IPL-2024વિશેષસ્પોર્ટસ

કોહલીએ RCBની આશા જીવંત રાખી; પંજાબ બહાર ફેંકાયું

Text To Speech

10 મે, ધરમસાલા: અહીંના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોશિએશન ગ્રાઉન્ડ પર રમાયેલી એક મહત્વની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 60 રને હાર આપીને પ્લેઓફ્સમાં જવાની પોતાની આશા જીવંત રાખી છે. એક રીતે જોવા જઈએ તો વિરાટ કોહલીએ RCBની આશા જીવંત રાખતી બેટિંગ કરી હતી અને ત્યારબાદ પંજાબે પોતાની મૂળ બેટિંગ ચાલુ રાખતા મેચ આસાનીથી બેંગલુરુને ભેટમાં આપી દીધી હતી.

પહેલી બેટિંગ કરતાં RCBએ 241 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. જો કે આ માટે પંજાબ પોતે પણ જવાબદાર હતું. સહુથી વધુ રન બનાવનાર વિરાટ કોહલીના ઓછામાં ઓછા ત્રણ કેચ પંજાબના ફિલ્ડરોએ છોડ્યા હતા. આ ઉપરાંત પણ તેમણે અન્ય બેટ્સમેનોના કેચ પણ છોડ્યા હતા અને કેટલાક રન ઓવર થ્રોના પણ આપ્યા હતા.

ફાફ દુ પ્લેસી અને વિલ જેક્સના જલદી આઉટ થવા છતાં વિરાટ કોહલીએ RCBની બેટિંગ લાઈનઅપને મજબૂત રીતે સાચવી લીધી હતી. ત્યારબાદ રજત પાટીદાર, કેમરૂન ગ્રીન અને છેલ્લે દિનેશ કાર્તિકે ઝડપી બેટિંગ કરીને બેંગલુરુને આ મેદાનનો સહુથી મોટો સ્કોર એચીવ કરવામાં મદદ કરી હતી.

તો પંજાબની શરૂઆત કાયમની જેમ ખરાબ રહી હતી. આ વખતે તેમણે પ્રભસિમરનને બદલે જીતેશ શર્માને ઈમ્પેક્ટ પ્લેયર રાખ્યો હતો તો પ્રભસિમરન ફેઈલ રહ્યો હતો. તેના આઉટ થયા બાદ જોની બેરસ્ટ્રો અને રાયલી રૂસોએ પંજાબની ઇનિંગને આગળ લઇ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સામે છેડે આ વર્ષની IPLની શોધ કહી શકાય તેવા શશાંક સિંઘ સિવાય પંજાબનો અન્ય કોઈ પણ બેટ્સમેન ટકી શક્યો ન હતો.

RCBના સ્પિનર્સ પંજાબ ઉપર છવાઈ ગયા હતા. કર્ણ શર્મા અને સ્વપ્નીલ સિંઘે 2-2 મહત્વની વિકેટો લઈને પંજાબની બેટિંગની કમર તોડી નાખી હતી.

આ જીત પછી RCBની પ્લેઓફ્સમાં પહોંચવાની આશા હજી પણ જીવંત રહી છે. જો કે આ જીત તેને આ બાબતની કોઈજ ગેરંટી નથી આપતી તેમ છતાં બાકીની ટીમો જે 12 પોઈન્ટ્સ ધરાવે છે જેમકે ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ આ તમામ પર RCBની આ જીત સતત દબાણ બનાવી રાખશે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની બાકીની બે મેચો 12 મે એ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ છે અને 18મી મે એ ચેપોકમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.

Back to top button