રીબડિયાના કૉંગ્રેસને રામ-રામ, શું હવે કરશે કેસરિયા ?
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદેશ કૉંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કૉંગ્રેસનો હાથ છોડ્યા બાદ ટૂંક સમયમાં રીબડિયા ભાજપનો ખેસ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
આગામી દિવસોમાં હર્ષદ રીબડીયા ઉપરાંત અન્ય કોંગ્રેસના ધારાસભ્ય પણ કોંગ્રેસને ટાટા-બાય-બાય કરી શકે છે. જોકે, હાલમાં હર્ષદ રીબડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને નબળી કરવાનું કામ કર્યું છે.
Gujarat | Congress MLA from Visavadar constituency Harshad Ribadiya resigned from the post of MLA. His resignation was accepted by the Assembly speaker Nimaben Acharya pic.twitter.com/g92YS9QoqR
— ANI (@ANI) October 4, 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ હવે સાવ નજીકથી સંભળાઈ રહ્યા છે. તેવામાં રાજ્યની દરેક બેઠક પર નવા નવા સમીકરણો બની રહ્યા છે, તે પછી રાજકીય હોય કે જાતિગત. દરેક પક્ષ પોતાની વોટબેંકને સુરક્ષિત રાખવામાં અને વિસ્તારવામાં મથી રહ્યો છે.
એક સમયે ભાજપનો ગઢ હતી વિસાવદર બેઠક
જુનાગઢ જીલ્લામાં સમાવિષ્ટ થતી વિસાવદર વિધાનસભા બેઠક એક સમયે ભાજપનો અભેદ્ય કિલ્લો હતી. અહીં ભાજપે 1995થી 2007 સુધી સતત ચાર ટર્મ રાજ કર્યુ હતું. હાલ અહીં જ્ઞાતિ આધારીત સમીકરણ મંડરાઇ રહ્યા છે. આ સ્થિતિમાં આ બેઠક પર તમામ પક્ષોએ ઉમેદવારોની પસંદગીમાં ખાસ ખ્યાલ રાખવો પડશે.
આ બેઠક પર અંદાજે સવા લાખ પાટીદાર મતદારો છે. જેથી છેલ્લા કેટલાક વર્ષોમાં પાટીદાર અનામત આંદોલનની અસરના કારણે કોંગ્રેસને માત્ર વિસાવદર બેઠક પર જ નહીં, પરંતુ જૂનાગઢ જીલ્લાની અન્ય બેઠકોમાં પણ લાભ થયો હતો. ઉલ્લેખનીય છે કે, સંત અને શૂરા માટે જાણીતી સોરઠની ભૂમિ પરના જ્ઞાતિના કોયડા ઉકેલવા એ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો માટે હંમેશા અઘરા રહ્યા છે.
વિસાવદર બેઠકનો રાજકીય ઈતિહાસ
- 1962માં આ બેઠક પર યોજાયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મદીનાબેન નાગોરીએ આઇએનડીના શારદાબેન પટેલને 6771 મતોના માર્જીનથી મ્હાત આપી હતી
- 1967માં SWAના કે. ડી ભેસાણીયા વિજયી બન્યા હતા
- 1972માં ફરી કોંગ્રેસના રામજીભાઇ કરકરે સત્તાનું સુકાન સંભાળી એનસીઓના રતીલાલ રીબડીયાને મ્હાત આપી હતી
- જોકે 1975માં કેએલપીના કુરજીભાઇ ભેસાણીયાએ કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી ગોવિંદ પટેલને 8544ના માર્જીનથી હરાવ્યા હતા
- 1980માં જેએનપીના ધીરજલાલ રીબડીયાએ 3066 મતોની સરસાઇ સાથે જીત મેળવી હતી
- 1985માં કોંગ્રેસના પોપટલાલ રામાણીએ ભાજપને ભીખાલાલ પટેલને હારનો સ્વાદ ચખાવ્યો હતો
- 1990માં ભેસાણીયા કુરજીભાઇએ જેડીમાંથી જીત મેળવી હતી
- 1995માં ભાજપના કેશુભાઇ પટેલે કોંગ્રેસના કુરજીભાઇ ભેસાણીયા સામે જીતનો પરચમ લહેરાવ્યો હતો
- 1998માં ભાજપના ઉમેદવાર કેશુભાઇ પટેલે કોંગ્રેસના ઉમેદવાર કેશુભાઇ આંબલીયાને હાર આપી હતી
- ત્યારબાદ 2002 અને 2007 એમ સતત બે ટર્મ સુધી ભાજપના કનુભાઇ ભાલાળાએ સત્તા મેળવી હતી
- વર્ષ 2012માં કેશુભાઈ પટેલે GPPમાંથી જીત મેળવી
- વર્ષ 2017માં કોંગ્રેસના હર્ષદ રિબડીયાની જીત સાથે ભાજપનું આ બેઠક જીતવાનું સપનું રોળાયું હતું
વિસાવદર બેઠક પર મતદારોનું ગણિત
આ બેઠક પર અંદાજીત કુલ 2, 58, 104 મતદારો છે. જેમાં અંદાજે 1,34,870 પૂરૂષ મતદારો છે, જ્યારે 1,23,232 સ્ત્રી મતદારો છે. આ બેઠક પર 1,35,000 પાટીદાર મતદારો છે. જ્યારે 21000 દલિત મતદારો, 20,000 કોળી મતદારો, 12,000 મુસ્લિમ મતદારો છે.