વિરાટ કોહલીએ કહ્યું કે, પરિવાર સિવાય ધોની એકમાત્ર એવો વ્યક્તિ હતો જેણે ખરાબ સમયમાં મદદ કરી
વિરાટ કોહલી અને એમએસ ધોની વચ્ચે એક અલગ જ બોન્ડ છે. બંને એકબીજાના વખાણ પણ કરતાં હોય છે. બંને વચ્ચેની મિત્રતા જાણીતી છે. કોહલી દરેક પ્રસંગે ધોની વિશે ખુલીને વાત કરે છે. કોહલી જ્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ધોનીએ તેને સપોર્ટ કર્યો હતો. હવે ફરી એકવાર તેની IPL ફ્રેન્ચાઇઝી RCBના પોડકાસ્ટમાં વાત કરતી વખતે કોહલીએ ધોનીના તે મેસેજ વિશે વાત કરી. વિરાટ કોહલીએ કહ્યું કે ધોની એકમાત્ર એવો વ્યક્તિ હતો જેણે 2022માં મારી સાથે વાત કરી હતી જ્યારે મારો ખરાબ સમય ચાલી રહ્યો હતો અને રન આવી રહ્યા ન હતા, આ શુદ્ધ બોન્ડ હોવું મારા માટે આશીર્વાદ છે. કોહલીએ કહ્યું કે તે સમયે ધોની ભાઈએ મને મેસેજ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે અનુષ્કા સિવાય, ધોની આ સમગ્ર તબક્કામાં મારા માટે સૌથી મોટી તાકાત છે કારણ કે તે આ તબક્કા દરમિયાન મારી સાથે રહયા છે અને તેમણે મને ખૂબ નજીકથી જોયો છે કે હું કેવું અનુભવું છું.કોહલીએ ખુલાસો કર્યો કે ધોનીનો સંપર્ક કરવો ખૂબ મુશ્કેલ છે. તમે ભાગ્યે જ તેમનો સંપર્ક કરી શકો છો. જો હું તેમને કોઈ પણ દિવસે ફોન કરું તો 99 ટકા તે ફોન ઉપાડશે જ નહીં કારણ કે તે ફોન તરફ જોતા નથી.કોહલીએ ધોનીના નેતૃત્વમાં તમામ ફોર્મેટમાં પદાર્પણ કર્યું અને બાદમાં દિગ્ગજ ક્રિકેટર પાસેથી તમામ ફોર્મેટની કપ્તાની સંભાળી. કારકિર્દીની શરૂઆતથી જ કોહલીને ધોનીનો સાથ મળ્યો છે. કોહલીએ 15 વર્ષની કારકિર્દીમાં ભારત માટે 106 ટેસ્ટ, 271 ODI અને 115 T20 મેચ રમી છે. તે તાજેતરમાં જ સચિન તેંડુલકરને પાછળ છોડીને માત્ર 549 ઇનિંગ્સમાં 25000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર સૌથી ઝડપી ખેલાડી બન્યો હતો.