એક Twitter પોસ્ટથી ‘વિરાટ’ના નિવૃત્તિની અટકળો થઈ શરૂ !
ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ તાજેતરમાં જ તેનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે, જેનાથી તેના ફેન્સ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે અને વિરાટની નિવૃત્તિ અંગે અટકળો શરુ થઈ ગઈ છે. આજે સવારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમાયેલી મેચની પોસ્ટ કરતાં તેણે કેટલાક ચાહકોને ડરાવી દીધા છે.
શું છે સમગ્ર મામલો ?
હકીકતમાં આજે સવારે વિરાટે એક પોસ્ટ મૂકી છે, જેમાં તેણે લખ્યુ છે કે, “23મી ઓક્ટોબર 2022 મારા હૃદયમાં હંમેશા ખાસ રહેશે. ક્રિકેટની રમતમાં આટલી ઉર્જા આ પહેલા ક્યારેય અનુભવાઈ ન હતી. તે કેટલી અદ્દભૂત સાંજ હતી.” આ પોસ્ટ T20 વર્લ્ડ કપ દરમ્યાન MCG ખાતે 90,000 થી વધુ પ્રેક્ષકોની સામે રમાયેલી અવિસ્મરણીય ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચની છે, જેને લઈને અમુક ફેન્સ અવી ધારણાં કરી રહ્યા છે કે શું વિરાટ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીની આગેવાનીનું અનુસરણ કરી રહ્યા છે ? કારણ કે ધોનીએ પણ આ રીતે જ પોસ્ટ કરી તેની નિવૃત્તિ જાહેર કરી હતી. તેવામાં કોહલીની આ પોસ્ટ મૂકતા તેની નિવૃત્તિની અટકળોએ પણ જન્મ લઈ લીધો છે.
October 23rd 2022 will always be special in my heart. Never felt energy like that in a cricket game before. What a blessed evening that was ???????? pic.twitter.com/rsil91Af7a
— Virat Kohli (@imVkohli) November 26, 2022
ધોનીએ પણ આ રીતે જ જાહેર કરી હતી નિવૃત્તિ
વિરાટે આ પોસ્ટમાં જે રીતે પોતાના શબ્દો વ્યક્ત કર્યા તેના કારણે કેટલાક ચાહકોને આશ્ચર્ય થયું કે શું તે એમએસ ધોનીની નકલ કરી રહ્યો છે. કારણ કે 15 ઓગસ્ટ, 2020 ના રોજ, ભારતના દિગ્ગજ ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન એમએસ ધોનીએ પણ નિવૃત્તિની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. તેથી તેની આ પોસ્ટથી તેના ચાહકોની ચિંતામા પણ વધારો થયો છે.
શું હોય શકે છે કોહલી નિવૃત્તિનું કારણ ?
કોહલી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે તેવો ડર કેટલાક સમર્થકોને હોવાના મુખ્ય કારણો પૈકી એક એ વ્યાપક ધારણા છે કે ભારત બહુરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વારંવારની હારને પગલે તે T20I ટીમનું પુનઃનિર્માણ કરવા માંગે છે. આ સિવાય એવી અફવાઓ પણ ફેલાય રહી છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ આગામી વર્ષે ઘરઆંગણે યોજયેલ વર્લ્ડ કપની તૈયારીમાં વન-ડે ઇન્ટરનેશનલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે ધીમે ધીમે ક્રિકેટનાં T20 જેવાં સૌથી ટૂંકા ફોર્મેટમાં રમવાનું બંધ કરી શકે છે.
વિરાટ કોહલીની તે એક સર્વશ્રેષ્ઠ T20 ઈનિંગ હતી
વિશ્વ કપ દરમ્યાન કોહલીએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વર્લ્ડ કપના સુપર 12 રાઉન્ડમાં પાકિસ્તાન સામેની તેની એક યાદગાર ઇનિંગ રમી હતી. કોહલીએ માત્ર 53 બોલમાં અણનમ 82 રન ફટકારીને ભારતને 160 રનનો પીછો કરવામાં અને તે મેચમાં જીત હાંસિલ કરવામાં મદદ કરી હતી. તે મેચમાં એક સમયે ભારતને 8 બોલમાં 28 રનની જરૂર હતી, અને કોહલીએ તેની તોફાની ઈનિંગથી તે મેચ ભારતનાં કબજે કરી હતી. તેથી જ ઘણા લોકોએ કોહલીના પ્રદર્શનને અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ T20 પ્રદર્શનમાંનું એક ગણાવ્યું હતું.
જો કે રોહિત,રાહુલ સહિત કોહલી પણ હાલ બાંગ્લાદેશ પ્રવાસની તૈયારી કરી રહ્યો છે, જે 4 ડિસેમ્બરથી શરૂ થશે. ન્યુઝીલેન્ડનાં ચાલુ પ્રવાસમાં આ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો અને હવે બાંગ્લાદેશ સામેની વનડે અને ટેસ્ટ શ્રેણીમાં કોહલી ફરી રમવાનું શરૂ કરશે.