23 મે, અમદાવાદ: રાજસ્થાન રોયલ્સ સામેની એલિમિનેટર હાર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2024માંથી બહાર નીકળી ગયું છે. મેચ બાદ પોતાનું મંતવ્ય આપતાં ઇંગ્લેન્ડના તેમજ RCBના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને કહ્યું છે કે વિરાટ કોહલીએ RCB છોડી દેવું જોઈએ.
કેવિન પીટરસન IPL 2024 માટે કોમેન્ટ્રી કરી રહ્યા છે અને તેઓ પોતાના સ્પષ્ટ વિચારો માટે જાણીતા છે. મેચ પત્યા બાદ મેચનો રિવ્યુ કરતી વખતે કેવિન પીટરસને ઉપરોક્ત વિચાર જણાવ્યો હતો. કેવિન પીટરસને કહ્યું હતું કે વિરાટ કોહલીએ RCB છોડી દેવું જોઈએ કારણકે તેઓ એક IPL ટ્રોફી જીતવા માટે હકદાર છે. તેમનું કહેવું હતું કે અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે કોહલી એક માત્ર એવો ખેલાડી છે જે સમગ્ર ફ્રેન્ચાઈઝીનો ભાર લઈને ચાલી રહ્યો છે. આ સિઝનમાં પણ કોહલીએ 700થી વધુ રન્સ તો બનાવ્યા પરંતુ ટ્રોફી જીતવાનું તેનું સપનું ફરીથી અધૂરું રહી ગયું છે.
આ માટે પીટરસને ફૂટબોલનું ઉદાહરણ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે જો કોહલી RCB છોડવાનું નક્કી કરી લે તો દિલ્હી કેપિટલ્સ તેના માટે બહેતર વિકલ્પ રહેશે. આ માટે તેણે ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને હેરી કેન જેવા દિગ્ગજ ફૂટબોલ ખેલાડીઓનું ઉદાહરણ આપ્યું હતું, જેમણે સફળતા મેળવવા માટે પોતાની જૂની ટીમોનો સાથ છોડી દીધો હતો.
‘મેં અગાઉ પણ કહ્યું હતું અને આજે પણ કહી રહ્યો છું; અન્ય રમતોમાં દિગ્ગજ ખેલાડીઓ સફળતા મેળવવા માટે બીજી ટીમનો સાથ લેતા હોય છે. કોહલી ખૂબ મહેનત કરે છે પણ ફ્રેન્ચાઈઝી ટ્રોફી જીતવામાં સફળ નથી થતી. હું એમ માનું છું કે કોહલી ટીમમાં કોમર્શીયલ વેલ્યુ લાવે છે, પણ તે ટ્રોફી જીતવાનો પણ હકદાર છે. તેમણે એવી ટીમમાંથી રમવું જોઈએ જેનાથી ટ્રોફી જીતવામાં મદદ મળી શકે.’ પીટરસને કહ્યું હતું.
ત્યારબાદ કેવિન પીટરસને ઉમેર્યું હતું કે, ‘મારું માનવું છે કે દિલ્હી તેમના માટે યોગ્ય ટીમ હશે. વિરાટ RCBથી દૂર જઈને દિલ્હી સાથે જોડાશે તો તે પોતાના પરિવાર સાથે પણ વધુ સમય રહી શકશે મને ખબર છે કે દિલ્હીમાં તેમનું ઘર છે, તેમનું પરિવાર હજી યુવાન છે અને તેઓ તેમની સાથે વધુ સમય વિતાવી શકશે. જો તેઓ દિલ્હીના જ છે તો કેપિટલ્સ માટે કેમ નથી રમતા? દિલ્હી પણ બેંગલુરુની જેમ જ ટ્રોફી જીતવા માટે આતુર છે.’