16 મે, બેંગલુરુ: અત્યારે IPL 2024ની સિઝન પોતાના ચરમ ઉપર છે. આ ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં T20 World Cup રમાવાનો છે. આ વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની નિવૃત્તિ બાબતે અટકળો ચાલી રહી છે. પરંતુ અચાનક જ પોતાની નિવૃત્તિ બાબતે વિરાટ કોહલીએ એવું નિવેદન આપ્યું છે કે ભારતીય ક્રિકેટ વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમના ઓફિશિયલ સ્પોન્સરર દ્વારા ગઈકાલે રાત્રે એક ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિનર દરમ્યાન ટીમને તેમજ સપોર્ટ સ્ટાફને વિરાટ કોહલીએ સંબોધન કર્યું હતું. આ સંબોધન દરમ્યાન પોતાની નિવૃત્તિ બાબતે વિરાટ કોહલીએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો.
વિરાટે કહ્યું હતું કે જ્યારે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે ત્યારે તેનું માઈન્ડસેટ કેવું હશે. ટીમ ઇન્ડિયા અને બેંગલુરુના પૂર્વ કપ્તાને કહ્યું હતું કે તે પોતાના કરિયરનો અંત એમ વિચારીને નહીં કરે કે ક્યાંક કશું અધૂરું તો નથી રહી ગયું ને? કે પછી કદાચ મેં પેલી મેચમાં આવી રીતે પરફોર્મ કર્યું હોત તો?
વિરાટ કોહલીએ પોતાના ફેન્સને પણ આડકતરો સંદેશ આપતાં જણાવ્યું હતું કે હું જ્યારે પણ ક્રિકેટને અલવિદા કહીશ ત્યારે તમે મને લાંબા સમય સુધી જોઈ નહીં શકો. પરંતુ હું જ્યાં સુધી રમતો રહીશ ત્યાં સુધી મારી ટીમને મારું સો ટકા પરફોર્મન્સ આપતો રહીશ.
આમ કહીને વિરાટ કોહલીએ ફેન્સને સંદેશો આપી દીધો છે કે તે જ્યારે પણ નિવૃત્તિ લેશે તે કોઈ અજાણી જગ્યાએ જતો રહેશે અને તે એકાંતમાં ઘણા બધા દિવસો વિતાવશે. કદાચ આ રીતે તે પોતાના લગભગ દોઢથી બે દસકા લાંબા ક્રિકેટ કરિયર દરમ્યાન પોતાના પરિવારથી જેટલો સમય દૂર રહ્યો છે તેની ખોટને તે પૂરી કરવાનો પ્રયાસ કરશે.
આજકાલ જે રીતે મહેન્દ્ર સિંહ ધોની પરફોર્મ કરી રહ્યો છે કે પછી રોહિત શર્માનું બેટ મુંબઈ ઇન્ડિયન્સ માટે બેટિંગ કરતી વખતે શાંત થઇ ગયું છે, આ બંનેની નિવૃત્તિ ક્યારે તેની ચર્ચા થઇ રહી છે. આવામાં વિરાટ કોહલીનું આ તાજું નિવેદન કોહલીના ફેન્સને જરૂર ચિંતા કરવી દે તેવું છે.
સામાન્ય રીતે ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધી એકાદ અપવાદને બાદ કરતા કોઇપણ ક્રિકેટર તેના ટોપ ફોર્મમાં હોય ત્યારે નિવૃત્ત નથી થયો તે હકીકત છે.