IPL-2024વિશેષસ્પોર્ટસ

શું આ ધોનીની છેલ્લી IPL છે? વિરાટે આપી બહુ મોટી હિન્ટ

Text To Speech

18 મે, બેન્ગ્લુરુ: આજે બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આ વર્ષની IPLનો સહુથી મોટો અને સહુથી મહત્વનો મુકાબલો થવા જઈ રહ્યો છે. આ મેચ અગાઉ વિરાટ કોહલીએ આ ટુર્નામેન્ટ ધોનીની છેલ્લી IPL હોઈ શકે છે તે બાબતે અત્યારસુધીની સહુથી મોટી હિન્ટ આપી દીધી છે.

આમ પણ છેલ્લા બે વર્ષથી ધોનીની છેલ્લી IPL અંગે અસંખ્ય અટકળો લગાવવામાં આવી છે, પરંતુ દર વખતે ધોની પોતાના નિર્ણયને એક વર્ષ વધુ આગળ લઇ જતો હતો. પરંતુ ઉંમરના આ પડાવ પર અને જે રીતે તેનું શરીર અત્યારે ઈજાગ્રસ્ત છે તે જોઇને મોટાભાગના ક્રિકેટ પંડિતો અને ફેન્સને લાગે છે કે આ વર્ષે તો ધોની છેલ્લી વખત જ IPL રમી રહ્યો છે.

RCBના મહત્વપૂર્ણ ખેલાડી અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ IPLનું ટેલીકાસ્ટ કરતી જીઓ સિનેમાને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે કદાચ આવું છેલ્લી વખત બનવાનું છે કે હું અને માહી ભાઈ એક સાથે એક મેચમાં રમતા હોઈએ. વિરાટે આગળ એમ પણ કહ્યું છે કે ફેન્સ માટે પણ માહી ભાઈને રમતા જોવા એક અનોખો લ્હાવો છે. આ રીતે વિરાટ કોહલીએ ધોનીની IPLમાંથી નિવૃત્તિ અંગે બહુ મોટી વાત કરી દીધી છે.

એક રીતે જોવા જઈએ તો જે રીતે ધોની આ વર્ષે છેક નીચલા ક્રમે આવીને બેટિંગ કરે છે તેને લીધે તેની ટીમને પણ ઘણું સહન કરવાનું આવ્યું છે. વળી ધોની ફોર્મમાં પણ છે તેમ છતાં તે આટલા નીચલા ક્રમે આવીને બેટિંગ કરે છે તેનો એક જ મતલબ છે કે તેને કોઈ ઈજા સતાવી રહી છે. આ જ કારણસર ધોની ઉપરના ક્રમે આવીને બેટિંગ નથી કર્યો.

ધોનીના આ વલણની અગાઉ ટીમ ઇન્ડિયાના તેના સાથી ખેલાડીઓ હરભજન સિંઘ અને ઈરફાન પઠાણ આકરી ટીકા કરી ચૂક્યા છે. ક્રિકેટના પંડિતો પણ ધોનીના આ વલણ બાબતે આશ્ચર્ય અનુભવી રહ્યા છે.

હવે પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે બેંગલુરુ કે ચેન્નાઈ બંનેમાંથી ગમે તે ટીમ આજની મેચ જીતશે તો બીજી ટીમ તો IPL પ્લેઓફ્સમાંથી બહાર થવાની જ છે. આવામાં વિરાટનું એ કહેવું કે ધોની અને તે આજે કદાચ છેલ્લી વખત એકબીજાની સાથે રમશે તે એકદમ સાચું લાગે છે.

Back to top button