેને પુરવામાં વિશ્વબંધુ ભારતની ભૂમિકા મલ્ટીપોલાર વિશ્વમાં મહત્ત્વપૂર્ણ બની રહેવાની છે.
આજના આ ચર્ચાસત્રોમાં પ્રસિદ્ધ ન્યાયવિદ અને કન્સલ્ટન્ટ ડૉ. અનિરુદ્ધ રાજપૂત, ન્યાયવિદ પર્સીવલ બીલીમોરીયા, ભારતના બ્રિટન ખાતેના પૂર્વ રાજદૂત શ્રી યશવર્ધનકુમાર સિન્હા, આઈડીએસએના શ્રી રાજીવ નયન, ડૉ. જે આર ભટ્ટ, વીઆઇએફના સંશોધક ડૉ. સરોજ બિસોય, ભારતના પૂર્વ રાજદૂત શ્રી અચલકુમાર મલ્હોત્રા અને ઇન્ડિયા ફાઉન્ડેશનના નિયામક કેપ્ટન ડૉ. આલોક બંસલે ઉપરોક્ત વિષયના વિભિન્ન પાસાં પર વિચારો રજૂ કર્યા હતા.
ન્યાયવિદ શ્રી અનિરુદ્ધ રાજપૂતે વૈશ્વિક રાજનીતિ અને સાંસ્કૃતિક પરિમાણોની આજના કપરા સમયમાં પુનઃ સમીક્ષા કરવા પર ભાર મુકતા કહ્યું હતું કે આજે પણ પાશ્ચાત્ય શાસન વ્યવસ્થાનું માળખું અને ડિપ્લોમસી વૈશ્વિક નિયમો ઘડે છે. આ સંદર્ભે તેમણે ભાષા અને સંસ્કૃતિનું જતન કરતા રોમન સામ્રાજ્યનું ઉદાહરણ આપ્યું હતું. ડૉ. રાજપૂતે એક સર્વસમાવેશી, સુમેળભરી અને સમયની એરણે કસાયેલી વૈશ્વિક વ્યવસ્થા ઊભી કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે પરસ્પરનો આદર, માનવતા અને અધિકૃતતા દ્વારા એક ઉમદા ભવિષ્યનું નિર્માણ થઈ શકશે જે સંતુલિત અને સહુ માટે સમાન વિશ્વ બનાવી શકે.

ન્યાયવિદ શ્રી પર્સિવલ બીલીમોરીયાએ સ્થાનિક અને વૈશ્વિક વિમર્શના સંદર્ભે ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાઓ પર થઈ રહેલા બાહ્ય પ્રભાવ પરત્વે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની વૈશ્વિક શક્તિ તેના સોફ્ટ પાવર જેવા કે આયુર્વેદ, યોગ અને સાંસ્કૃતિક સુમેળમાં સમાવિષ્ટ છે. તેમણે આ સંદર્ભે સંપૂર્ણ સ્વદેશી વ્યવસ્થા ઊભી કરવા અને ભારતમાં રહેલા બ્રિટિશ પ્રભાવને ખાળવા વિવિધ પગલાં સૂચવ્યા હતા. તેમણે ભારતના વૈશ્વિક પ્રભાવને વધારવા અને સુમેળભરી દુનિયાના નિર્માણ માટે આ સોફ્ટ પાવરની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો.
શ્રી યશવર્ધન કુમાર સિન્હાએ વસુધૈવ કુટુંબકમમાં રહેલી મલ્ટીપોલારિટીને ઉજાગર કરી હતી. તેમણે કહ્યું કે મલ્ટીપોલારિટી સ્થિર અને સર્વસમાવેશી વિશ્વ વ્યવસ્થા માટે જરૂરી છે. તેમણે આ સિદ્ધાંત કઈ રીતે પંડિત નહેરુના સમયથી વિશ્વમાં ડીકોલોનાઈઝેશનની પ્રક્રિયાને વેગ આપવામાં ફાળો આપી રહ્યો છે તેની વિગતો આપી હતી.

શ્રી આલોક બંસલે નિયમ આધારિત વિશ્વવ્યવસ્થાની તરફેણ કરી હતી. તેમણે કહ્યું હતું કે એક સફળ મલ્ટીપોલાર વિશ્વ માટે મજબૂત નિયમો અને કાયદાની જરૂરત છે જે નવી વિશ્વ વ્યવસ્થા ઊભી કરી શકે. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ અને ત્યારબાદના સમયમાં વિશ્વમાં આવેલા રાજકીય પરિવર્તનોનું વિશ્લેષણ કર્યું હતું. તેમણે “મિચ્છામી દુક્કડમ”ની જૈન પરંપરાનું પ્રભાવી વિશ્વ વ્યવસ્થામાં મહત્ત્વનું સ્થાન હોવાનું જણાવ્યું હતું.
આ કોન્કલેવના સ્થળે યોજાયેલા સુંદર પ્રદર્શન ‘આર્ય પરંપરા’માં વિભિન્ન જીઓપોલિટીકસનાં પાસાઓને ઉજાગર કરવામાં આવ્યા હતા. જેમાં વિશ્વની રાજનીતિક વ્યવસ્થાનું બહુધ્રુવીયતાથી (મલ્ટિપોલારથી) દ્વિધ્રુવીયતા (બાયપોલાર) અને દ્વિધ્રુવીયતાથી એકધ્રુવીયતા તરફ થયેલા સ્થાનાંતરણને દર્શાવવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં વૈશ્વિક વિશ્વાસની ખોટ પૂરી કરવા માટે લેવાના જરૂરી પગલાં સંદર્ભે પ. પૂ. આચાર્યશ્રીએ ટ્વિટરના માધ્યમથી આપાવેલા સંદેશાઓને પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આ કોન્કલેવના મુખ્ય આયોજક “જ્યોત” સંસ્થાને ગીતાર્થ ગંગા સંશોધન કેન્દ્ર, વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, ઇન્ડિયા ફાઉન્ડેશન, મહારાષ્ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલીઝમ અમદાવાદ, ગ્રાન્ડ એકેડેમિક પોર્ટલ, બીએમકે ફાઉન્ડેશન, જીઓ સ્ટ્રેટા અને પ્રવર્ષ ગ્રુપ ઓફ કંપનીઝનો વિવિધ ક્ષમતાઓમાં સહયોગ સાપડ્યો છે.

આ ઇવેન્ટને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ એટર્ની જનરલ શ્રી કે. કે. વેણુગોપાલ, શ્રી પી. ચિદમ્બરમ, ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન, નેપાળ દૂતાવાસ, યુક્રેન દૂતાવાસ, જર્મન દૂતાવાસ અને સ્પેનિશ દૂતાવાસ તરફથી શુભેચ્છાઓ મળી. નેપાળ દૂતાવાસે તેમના પ્રતિનિધિ તરીકે દ્રુપદા સપ્કોટા, મંત્રી પરામર્શદાતાને કૉન્કલેવમાં હાજરી માટે નિયુક્ત કર્યા હતા.
બે દિવસના આ મહત્ત્વપૂર્ણ સંમેલનના નિષ્કર્ષ રૂપે “ગીતાર્થ ગંગા ડેકલેરેશન” જારી કરવામાં આવ્યું છે જેમાં ઉપરોક્ત વિષયો પર થયેલી ચર્ચાઓ અને તેનાં તારણોના આધારે મળેલા વિચારઅમૃતને વિવિધ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ફોરમમાં મૂકવામાં આવશે. આ કોન્કલેવમાં દેશ-વિદેશથી પધારેલા આશરે ૪૦૦ જેટલા સહભાગીઓ, ન્યાયવિદો, ભૂભૌગોલિક રાજનીતિના નિષ્ણાતો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વિશેષ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે, આવનાર દરેક નિષ્ણાતો જૈનચાર્યના અત્યંત ઊંડાણભર્યા જ્ઞાનથી પ્રભાવિત થયા હતા. કાયદો અને જીઓપોલિટીકસ જેવા આધુનિક વિષયોમાં પણ તેમની માસ્ટરી જોઈને આવનાર દરેક સભાસદ પ્રભાવિત થયા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદઃ વસુધૈવ કુટુમ્બકમ અને સાર્વભૌમત્વનાં કાનૂની પાસાં અંગે ન્યાયક્ષેત્રના દિગ્ગજોએ કર્યો વિચાર વિમર્શ